AMCની કામગીરી:અમદાવાદના જમાલપુરમાં પાંચ માળની ગેરકાયદેસર બિલ્ડીંગ ઊભી થઈ ગયા પછી એસ્ટેટ વિભાગને ખબર પડી, હવે તોડવાની કામગીરી શરૂ કરી

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
જમાલપુરમાં ઊભી કરાયેલી ગેરકાયદેસર બિલ્ડીંગની તસવીર - Divya Bhaskar
જમાલપુરમાં ઊભી કરાયેલી ગેરકાયદેસર બિલ્ડીંગની તસવીર
  • પાકિઝા શો રૂમ પાસે પાંચ માળની બિલ્ડીંગ તોડવાની કામગીરી શરૂ કરાઈ
  • 10 ગ્રોસ મશીન અને 40 કોન્ટ્રાક્ટ પરના મજૂરો સાથે ગેરકાયદેસર બાંધકામ તોડાવાનું શરૂ

અમદાવાદ શહેરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગના અધિકારીઓની મહેરબાની અને હપ્તાખોરીના કારણે આખે આખી ગેરકાયદેસર બિલ્ડીંગ બની જાય છે. લોકો ગેરકાયદેસર હોર્ડિંગ્સ, બેનરો લગાવી દે છે. છેવટે અધિકારીઓના ભ્રષ્ટાચાર ઉજાગર થતા અને દબાણ આવતા તેઓને આખરે ગેરકાયદેસર બાંધકામ તોડવા પડે છે. શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા પગથિયાં નજીક પાકિઝા શો રૂમ પાસે પાંચ માળની 18000 ચો. ફૂટથી વધુની જગ્યામાં આખી બિલ્ડીંગ ગેરકાયદેસર ઉભી કરવામાં આવી હતી. જે આખરે આજે મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે દૂર કરી છે. એસ્ટેટ વિભાગે અગાઉ આ માટે કલમ 260 હેઠળ નોટિસ આપી સીલ કર્યું હતું.

ઉપરથી દબાણ આવતા આખરે બિલ્ડીંગ તોડવી પડી
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવતા મધ્ય ઝોનમાં અનેક ગેરકાયદેસર બાંધકામો ઉભા થઇ ગયા છે. પાંચ માળ સુધી બિલ્ડીંગ બને ત્યાં સુધી એસ્ટેટના અધિકારીઓની નજર નથી જતી અથવા તો હપ્તાઓ જ્યાં સુધી આવે ત્યાં સુધી તેઓ કાર્યવાહી કરતા નથી. જોકે હવે આવા ગેરકાયદેસર બાંધકામો તોડવા માટે ઉપરથી દબાણ આવતા એસ્ટેટ વિભાગે તોડવાની કામગીરી શરૂ કરી છે.

40 મજૂરો સાથે બિલ્ડીંગ તોડવાનું શરૂ કરાયું
40 મજૂરો સાથે બિલ્ડીંગ તોડવાનું શરૂ કરાયું

40 મજૂરો કામે લાગ્યા
જમાલપુરમાં બટાટા બિલ્ડીંગ તોડ્યા બાદ આજે જમાલપુર પગથિયાં નજીક પાકિઝા શો રૂમ પાસે પાંચ માળની 18000 ચો.ફૂટથી વધુની જગ્યામાં ઉભી થયેલી પાંચ માળની ગેરકાયદેસર બિલ્ડીંગ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે 10 ગ્રોસ મશીન અને 40 જેટલા કોન્ટ્રાકટર મજૂર સાથે તોડવાની કામગીરી કરી હતી. આવતીકાલે પણ આ કામગીરી કરવામાં આવશે.

અન્ય ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો પણ દૂર કરાયા
અન્ય ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો પણ દૂર કરાયા

ગેરકાયદેસર હોર્ડિંગ્સ અને બેનરો પણ દૂર કરાયા
​​​​​​​
મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ-પશ્ચિમ ઝોનના એસ્ટેટ વિભાગે પણ સરખેજ વિસ્તારમાં ખાનગી મિલકતો પર ગેરકાયદેસર રીતે લગાવેલા હોર્ડિંગસ આજે દૂર કર્યા હતા. સરખેજ પોલીસ સ્ટેશન સામે આવેલા હિમાલયા કોમ્પ્લેક્સના ધાબે લગાવેલા બે હોર્ડિંગ્સ, આમેના ખાતુન હોસ્પિટલ સામે સૈયદ બિલ્ડીંગની દીવાલ પર બે મોટા હોર્ડિંગ્સ લગાવેલા હતા જે દૂર કરવા માટે માલિક અને જાહેરાત એજન્સીઓને નોટિસ આપવા છતાં દૂર ન કરવામાં આવતા આજે દૂર કરાયા છે. સરખેજ-વિશાલા રોડ પર 4 મોટા હોર્ડિંગ્સ, 47 બેનર વગેરે દૂર કરવામાં આવ્યા છે અને આગામી દિવસોમાં પણ આવા ગેરકાયદેસર બાંધકામ અને બેનરો દૂર કરાશે.