સ્માર્ટ સિટીની બદતર હાલત:અમદાવાદમાં વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ જળબંબાકારની સ્થિતિ, નારોલ અને નિકોલમાં હજી પાણી ઓસર્યા નથી

અમદાવાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકોને હાલાકી - Divya Bhaskar
વરસાદી પાણીનો નિકાલ નહીં થતાં લોકોને હાલાકી

અમદાવાદમાં ભારે વરસાદના બીજા રાઉન્ડમાં શનિવારે શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડયો હતો. રાત્રે 8 વાગ્યે બંધ થયેલો વરસાદ ફરીવાર રાત્રે 10 વાગ્યે શરૂ થયો હતો. શનિવારે સાંજથી રવિવારે સવારે 6 વાગ્યા સુધી સતત વરસાદ ચાલુ રહ્યો હતો ત્યારે 24 કલાક બાદ પણ શહેરના પૂર્વ વિસ્તાર એવા નારોલ અને નિકોલમાં વરસાદી પાણીનો નિકાલ થયો નથી. નારોલના શાહવાડી તરફ જવાના રોડ ઉપર તેમજ હાઈ ફાઈ ચાર રસ્તા પાસે આખો રોડ પાણીમાં હજી પણ ગરકાવ છે.આજે સવારે ભાજપના પદાધિકારીઓ અધિકારીઓ સાથે આ વિસ્તારમાં રાઉન્ડ લેવા માટે પહોંચ્યા હતા.

24 કલાક બાદ પણ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયેલાં છે
બીજી તરફ આવી જ પરિસ્થિતિ શહેરના પૂર્વ વિસ્તારના એવા નિકોલમાં જોવા મળી હતી. સેવન ડે સ્કૂલ પાસે સંસ્કાર ફ્લેટની બહાર આખું રોડ પાણીમાં ગરકાવ થયો હતો વાહનચાલકો ત્યાંથી પસાર થતા હતા તો તેમના વાહન પણ બંધ પડી જાય તેવી પરિસ્થિતિ આજે સવારે જોવા મળી હતી. વરસાદ બંધ થયાના 24 કલાક બાદ પણ શહેરમાં આ રીતે પરિસ્થિતિ જોવા મળતા મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રિમોન્સુન કામગીરી તેમજ જે અધિકારીઓ સતત કંટ્રોલ રૂમમાંથી નજર રાખી રહ્યા હોવાની અને રાઉન્ડમાં નીકળતા હોવાની વાતો માત્ર પોકળ સાબિત થઈ છે.

પૂર્વ વિસ્તારના રોડ પણ હાલમાં જળમગ્ન હાલતમાં જોવા મળી રહ્યાં છે
પૂર્વ વિસ્તારના રોડ પણ હાલમાં જળમગ્ન હાલતમાં જોવા મળી રહ્યાં છે

ઘોડાસરથી નારોલ સુધી વાહનો અટવાયા હતા
શનિવાર રાતથી રવિવાર સવાર સુધી શહેરમાં સરેરાશ કુલ 4 ઇંચ વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ પોણા સાત ઇંચ જેટલો વરસાદ રખિયાલ, ગોમતીપુર વિસ્તારમાં પડ્યો હતો. જ્યારે નારોલ, વટવા, મણિનગર- કાંકરિયા વિસ્તારમાં સાડા છ ઇંચ વરસાદ પડ્યો હતો. મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે ટ્રાફિક જામ થયો હતો. નારોલ- નરોડા હાઇવે પર CTM ચાર રસ્તા પાસે રાતે 10 વાગ્યે પણ વાહનોની લાઈન લાગી હતી. ઘોડાસરથી નારોલ સુધી વાહનો અટવાયા હતા. મોડી રાતે પડેલા ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વરસાદ રોકાવાને 24 કલાક થયા પણ વરસાદના પાણી હજી ઓસર્યા નથી
વરસાદ રોકાવાને 24 કલાક થયા પણ વરસાદના પાણી હજી ઓસર્યા નથી

AMCને પાણી ભરાવાની ફરિયાદોનો મારો
શનિવારે સાંજે 6 વાગ્યાથી આજે રવિવારે સાંજે 6 વાગ્યા સુધી શહેરમાં પડેલા વરસાદના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશનના પાલડી ખાતેના મુખ્ય કન્ટ્રોલ રૂમમાં વરસાદી પાણી ભરાવવાની 68 જેટલી ફરિયાદો મળી હતી. જેમાંથી 54 જેટલી ફરિયાદોનો નિકાલ થઈ ચૂક્યો છે, જ્યારે 14 જગ્યાએ હજી પણ પાણી ભરાયેલા છે. જેનો નિકાલ કરવાની કામગીરી ચાલી રહી છે. શહેરમાં ચાર જગ્યાએ ભૂવા પડ્યા અને એક જગ્યાએ રોડ બેસી ગયો હતો. ત્રણ જગ્યાએ ભયજનક મકાનની દીવાલ પડી હોવાની ફરિયાદ મળી હતી.