• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Established Maruti Courier With 5 Thousand Interest, Today Turnover Of More Than 400 Crores; The High Command Reprimanded The Media For Making Statements Against Vijaybhai

રૂપાણીની સામે પડનાર મોકરિયા કોણ છે?:5 હજાર વ્યાજે લઇ મારૂતી કુરિયરની સ્થાપના કરી, આજે 400 કરોડથી વધુનું ટર્નઓવર; મીડિયા સામે વિજયભાઈ વિરુધ્ધ નિવેદનો કરતાં હાઈકમાન્ડે ઠપકો આપ્યો

11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભારતમાં મારૂતિ કુરિયરની 1848 બ્રાન્ચ છે અને 7 હજાર કર્મચારીઓ કામ કરે છે

રાજ્યસભાના ભાજપના સાંસદ અને મારૂતિ કુરિયર કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર રામભાઈ મોકરિયા છેલ્લા કેટલાક દિવસથી વિવાદમાં ઘેરાયા છે. તે રાજકોટ ભાજપમાં વર્ષોથી સક્રિય રહ્યા છે અને ભાજપના મૂકસેવક તરીકે સેવા કરી તેના ફળ રૂપે રાજ્યસભાના સાંસદ તરીકે ટિકિટ મળી. મારૂતિ કુરિયરના એમ.ડી. તરીકે પણ તે જાણીતા છે. હમણાં હમણાં રામભાઈ મોકરિયા વિવાદમાં આવ્યા છે. વિવાદમાં આવવાનું કારણ એ છે કે, રાજકોટના ધારાસભ્ય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સાથે એમને ભાજપના સ્નેહ મિલનના મંચ પર જ બોલાચાલી થઈ ગઈ.

નિવેદનો આપીને વિવાદમાં આવ્યા રામભાઈ
નિવેદનો આપીને વિવાદમાં આવ્યા રામભાઈ

વાત આટલેથી અટકી નહીં. ગુજરાતી ન્યૂઝ ચેનલમાં વિજયભાઈ વિરૂધ્ધ નિવેદનો આપ્યા બાદ ભાજપ હાઈકમાન્ડે રામભાઈ મોકરિયાને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હોવાનું ભાજપના આંતરિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. જો કે, ઠપકો આપ્યા બાદ રામભાઈ હવે મીડિયા સામે કોઈ પ્રકારનું નિવેદન આપવાનું ટાળી રહ્યા છે. વિજચભાઈની સામે પડનાર રામભાઈ મોકરિયા ખેડૂત પુત્ર છે. તેમણે 5 હજાર રૂપિયા વ્યાજે લઇને મારૂતિ કુરિયરની સ્થાપના કરી હતી. આજે આ કુરિયર કંપની વર્ષે 400 કરોડથી વધુનું ટર્નઓવર કરી રહી છે, અને 7 હજાર કર્મચારીઓ કામ કરે છે.

વિવાદ તો સપ્તાહ પહેલાં શરૂ થયો
સ્નેહ મિલનના આયોજન માટે આજથી સપ્તાહ પહેલાં રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ રૂપાણી જૂથ પર નિશાન સાધતાં કહ્યું હતું કે, શહેરમાં પાર્ટીમાં ઘણું બધું ચાલી રહ્યું છે, અનેક ગ્રુપ બની ગયા છે, મને મળવા આવવામાં કાર્યકર્તાઓને રોકવામાં આવે છે, પોતાની ગાડી મારા બંગલા બહાર પાર્ક થયેલી કોઇ જોઇ જશે તો આકાઓ નારાજ થશે, તેવા ભયથી કાર્યકર્તાઓ પણ મળવા આવતા અચકાય છે. આવા સમાચાર અનેક મીડિયામાં વહેતા થયા હતા. જો કે બીજા દિવસે રામભાઈ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં ફેરવી તોળ્યું અને કહ્યું હતું કે, આ વાત તદ્દન ખોટી છે. હું આવું કાંઈ બોલ્યો નથી.

રાજકોટ ભાજપના સ્નેહ મિલનનો વિવાદ શું હતો?
રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા ખુલ્લા પાર્ટી પ્લોટમાં ગઇકાલે ભાજપનું સ્નેહમિલન યોજાયું હતું, જેમાં ભાજપનો આંતરિક જૂથવાદ સપાટી પર આવ્યો હતો. ભાજપનાં સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી આમંત્રણપત્રિકામાં શું લોચો છે એમ કહી ખખડાવ્યા હતા. આ સમયે જ રાજ્યસભાના સાંસદ રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. ત્યારે રૂપાણીએ રામ મોકરિયાને રોકડું પરખાવી કહી દીધું હતું કે તમે બેસી જાવ, તમારી સાથે વાત નથી કરતો. આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ હતી. થોડીવાર માટે તો સ્ટેજ પર તણાવભરી સ્થિતિ પણ ઉદભવી હતી.

ભાજપના સ્નેહ મિલનમાં નેતાઓની નારાજગી જાહેરમાં દેખાઈ હતી
ભાજપના સ્નેહ મિલનમાં નેતાઓની નારાજગી જાહેરમાં દેખાઈ હતી

મોકરિયાએ પણ રૂપાણીને રોકડું પરખાવી દીધું
વિજય રૂપાણીએ ધારાસભ્ય ગોવિંદ પટેલને પાસે બોલાવી કહ્યું હતું કે આમંત્રણ પત્રિકામાં શું લોચા છે, ત્યારે રામ મોકરિયા વચ્ચે પડ્યા હતા. રૂપાણીએ મોકરિયાને તમારી સાથે નહીં, ગોવિંદ પટેલ સાથે વાત કરું છું, આથી તમે બેસી જાઓ. ત્યારે રામ મોકરિયાએ પણ રૂપાણીને રોકડું પરખાવી કહી દીધું હતું કે હું પણ તમારી સાથે નહીં, પટેલ સાથે વાત કરું છું. જોકે સમગ્ર ઘટના બન્યા બાદ આજે રામ મોકરિયા ગાંધીનગર જતાં અનેક તર્ક-વિતર્ક થયા હતા.

મીડિયામાં નિવેદન આપતાં ઠપકો પડ્યો
રામભાઈ મોકરિયાએ ગુજરાતી ન્યૂઝ ચેનલને આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, સ્નેહ મિલનમાં સ્નેહ વરસાવાને બદલે વિજયભાઈ રૂપાણી વરિષ્ઠ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલને નાની એવી બાબતમાં ઠપકો આપી રહ્યા હતા. મને અવાજ આવ્યો એટલે હું ઊભો થઈને ગયો અને શું વાત છે? એમ પૂછ્યું તો વિજયભાઈએ કહ્યું કે તમારી જોડે વાત નથી કરતો બેસી જાવ. પછી મેં પણ કહ્યું કે હું ય ગોવિંદભાઈ સાથે વાત કરું છું. પણ ગોવિંદભાઈ જેવા વરિષ્ઠ ધારાસભ્ય, ઉંમરમાં પણ મોટા અને તેમની સાથે જાહેરમાં આવું વર્તન યોગ્ય ના જ કહેવાય. આ પ્રકાનું નિવેદન આપ્યા બાદ રાજકોટ જ નહીં, ગુજરાત ભાજપમાં ચર્ચા થવા લાગી હતી. આ બાબતે ભાજપ હાઈકમાન્ડે રામભાઈને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો.

રામભાઈ મોકરિયાએ શૂન્યમાંથી સર્જન કર્યું
રામભાઇનો જન્મ પોરબંદર જિલ્લાના નાના એવા ભડ ગામમાં 1 જૂન 1957માં થયો હતો. રામભાઇના પરિવારમાં બે ભાઇ અને માતા-પિતા ખેતી કરતા હતા. સાઇકલ પર કુરિયર પીકઅપથી માંડીને ડિલિવરી સુધીના તમામ કામ રામભાઇ કરતા હતા. શરૂઆતમાં છ મહિના રામભાઇએ પોતે જ તમામ જવાબદારી સંભાળી હતી. રોજ પોરબંદરથી પીકઅપ બાદ રાજકોટ સુધી ટ્રાવેલ કરી કુરિયર પહોંચાડતા હતા. છ મહિના બાદ કોલેજમાં સાથે અભ્યાસ કરતા મિત્રો મારૂતિ કુરિયરમાં જોડાયા હતા. મારૂતિ કુરિયરની ભારતભરમાં 1848 બ્રાન્ચ છે.

નાનપણથી જ પોતાનો ખર્ચ જાતે ઉઠાવવામાં માનતા રામભાઈને રાતોરાત સફળતા મળી નથી. કોલેજમાં ફીના પૈસા ન હોવાથી અભ્યાસ છોડ્યો હતો. 1983માં પોરબંદરમાં આવેલા પૂરમાં તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. છતાં હિંમત હાર્યા વિના આગળ વધેલા રામભાઈની નાની એવી કુરિયર સર્વિસ આજે મોટું વટવૃક્ષ બની ગઈ છે. રામભાઈની કંપની સૌરાષ્ટ્ર વિસ્તારમાં હોટેલ, ટ્રાન્સપોર્ટ, રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ કાર્યરત છે.

175 રૂપિયાના પગારે નોકરી કરી બી.એ.નો અભ્યાસ કર્યો
175 રૂપિયાના પગારે નોકરી કરવાની સાથે બી.એ.નો અભ્યાસ કરી એલએલબીનો અભ્યાસ કર્યો. 1980માં જૂનાગઢમાં ભાગીદારીમાં ટ્રાવેલ્સ અને ઝેરોક્ષનો વ્યવસાય શરૂ કર્યો હતો. 1983માં પોરબંદરમાં પૂર આવતાં તમામ ઘરવખરી તણાઈ ગઈ હતી. પૂરના કારણે 720 રૂપિયાની સરકારી સહાય મળી હતી. આ પૈસાથી ફરી રાણાવાવમાં ધંધો શરૂ કર્યો હતો.1985માં ભાગીદારી છૂટી કરીને મારૂતી ટ્રાવેલ-કાર્ગો નામે સ્વતંત્ર ધંધો શરૂ કર્યો હતો. આ સમયગાળામાં હીરા-સોના અને રોકડ રૂપિયાની સર્વિસ આપતા આંગડિયા સ્વિકારતા નહોતા.

ભાગવત્ કથાકાર રમેશભાઈ ઓઝા સાથે રામભાઈ મોકરિયા
ભાગવત્ કથાકાર રમેશભાઈ ઓઝા સાથે રામભાઈ મોકરિયા

42 વર્ષથી ભાજપના કાર્યકર છે રામભાઈ
રામભાઈ મોકરિયા સંઘના કારણે ભાજપના કાર્યકર રહ્યા. એ 42 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા છે. રાજકોટમાં રાજ્યસભાના સાંસદ અભયભાઈ ભારદ્વાજનું નિધન થતાં આ સીટ પર પેટા ચૂંટણી થઈ હતી. પાર્ટીએ રાજ્યસભાના સાંસદ તરીકે રામભાઈ મોકરિયાને ટિકિટ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...