અમદાવાદના હાલબેહાલ:વરસાદ બંધ થયાના 24 કલાકે પાણી ઓસરવા લાગ્યા, ઘણી જગ્યાએ દુકાનો, મકાનો અને રસ્તા હજીય પાણીમાં ગરકાવ

અમદાવાદ3 મહિનો પહેલા
  • અમદાવાદમાં ભારે વરસાદની આગાહીને પગલે સ્કૂલો-કોલેજો બંધ

અમદાવાદમાં રવિવારે સાંજથી વહેલી સવાર સુધી પડેલા અનરાધાર વરસાદે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ ઊભી કરી છે. અનેક વિસ્તારોમાં લોકોનાં ઘરો, દુકાનો, વાહનો અને સોસાયટીના પાર્કિંગમાં પાણી ભરાઈ ગયાં છે. શહેરમાં આવેલા કોમ્પ્લેક્સોની દુકાનોમાં પણ પાણી ઘૂસી જતાં માલસામાનને નુકસાન થયું છે. પાલડી, વાસણા, શ્યામલ, વેજલપુર સહિતના વિસ્તારમાં પડેલા અનરાધાર વરસાદને કારણે ભોંયરાની દુકાનો આખેઆખી પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓને તેમના માલનું નુકસાન થયું છે.

લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો
શહેરમાં જળબંબાકારની સ્થિતિને પગલે અંદાજે પાંચ હજાર મકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં. એક હજારથી વધુ ગાડીઓ અને 3 હજારથી વધુ ટૂ વ્હીલરોને નુકસાન થયું છે. નાની ચાલીમાં તેમજ ફ્લેટમાં નીચેના માળે રહેતા લોકોને સૌથી વધુ હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ઘરવખરીમાં પલંગ, સોફા, અનાજ, ફ્રિજ, વોશિંગ મશીન સહિતની ચીજવસ્તુઓનું ભારે નુકસાન થયું છે. કરોડો રૂપિયાની મિલકતોને નુકસાન થતાં અમદાવાદીઓએ મ્યુનિસિપલ તંત્રની કામગીરી સામે આક્ષેપો કર્યા હતા. ઝડપી પાણી નિકાલની કોઈ વ્યવસ્થા નહીં હોવાને કારણે શહેરમાં આ રીતે પરિસ્થિતિ સર્જાઈ હતી.

સોસાયટીઓમાં પણ પાણી જ પાણી.
સોસાયટીઓમાં પણ પાણી જ પાણી.

ગાડીઓમાં પણ કરોડોનું નુકસાન થવા પામ્યું
લોકોએ મદદ માટે ફોન કરતાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કંટ્રોલ રૂમના ફોન આઉટ ઓફ સર્વિસ બતાવતાં હતાં. અમદાવાદના પ્રહલાદનગર રોડ પર આવેલા ઔડા તળાવની પાળી તૂટવાના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટના બેઝમેન્ટમાં તથા આસપાસના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયું હતું. જેના કારણે વ્રજવિહાર એપાર્ટમેન્ટનું બેઝમેન્ટ જાણે બેટમાં ફેરવાયું હતું. લાખોની કિંમતની મોંઘીદાટ ગાડીઓ બેઝમેન્ટમાં ભરાયેલા પાણીમાં ડુબી ગઈ હતી. તે ઉપરાંત રસ્તા પર ભરાયેલા ગોઠણ સમા પાણીમાં ગરકાવ થયેલી ગાડીઓમાં પણ કરોડોનું નુકસાન થવા પામ્યું છે.

રસ્તા પર ચારેબાજુ પાણી જ પાણી.
રસ્તા પર ચારેબાજુ પાણી જ પાણી.

વરસાદ બંધ થયાને 6 કલાકથી વધુનો સમય વીતી ગયો
શહેરમાં વરસાદ બંધ થયાને 6 કલાકથી વધુનો સમય વીતી ગયો છે. તે છતાંય હજી પાણી ઓસર્યાં નથી. શિવરંજનીથી શ્યામલ જતા રોડ પર પાણી ભરાઈ ગયા હોવાથી શિવરંજની બ્રિજથી આવતા લોકોએ રોંગ સાઈડમાં થઈને પરત જવું પડ્યું છે. વેજલપુરના શ્રીનંદનગર-1 વિભાગમાં નીચેના માળે આવેલા અનેક મકાનોમાં પાણી ભરાઈ ગયા છે અને પાણી ભરાવવાના કારણે લોકોને આજે સવારે નોકરીએ જવા માટે ઘૂંટણસમા પાણીમાંથી ભીના કપડે જવું પડ્યું હતું. વેજલપુર વિસ્તારમાં શ્રીનગર એપાર્ટમેન્ટ અને સોનલ સિનેમા રોડ પર આવેલા અનેક ફ્લેટમાં ગઈકાલ રાતથી જ લાઈટો બંધ છે.જેના કારણે હજારો લોકો હેરાન પરેશાન થયા છે.

વરસાદના પાણી લોકોનાં ઘરમાં ઘૂસ્યાં.
વરસાદના પાણી લોકોનાં ઘરમાં ઘૂસ્યાં.

ઇસનપુર ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ ફસાઈ
મણિનગર વિસ્તારમાં ભૈરવનાથ ચાર રસ્તા પાસે ખાનગી લકઝરી બસ પાણીમાં ફસાઈ હતી. લોકો બસમાંથી બહાર આવી શકે તેમ ન હતા. ફાયરબ્રિગેડની ટીમે ત્યાં પહોંચી અને લોકોને બસમાંથી બહાર કાઢ્યા હતા. ઇસનપુર ચાર રસ્તા પાસે પણ ખાનગી લકઝરી બસ ફસાઈ હતી. બસ આખી પેસેન્જરોથી ભરેલી હતી. જેથી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી. ફસાયેલા લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા હતા. ફસાયેલા લોકોને ફાયરબ્રિગેડના વાહનો ઉપર બેસાડી અને મણીનગર ફાયર સ્ટેશન સહી સલામત લાવવામાં આવ્યા હતા. ત્યાંથી તેઓ વહેલી સવારે અલગ-અલગ વિસ્તારમાં પોતાની રીતે પરત ગયા હતા.

કોમ્પ્લેક્સનું ભોયરું પાણીમાં ગરકાવ થઈ ગયું.
કોમ્પ્લેક્સનું ભોયરું પાણીમાં ગરકાવ થઈ ગયું.

અમદાવાદમાં સ્કૂલો-કોલેજો બંધ
ભારે વરસાદને પગલે અમદાવાદ શહેરની સ્કૂલો-કોલેજોમાં પણ રજા આપી દેવાઈ છે. કલેકટર દ્વારા અપાયેલી સૂચના મુજબ સ્કૂલો-કોલેજોમાં શિક્ષણકાર્ય બંધ રહેશે.મોટા ભાગની ખાનગી સ્કૂલોએ પણ મોડી રાત્રે વાલીઓને મેસેજ કરીને સ્કૂલ બંધ રહેવાની સૂચના આપી દીધી હતી. મ્યુ.કમિશનરની સૂચનાથી કોર્પોરેશન હેઠળની તમામ સ્કૂલોમાં પણ સ્કૂલબોર્ડ દ્વારા રજા આપી દેવાઈ છે. જ્યારે જીટીયુની હાલ ચાલી રહેલી વિવિધ કોર્સની સમર સેમેસ્ટર પરીક્ષાઓ મોકુફ રહેશે કે કેમ તેને લઈને કુલપતિ દ્વારા મોડી રાત સુધી કોઈ નિર્ણય લેવાયો ન હતો. પરંતુ કોલેજો બંધ હોવાથી પરીક્ષા કઈ રીતે લેવાઈ શકે તે પણ મોટો પ્રશ્ન છે.જોકે યુનિ.એ હાલ તો પરીક્ષાઓ યથાવત રાખવી તેવુ નક્કી કર્યુ છે.

અન્ય સમાચારો પણ છે...