નિકોલમાં આવેલા સુરભી ચારરસ્તા વિસ્તારમાં વરસાદ બંધ થયાના 48 કલાક પછી પણ ઘૂંટણ સુધી પાણી ભરાઈ રહ્યા છે. લોકોનું કહેવું છે કે, ગટરો બેક મારતી હોવાથી પાણી ઉતરતા નથી. સ્થાનિક રહીશોએ છેલ્લા 48 કલાકમાં કોર્પોરેશનને 14 ફરિયાદ કરી છે. પરંતુ કોઈ ઉકેલ આવ્યો નથી. લોકોનો આક્ષેપ છે કે, નવો આરસીસી રોડ બનાવ્યા પછી લેવલિંગ ન થતાં પાણી ભરાય છે. બીજી તરફ પૂર્વના કેટલાક વિસ્તારમાં 48 કલાક છતાં પાણી ન ઉતરતા વોટર સપ્લાય કમિટીમાં આ મુદ્દો ચર્ચાયો હતો. કમિટીના સભ્યોએ કરી રજૂઆત બાદ અંતે બે દિવસે કમિટીએ અધિકારીઓને સૂચના આપી કે ‘સત્વરે પગલાં લો’.
સુરભી ચારરસ્તા તળાવ બન્યું
નિકોલમાં આવેલા સુરભી ચાર રસ્તા પાસે સોમવારે પણ ચોમેર વરસાદી પાણી ભરાયેલાં હતાં. શનિવારના ભારે વરસાદ બાદ 48 કલાક વીતવા છતાં આ વિસ્તાર બેટમાં ફેરવાઈ ગયો છે. સ્થાનિકોનું કહેવું છે કે, કોર્પોરેશનને 14 વખત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં સમસ્યાનો ઉકેલ શોધી શકાયો નથી.
તળાવમાં રહેતા હોય તેવું લાગી રહ્યું છે
4 વર્ષથી સમસ્યા છે, આરસીસી રોડ બનતો હતો ત્યારે લેવલિંગની અરજી કરી હતી. પણ કંઈ થયું નહીં. આજે તળાવમાં રહેતા હોઈએ તેવું લાગે છે. - કપૂરદાસ વૈષ્ણવ, સ્થાનિક
પાણીને લીધે ગ્રાહકો દુકાને આવતા નથી
ફરિયાદ છતાં 48 કલાકથી કોઈ આવતું નથી. પાણી ભરાવાથી સવારથી એકપણ ગ્રાહક દુકાને આવ્યો નથી. આસપાસના વેપારીની પણ આવી જ હાલત છે. - શેસ નારાયણ સિંગ, સ્થાનિક
બાળકોએ પાણીમાં થઈ સ્કૂલે જવું પડે છે
બાળકોએ પણ પાણીમાં થઈને સ્કૂલે જવું પડે છે. કોર્પોરેટરો વોટ માગવા આવે છે પરંતુ સમસ્યા હોય ત્યારે ફરકવાનું નામ લેતા નથી. ફરિયાદ કોઈ સાંભળતું નથી. - ગોવિંદ પટેલ, સ્થાનિક
અનેક ફરિયાદ કરી પણ ઉકેલ થતો નથી
અમારા વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી હોવાથી બાળકોને સ્કૂલે લેવા, મુકવા માટે 2 કિલોમીટર ફરીને આવવું પડે છે. 3-4 ફરિયાદ કરી કોઈ ઉકેલ નથી. - નરેન્દ્રસિંહ વાઘેલા, સ્થાનિક
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.