હાલ એર ઈન્ડિયાના સારા દિવસો જાણે રજા પર ગયા છે. એર ઇન્ડિયામાં સતત ટેકનિકલ ખામી અને ક્રૂની અછતને પગલે અમદાવાદથી દિલ્હી વાયા નેવાર્કની ફલાઇટ એક મહિના માટે અને મુંબઇથી વાયા ન્યૂયોર્કની કનેક્ટિંગ ફલાઇટ સતત રદ થઇ રહી છે. આ ઉપરાંત દિલ્હીથી પણ શિકાગોની ફલાઇટમાં ટેકનિકલ ખામી સર્જાતા એર ઇન્ડિયાના મોટા ભાગના શેડ્યુલ ખોરવાતા ડિસેમ્બરમાં લગ્ન પ્રસંગ કે વેકેશનમાં મજા માણવા એનઆરઆઇ સિઝનમાં અમેરિકાથી એડવાન્સ બુકિંગ કરાવીને આવેલા નાગરિકો અટવાઇ ગયા છે.
એર ઇન્ડિયા હવે તેમને દિલ્હીના બદલે મુંબઇથી ન્યૂયોર્ક કે દિલ્હીથી શિકાગોનું કનેક્શન આપી ટિકિટ ટ્રાન્સફર કરી અપાઈ રહી છે. હવે તેઓ અમેરિકા ક્યારે પહોંચશે તેને લઇને ચિંતાતુર છે. અટવાયેલા મુસાફરો એર ઇન્ડિયાના કૉલ સેન્ટર પર તેમજ સિટી ઓફિસનો સંપર્ક કરી ઝડપથી પહોંચવાની મથામણ કરી રહ્યા છે. અમેરિકામાં સૌથી વધુ અમદાવાદ સહિત ઉત્તર ગુજરાત, ખેડા, આણંદ સહિત વિવિધ જિલ્લામાં વસતા 10 હજારથી વધુ એનઆરઆઇ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કેમ કે ઘણાં લોકો નોકરીમાંથી રજુ લઈને તેમજ વેપાર-ધંધા બીજાને સોંપીને આવ્યા છે, જે હવે ફસાઇ ગયા છે.
ટ્રાવેલ એસોશિએશન ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, અમદાવાદથી વાયા મુંબઇ કે દિલ્હી થઇને નેવાર્ક, ન્યૂયોર્ક અને શિકાગો જતા એનઆરઆઇ હવે તેઓ તેમના નિયત સમયે પહોંચી શકતા નથી, જેથી તેઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. જો એર ઇન્ડિયાની આ સ્થિતિ યથાવત્ રહેશે. તો અમેરિકા જનાર અનેક મુસાફરોએ હજુ વધુ ખરાબ સ્થિતિનો સામનો કરવો પડશે.
મુસાફરો અમેરિકાની ફલાઇટના વન-વેના એક લાખ સુધી ઊંચા ભાડાં ચૂકવવા મજબૂર
હાલમા એર ઇન્ડિયાના અમેરિકાના તમામ સેક્ટરના રૂટ પરની ફલાઇટોના ઠેકાણા ન હોવાથી અન્ય ખાનગી એરલાઇન કંપનીઓએ ઉઘાડી લૂંટ ચલાવી માર્ચ-એપ્રિલમાં વન-વે ફેર એક લાખ સુધી કરી દીધા છે. આમ ઇમરજન્સીમાં પહોંચનાર કેટલાક પેસેન્જરો ફલાઇટોના ઉંચા ફેર ચૂકવવા મજબુર બન્યા છે.
વેપાર-ધંધા-નોકરીમાં રજા મૂકીને ગુજરાતમાં આવેલા હજારો NRI ચિંતાતુર
મુસાફરોને પૂરેપૂરું રિફંડ અથવા સુવિધા મુજબ શક્ય તમામ મદદ કરાઈ રહી છે: એર ઇન્ડિયા
એર ઇન્ડિયાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું કે ‘હજુ આ સ્થિતિ થોડા દિવસ ચાલશે પણ અમે મુસાફરોને પૂરેપૂરું રિફંડ આપી અથવા તેમની સુવિધા મુજબ મદદ કરી રહ્યા છે. એર ઇન્ડિયાની ફલાઇટો રદ થતા ટિકિટ ઓટો જનરેટ કરી બીજી તારીખમાં રિ-શેડ્યૂલ કરાય છે. જો તેમાં પેસેન્જરોને રૂટ સેટ ન થાય તો અમે તે રૂટમાં ફલાઇટ ઓપન થાય તો તેમાં ટ્રાન્સફર કરી મદદ કરી રહ્યા છીએ.’
બેબી શાવરમાં સમયસર પહોંચી ન શક્યો
અમદાવાદથી વાયા દિલ્હીથી નેવાર્કની ફલાઇટ બીજી માર્ચે હતી. એરલાઇનનો મેસેજ હતો કે, 16મી માર્ચની ફ્લાઈટ રિ-શેડ્યૂલ કરાઇ છે. એક દિવસ પહેલા ફરી મેસેજ આવ્યો કે આ ફલાઇટ 22 માર્ચે મુંબઇથી ન્યૂયોર્કની છે. આ કારણથી બેબી શાવરના પ્રસંગમાં સમયસર પહોંચી શક્યો ન હતો. - રીતેશ ચૌધરી, એનઆરઆઇ, અમેરિકા
મારી ગ્રોસરી શોપ બીજાને સોંપી હોવાથી પહોંચવું જરૂરી છે
મારી અને પત્નીની અમદાવાદથી નેવાર્કની વાયા દિલ્હીથી ફલાઇટ 23 માર્ચે હોવાથી મેં બેગ પેક કરી તૈયારી કરી દીધી હતી, ત્યારે એરલાઇનનો મેસેજ આવ્યો કે આ ફલાઇટ રદ થઇને હવે 27 માર્ચે મુંબઇથી ન્યૂયોર્ક થઇને જશે. પરંતુ મારી ગ્રોસરી શૉપ બીજાને સોંપીને આવ્યો હોવાથી 23મીએ પહોંચવું જરૂરી હતું. જોકે, હવે બીજા રિ-શેડ્યૂલમાં ટિકિટ મળતી ન હોવાથી મારે અમદાવાદમાં વધુ એક સપ્તાહ રાહ જોવી પડશે. - હર્ષદ શાહ, એનઆરઆઇ, અમેરિકા
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.