બેવડી ઋતુમાં રોગચાળો વકર્યો:અમદાવાદમાં દિવાળીના તહેવારો વચ્ચે રોગચાળો વધ્યો, ડેન્ગ્યુ અને કોલેરાના કેસમાં વધારો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

અમદાવાદમાં બેવડી ઋતુ શરૂ થઈ ગઈ છે. દિવાળીના તહેવારો વચ્ચે શહેરમાં ઘરે ઘરે શરદી, તાવ અને ઉધરસના કેસોની સાથે ડેન્ગ્યુના કેસો પણ એક અઠવાડિયામાં વધી ગયા છે. અમદાવાદમાં ચાલુ મહિનામાં 15 દિવસમાં ડેન્ગ્યુના 469 જેટલા કેસો નોંધાયા છે. માત્ર મચ્છરજન્ય જ નહીં પરંતુ પાણીજન્ય રોગોમાં પણ વધારો થયો છે. કોલેરાના 15 દિવસમાં કોલેરાના 5 કેસ નોંધાયા છે. રોગચાળાને લઈ લોકોએ સાવચેત રહેવાની જરૂર છે.

ચિકનગુનિયાના અને ઝેરી મેલેરિયા 14-14 કેસ નોંધાયા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના ઇન્ચાર્જ વડા ડો. ભાવિન સોલંકીએ જણાવ્યું હતું કે ચાલુ મહિનામાં 15 ઓક્ટોમ્બર સુધીમાં મચ્છરજન્ય રોગોમાં ડેન્ગ્યુના 469, મેલેરિયાના 63, ચિકનગુનિયાના અને ઝેરી મેલેરિયા 14-14 કેસો નોંધાયા છે. પાણીજન્ય રોગોમાં ઝાડા ઉલટીના 189, ટાઈફોઈડ 252, કમળાના 132 કેસો નોંધાયા છે. જ્યારે કોલેરાના કેસો એક અઠવાડિયામાં વધીને 5 થઈ ગયા છે.

સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો થયો
સ્વાઈન ફ્લૂના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે. ઓક્ટોબર મહિનામાં 43 જ કેસો નોંધાયા છે. જેમાં સ્વાઇન ફલૂમાં 70 ટકા દર્દીઓ હોસ્પિટલમાં અને 30 ટકા દર્દીઓ ઘરે સારવાર લઈ રહ્યાં છે. શહેરમાં સૌથી વધુ કહેર ડેન્ગ્યુ, ઝાડા-ઊલટી અને શરદી-ખાંસી તેમજ તાવનો જોવા મળી રહ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલો વાઇરલ ઇન્ફેકશનના દર્દીઓ વધ્યા છે.

536 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે શહેરના વિવિધ વિસ્તારોમાં રોગચાળોને રોકવા માટેના પ્રયાસ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાંથી ઓક્ટોબર મહિનામાં 536 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાં 28 જેટલા સેમ્પલ અનફીટ જાહેર થયા છે. અનફીટ જાહેર થયેલા સેમ્પલોમાં મુખ્યત્વે શહેરના પૂર્વ વિસ્તારમાં જાહેર થયા છે. જ્યાંથી પાણીના સેમ્પલ અનફીટ જાહેર થયા છે ત્યાં કોર્પોરેશનના એન્જિનિયરિંગ વિભાગ દ્વારા પાણીની પાઇપ લાઇન બદલવાની અને સાફ કરવાની કામગીરી કરવામાં આવે છે અને આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરિનની ગોળીઓનું વેચાણ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...