આત્મહત્યા:લવ મેરેજનાં 15 વર્ષ પછી પણ પતિએ વારંવાર દહેજની માગણી કરતા પત્નીએ આપઘાત કર્યો

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 8 દિવસ પહેલાં ભાઈને ફોન કરીને ફરિયાદ કરી હતી કે પતિનો ત્રાસ સહન થતો નથી
  • દાગીના લઈને આવ નહીં તો તને અને બાળકોને કાઢી મૂકીશ કહી પતિ ધમકી આપતો હતો

15 વર્ષ પહેલાં કોલેજમાં સાથે અભ્યાસ કરતા યુવાન અને યુવતી વચ્ચે પ્રેમ થતા બંનેએ લગ્ન કરી લીધા હતા. પતિ ફાર્મા કંપનીમાં રિજનલ મેનેજર હોવા છતાં પત્નીને પિયરમાંથી દહેજમાં પૈસા અને દાગીના લઈ આવવા વારંવાર દબાણ કરતો હતો. દીકરીની જિંદગી બગડે નહીં તે માટે પિતાએ એક વખત દહેજમાં 100 ગ્રામ સોનું અને પૈસા આપ્યા હતા. તેમ છતાં પતિ દહેજ માટે ત્રાસ આપીને મારઝૂડ કરતો હતો. આખરે કંટાળીને બે સંતાનોની માતાએ આત્મહત્યા કરી લીધી હતી.

મૂળ બિહાર હાજીપુરના વતની કેદારનાથ શાહ(70) હાજીપુરમાં જ કલ્પના વસ્ત્રાલય નામની કાપડની દુકાન ધરાવે છે. કેદારનાથની દીકરી રુચીરાજ(35) કોલેજમાં ભણતી હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતા સુજીતકુમાર સીંગ સાથે પ્રેમ સંબંધ બંધાતા બંનેએ બિહારમાં 2006માં આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. લગ્ન બાદ 1 વર્ષ બિહારમાં રહ્યા અને પછી બંને અમદાવાદ આવી ચાણકયાપુરીમાં રહેતા હતા. તેમને સંતાનમાં દીકરો અર્ચિત(11) અને દીકરી આર્ચિ(5) છે.

સુજીતકુમાર ફાર્મા કંપનીમાં રિજનલ મેનેજર તરીકે નોકરી કરે છે. 18 ઓગસ્ટના રોજ રુચીરાજે તેના ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ અંગે રુચીરાજના પિતા કેદારનાથ શાહે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં જમાઈ સુજીતકુમાર સીંગ વિરૂદ્ધ દીકરીને દહેજ માટે શારીરિક - માનસિક ત્રાસ આપીને આત્મહત્યા કરવા દૂષપ્રેરણા કરી હોવાની ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદ અનુસાર સુજીતકુમાર રુચીરાજને કહેતો હતો કે ‘આપણા લગ્નમાં તારા પિતાજીએ દહેજમાં કંઇ આપ્યુ નથી, તું તારા પિયરમાંથી પૈસા અને દાગીના લઈ આવ નહીં તો હું તને અને બાળકોને કાઢી મુકીશ અને બીજા લગ્ન કરી લઈશ. તેવી ધમકી આપીને હેરાન પરેશાન કરતો હતો. દીકરી રુચીરાજની જીંદગી બગડે નહીં એટલે પિતાએ 100 ગ્રામ સોનું અને પૈસા આપ્યા હતા. તેમ છતાં સુજીત પૈસાની માંગણી કરતો હતો.

મહિલાએ તેના ભાઈને ફોન કરીને કહ્યું કે ત્રાસ હવે સહન થતો નથી શું કરું સમજાતું નથી
10 ઓગસ્ટે રુચીરાજે ભાઈ કેતનને ફોન કરીને કહ્યું હતું કે સુજીત મને બહુ જ શારીરિક - માનસિક ત્રાસ આપે છે. તે સતત કહે છે કે તારા ઘરે બહુ પૈસા છે, તો પૈસા અને દાગીના મંગાવી લેજે. જો તું નહીં મંગાવે તો તારે બધું સહન કરવું પડશે. તેવું કહીને હવે સુજીતનો ત્રાસ સહન થતો નથી, હવે શું કરુ સમજાતું નથી તેવી ફરિયાદ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...