રાજ્યમાં ગુનાખોરી પર અંકુશ અને સર્વેલન્સ માટે પોલીસ વિભાગમાં ટેકનોલોજીનો ઉપયોગ વધુને વધુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગમાં વધુ એક ટેકનોલોજીનો ઉપયોગ કરી હવે પોલીસ આધુનિક બની છે. રોડ પર ફરજ બજાવતાં પોલીસકર્મીઓ સાથે વાહન ચાલકો બોલાચાલી કરી ઘર્ષણ કરતા હોય છે. આંદોલન, VIP બંદોબસ્તમાં ઘર્ષણના બનાવ બનતા હોય છે, ત્યારે પુરાવા માટે હવે પોલીસકર્મીઓને "બોડી વોર્ન કેમેરા" આપવામાં આવશે. જેનું આજે અમદાવાદ ચેમ્બર ઓફ કોમર્સ ખાતે ચાર રસ્તા પર રાજયના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં લાઈવ ડેમોસ્ટ્રેશન કરાયું હતું.
રાજ્ય સરકારે 10,000 બોડી વોર્ન કેમેરાનો ઓર્ડર આપ્યો
અમદાવાદમાં આજે પાંચ જગ્યાએ આ બોડી વોર્ન કેમેરાનું લાઈવ ડેમોસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજયની પોલીસ સ્માર્ટ અને ટેકનોલોજી સભર બને તથા કાયદો અને વ્યવસ્થા વધુ સારી રહે તેના માટે સરકારે 10,000 બોડી વોર્ન કેમેરા અંદાજીત 50 કરોડના ખર્ચે પોલીસ વિભાગને આપ્યા છે. રાજયના પોલીસને પોકેટ કોપ સહિત અનેક રીતે આધુનિક કરી છે. રસ્તા પર બનતી ઘટના કે ઘર્ષણ અંગે ડિટેકશન કરી શકાય. હાલમાં પોલીસને બે પ્રકારના કેમેરા અપાયા છે. પોલીસકર્મી/અધિકારીઓના શરીર પર લાગેલા આ કેમેરાના કારણે ઘણા ફાયદા થશે. રેકોડિંગ કરેલો ડેટા વધુ ઉપયોગી બનશે.
વ્યાપક બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય
ગુજરાત પોલીસને 10 હજાર બોડી વોર્ન કેમેરાનું લોકાર્પણ કરતા ગૃહરાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા જણાવ્યું હતું કે, “ભારતમાં બોડી વોર્ન કેમેરાનો વ્યાપક પ્રમાણમાં ઉપયોગ કરનારું ગુજરાત પ્રથમ રાજ્ય છે.” આ પહેલથી રાજ્યનું પોલીસતંત્ર વધુ સ્માર્ટ અને શાર્પ બનશે એટલું જ નહીં ટેકનોલોજી અપગ્રેડેશનની મદદથી પોલીસ ગંભીર ગુનાઓની તપાસ વધુ અસરકારક રીતે કરી શકશે. ગુજરાતની શાંતિ અને સલામતીમાં આ કેમેરા અસરકારક હથિયાર પુરવાર થશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
"સમય સાથે ટેકનોલોજીનો ઉપયોગ પણ જરૂરી"
બોડી વોર્ન કેમેરાની ઉપયોગિતા વર્ણવતા ગૃહરાજ્ય મંત્રીએ કહ્યું કે, ટ્રાફિક નિયમન, કાયદો અને વ્યવસ્થા, VVIP સુરક્ષા જેવી વિવિધ પોલીસ કામગીરીમાં પોલીસ યુનિફોર્મ, હેલમેટ કે અન્ય પહેરવેશ પર આ ‘બોડી વોર્ન કેમેરા’નો ઉપયોગ કરી શકશે. પોલીસતંત્રમાં ટેકનોલોજીના ઉપયોગ અંગેની ભૂમિકા સ્પષ્ટ કરતાં તેમણે કહ્યું કે, બદલાતા સમયમાં પોલીસતંત્રમાં માત્ર માનવબળની વૃદ્ધિથી કામ નહીં ચાલે, સાથો સાથ ટેકનોલોજીનો પણ સુપેરે ઉપયોગ કરવો પડશે.
ધાર્મિક સ્થાનો, જિલ્લા સાથોએ 7 હજારથી વધુ કેમેરા
રાજ્યમાં પ્રજાની શાંતિ અને સલામતી માટે રાજ્ય સરકાર દ્વારા લેવાઈ રહેલા શ્રેણીબદ્ધ પગલાંની રુપરેખા આપતા ગૃહરાજ્ય મંત્રી જણાવ્યું હતું કે, ‘વિશ્વાસ’ પ્રોજેક્ટ હેઠળ સમગ્ર રાજ્યના જિલ્લા મથકો, ધાર્મિક સ્થળો અને સ્ટેચ્યૂ ઓફ યુનિટીને 7 હજારથી વધુ કેમેરાથી સજ્જ કરવામાં આવ્યા છે.
કેમેરાનું લાઈવ કનેક્ટ સુધી પોલીસ કંટ્રોલ રૂમમાં
આ બોડી વોર્ન કેમેરાનો ઉપયોગ પોલીસકર્મીઓ જો રોડ પર કોઈ પાસે લાંચ માગશે અથવા પોલીસકર્મીઓ ક્યાં-ક્યાં ડયુટી પર હાજર છે તે તમામ માહિતી આપશે. આ કેમેરાનું લાઈવ સીધું પોલીસ કંટ્રોલ રૂમમાં કનેક્ટ કરવામાં આવ્યું છે. જ્યાં પણ ઘર્ષણ થાય અને પોલીસની જરૂર પડશે તો તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી જશે. આ લાઈવ ડેમોસ્ટ્રેશન કાર્યક્રમમાં રાજયના પોલીસવડા આશિષ ભાટિયા, પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ, એડી. ડીજી નરસિંહા કોમર, અધિક ગૃહ સચિવ અને શહેરના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યાં હતાં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.