રેમડેસિવિરની અછતને કારણે હોસ્પિટલો તરફથી કોઈ બાંહેધરી ન અપાતા સ્વજનો પોતે જ રેમડેસિવિર ઇન્જેક્શનની ખરીદી માટે સવારથી લઈને સાંજ સુધી લાઇનમાં ઉભા રહે છે. એકતરફ ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે સુરતમાં 5000 રેમેડેસિવિર ઇન્જેક્શન વિનામૂલ્યે વહેંચવાની જાહેરાત કરી છે જ્યારે આખો દિવસ લાઈનમાં ઊભા રહેવા છતાં પણ પૂરતી માત્રામાં ઇન્જેક્શનો ન મળતાં લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
રેમડેસિવિર માટે લોકોનો આક્રોશ છે કે એક તરફ હોસ્પિટલમાં સ્વજનો જીવન-મૃત્યુ વચ્ચે ઝોલાં ખાઇ રહ્યાં છે ત્યારે તેમની સારસંભાળ રાખવી કે ઇન્જેક્શન માટે સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહેવું, કોરોનાની ટ્રીટમેન્ટ કરતી હોસ્પિટલો લાખો રૂપિયાનો ચાર્જ વસૂલતી હોવા છતાં રેમડેસિવિર ઇન્જેક્શન માટે હાથ ઊંચા કરી દે છે. લોકોમાં ડર છે કે, ઇન્જેક્શનની ખરીદી દરમિયાન જો સેવા કરનાર વ્યક્તિ જ કોરોનામાં સપડાશે તો પરિવારનું ધ્યાન કોણ રાખશે. તેથી જ સરકારે આ માટે ખાસ વ્યવસ્થા ઊભી કરવી જોઈએ, જેથી છેવાડાનો માણસ પણ લાભ લઇ શકે અને પોતાના સ્વજનને બચાવી શકે.
50થી વધુ હોસ્પિટલે એસવીપીમાંથી રેમડેસિવિર મેળવ્યાં
શનિવારે એસવીપી હોસ્પિટલમાંથી 50 જેટલી ખાનગી હોસ્પિટલે 1150થી વધુ રેમડેસિવિરનો જથ્થો મેળવ્યો હતો. સરકારે એસવીપી હોસ્પિટલને વધારે 4 હજાર જેટલા રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો આપ્યો હતો. ગઇકાલ તેમજ આજનો પડતર જથ્થો મળીને એસવીપી પાસે અત્યારે 7 હજારથી વધારે રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો ઉપલબ્ધ છે.
ઝાયડસ આજથી ફરી ઈન્જેક્શન આપશે
ઝાયડસ હોસ્પિટલે જણાવ્યું છે કે, આજથી ફરી સવારે 8.30 થી 5.30 વચ્ચે રેમડેસિવિર ઈન્જેક્શન મળશે. આ માટે નીચે મુજબના દસ્તાવેજો જરૂરી.
1. આ માટે 7 દિવસથી વધુ જુનો ન હોય એવો RTPCR રિપોર્ટ.
2. હોસ્પિટલના લેટરપેડ ઉપર ડોક્ટરના રજિસ્ટ્રેશન નંબર, સ્ટેમ્પ અને લાયકાત સાથેનું પ્રિસ્ક્રિપ્શન.
3. દાખલ દર્દીનું આધારકાર્ડ છે.
પેશન્ટના એક જ સગાંવહાલાને પ્રવેશ મળશે.
બ્લેકમાં 20થી 25 હજારનો ભાવ હતો
મિત્રના ફાધર હોસ્પિટલમાં દાખલ છે. મિત્રને પણ કોરોના પોઝિટિવ છે અને ડૉક્ટરે રેમડેસિવિર ઈન્જેક્શન લાવવા કહ્યું હતું. તે માટે બે દિવસ અમદાવાદની 15થી વધુ જગ્યાએ તપાસ કરી, પણ ક્યાંય મળ્યા નહીં. બ્લેકમાં 20થી 25 હજારનો ભાવ હતો. - દિશાંત પરીખ
25 સ્થળે તપાસ કરી ક્યાંય મળ્યાં નહી
હું પાલડીમાં રહું છું. 75 વર્ષીય જૈન ગુરુ મહારાજ સાબરમતીની પુખરાજ હોસ્પિટલમાં દાખલ છે. તેમને રેમડેસિવિરની જરૂર હતી અને સર્કલમાં 3 લોકોને કોરોના પોઝિટિવ આવ્યો છે. તેમના માટે 25થી વધુ સ્થળે તપાસ કરી, પણ ક્યાંય રેમડેસિવિર ઉપલબ્ધ નથી. - નીરવભાઈ શાહ
પપ્પા પાસે રહું કે ઈન્જેક્શન લેવા જઉં
મારા પપ્પા અને અંકલ બંને પોઝિટિવ છે. ડોક્ટરે કહ્યું કે રેમડેસિવિર લાવવાં પડશે. હું છેલ્લાં ત્રણ દિવસથી અનેક જગ્યાએ ધક્કા ખાવ છું પણ મળતા નથી. રાત્રે પણ જો કોઈ કહે કે આ જગ્યાએ મળે છે તો પોલીસના દંડા ખાઈને પણ ઇન્જેક્શન લેવા જવા તૈયાર છું. - હર્ષ પટેલ
બે દિવસે બે ડોઝ જ આપવામાં આવે છે
જો તમારી પાસે ઓળખાણ અને પૈસા હોય તો ઇન્જેક્શન મળવામાં સરળતા રહે છે એ અમે જોઈ લીધું. એક જગ્યાએ ટોકન લઈએ ત્યારે બીજે-ત્રીજે દિવસે ઇન્જેકશનના બે ડોઝ અપાય છે. લાઈનમાં ઉભા રહેનારને જ જો કોરોના થાય તો સેવા કરનાર વ્યક્તિ કોઈ ન રહે. - પાર્થ સવાણી
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.