• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Entrance Ceremony More Than 10 Thousand Seats Will Be Vacant In B.Sc, Merit Will Be 3 To 8% Higher On Average Than Last Year In ‌‌B.Com.

ભાસ્કર એનાલિસિસ:પ્રવેશોત્સવ - B.Scમાં 10 હજારથી વધુ સીટ ખાલી રહેશે, ‌‌B.Comમાં ગયા વર્ષ કરતાં સરેરાશ 3થી 8 ટકા સુધી મેરિટ ઊંચું રહેશે

અમદાવાદ24 દિવસ પહેલાલેખક: પ્રતીક ભટ્ટ
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ધો.11માં સામાન્ય પ્રવાહમાં પ્રવેશ શરૂ, સાયન્સમાં અઠવાડિયા પછી જાહેરાત થશે
  • નવી કોલેજો, નવા શોર્ટ ટર્મ કોર્સીસ, 12 સાયન્સ લેવાનો ક્રેઝ ઘટતાં BScની બેઠકો ખાલી રહેશે: નિષ્ણાતો
  • ડિગ્રી ઈજનેરી પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ, બુધવાર સુધીમાં 10,500ની નોંધણી, ડિપ્લોમા ટુ ડિગ્રીની કાર્યવાહી 30 જૂન સુધી ચાલશે

| ધોરણ 10-12 સાયન્સ, સામાન્ય પ્રવાહની પરીક્ષાનંુ પરિણામ જાહેર થયા બાદ પ્રથમ વર્ષ કોમર્સ, આર્ટ્સ, સાયન્સની પ્રવેશ કાર્યવાહી માટેના ચક્રો ગતિમાન કરાયા છે. સામાન્ય પ્રવાહની સ્કૂલોમાં ધોરણ 11માં પ્રવેશ કાર્યવાહી સ્કૂલ કક્ષાએ શરૂ કરી દેવાઈ છે. જ્યારે 11 સાયન્સમાં સ્કૂલ કક્ષાએ પ્રવેશ કાર્યવાહીની જાહેરાત અઠવાડિયામાં કરાશે.

પ્રથમ વર્ષ બીએસસીમાં ક્વિક રજિસ્ટ્રેશન શરૂ થઈ ગયું છે. જોકે વિષય નિષ્ણાતોના મતે અમદાવાદ-ગાંધીનગરમાં ગુજરાત યુનિ.ની બીએસસીની 14 હજાર બેઠકોની સામે 12 સાયન્સમાં પાસ થયેલા અને પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓની સંખ્યા ઓછી રહેવાની સંભાવના હોવાથી મેરિટ નીચું રહેશે. બીએસસીમાં 10 હજારથી વધુ બેઠકો ખાલી રહી શકે છે. જ્યારે બીકોમની નામાંકિત કોલેજોમાં ગત વર્ષ કરતાં સરેરાશ 5થી 8 ટકા જ્યારે અન્ય કોલેજોમાં 3થી 5 ટકા મેરિટ ઊંચું જઈ શકે છે.

ધોરણ 11 સામાન્ય પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશની પરિસ્થિતિ
અમદાવાદ શહેરમાં ધો 11 સામાન્ય પ્રવાહ વિદ્યાશાખાની સ્કૂલોમાં પ્રવેશની પરિસ્થિતિનો વિચાર કરીએ તો સ્કૂલકક્ષાએ પ્રવેશ કાર્યવાહીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. મોટા ભાગના કિસ્સાઓમાં પ્રવેશને લગતી કોઈ સમસ્યા નહિ સર્જાય તેમ મનાઈ રહ્યું છે. ઘણી બધી સ્કૂલોમાં તો ધોરણ 10 પાસ થયેલા મોટા ભાગના વિદ્યાર્થીઓ જ ધોરણ 11માં પ્રવેશ મેળવશે તેમ મનાઈ રહ્યું છે.

આ દસ્તાવેજો જરૂરીઃ ધોરણ 11 સામાન્ય પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની માર્કશીટ, એલસી (લિવિંગ સર્ટિફિકેટ), ઉપરાંત જો વિદ્યાર્થી કેટેગરીમાં આવતો હોય તો જે તે કેટેગરીનું પ્રમાણપત્ર પણ જોડવાનું રહેશે.

ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશની પરિસ્થિતિ
અમદાવાદની ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશ કાર્યવાહીનો એક અઠવાડિયાની અંદર પ્રારંભ કરવામાં આવશેે તેમ સૂત્રો કહે છે. ધોરણ 10ના પરિણામની જાહેરાત બાદ વિદ્યાર્થીઓની માર્કશીટ સહિતના પરિણામને લગતો ડેટા શિક્ષણ બોર્ડ તરફથી વિદ્યાર્થીઓને પરત મોકલાયા પછી પ્રવેશ કાર્યવાહી હાથ ધરાશે. ધોરણ 10માં બેઝિક મેથ્સ હોય તે વિદ્યાર્થીને બી ગ્રૂપમાં જ પ્રવેશ મળશે.

આ દસ્તાવેજો જરૂરીઃ ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહની સ્કૂલોમાં પ્રવેશ મેળવવા માટે ધોરણ 10ની માર્કશીટ, એલસી (લિવિંગ સર્ટિફિકેટ) ઉપરાંત જો વિદ્યાર્થી અનામત કેટેગરીમાં આવતો હોય તો તે અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

પ્રથમ વર્ષ બીએસસીમાં 2 હજારે ક્વિક રજિસ્ટ્રેશન કર્યું
ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ બીએસસી વિદ્યાશાખાની કોલેજોમાં ક્વિક રજિસ્ટ્રેશનનો 6 જૂનથી પ્રારંંભ કરાયો છે, જેમાં વિદ્યાર્થીઓ મોબાઇલ ફોન નંબર, પરીક્ષાનો સીટ નંબર લખીને ક્વિક રજિસ્ટ્રેશન કરાવી શકે છે. બુધવાર સુધીમાં 2 હજારથી વધુ વિદ્યાર્થીઓએ ક્વિક રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જ્યારે ફુલ રજિસ્ટ્રેશનની તારીખની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ દસ્તાવેજો જરૂરીઃ બીએસસીમાં પ્રવેશ માટે ધો.10-12 સાયન્સની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ તેમ જ વિદ્યાર્થી જે તે કેટેગરીમાં આવતો હોય તો તે કેટેગરીના દસ્તાવેજો કે પ્રમાણપત્રો રજૂ કરવા પડશે. અધર બોર્ડ માટે પ્રોવિઝનલ એલિજિબલ સર્ટિ જરૂરી.

ડિગ્રી ઇજનેરી માટે રજિસ્ટ્રેશન શરૂ, ડીટુડીમાં આજથી પ્રારંભ
પ્રથમ વર્ષ ડિગ્રી એન્જિનિયરિંગ કોલેજોની બેઠકો પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન શરૂ થઈ ચૂક્યું છે અને બુધવાર સુધીમાં આશરે 10,500થી વધુએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જૂનના અંત સુધીમાં આશરે 32 હજારની આસપાસ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરાવે તેવી શક્યતા છે. જ્યારે ડિપ્લોમા ટુ ડિગ્રી ઇજનેરી રજિસ્ટ્રેશન પ્રવેશ કાર્યવાહી ગુરુવારથી શરૂ થશે અને 30 જૂન સુધી ચાલશે.

આ દસ્તાવેજો જરૂરીઃ ડિગ્રીમાં રજિસ્ટ્રેશન વખતે માર્કશીટની જરૂર નથી. લિવિંગ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ, ટીએફડબ્લ્યુ સ્કીમનો લાભ લેવો હોય તો તેનું સર્ટિફિકેટ જરૂરી. પરિવારની વાર્ષિક આવક આઠ લાખથી ઓછી હોય તેવું પ્રમાણપત્ર.

પ્રથમ વર્ષ આર્ટ્સમાં પ્રવેશની માહિતી વેબસાઈટ પર મુકાઈ
ગુજરાત યુનિવર્સિટીની પ્રથમ વર્ષ આર્ટ્સ વિદ્યાશાખામાં પ્રવેશ કાર્યવાહીની માહિતી આપતી પુસ્તિકા વેબસાઇટ પર મુકાઈ છે. આ સાથે જ આર્ટ્સની કોલેજોમાં પ્રવેશ માટેની વિસ્તૃત કાર્યવાહી ટૂંક સમયમાં રજૂ કરાશે.

આ દસ્તાવેજો જરૂરીઃ ગુજરાત શિક્ષણ બોર્ડના વિદ્યાર્થીઓએ 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, કેટેગરી સર્ટિફિકેટ રજૂ કરવાં પડશે. આ સિવાયના બોર્ડના વિદ્યાર્થીઓ હોય તો તેમણે આ બોર્ડને લગતંુ પ્રમાણપત્ર પણ રજૂ કરવું પડશે. 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ, અનામત વર્ગના વિદ્યાર્થીઓએ જ્ઞાતિનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

બીકોમ માટે બુધવાર સુધીમાં 200 વિદ્યાર્થીએ નોંધણી કરી
ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ વર્ષ કોમર્સની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીની જાહેરાત ગુરુવાર સુધીમાં કરવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. પ્રવેશ કમિટીનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રારંભિક તબક્કામાં ક્વિક રજિસ્ટ્રેશનનો પ્રારંભ કરાશે, જેમાં બુધવાર સાંજ સુધીમાં 200 વિદ્યાર્થીએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

આ દસ્તાવેજો જરૂરીઃ પ્રથમ વર્ષ કોમર્સના ક્વિક રજિસ્ટ્રેશન માટે મોબાઇલ નંબર લખી રજિસ્ટ્રેશન કરાવી શકાશે. પછીના તબક્કાના સંપૂર્ણ રજિસ્ટ્રેશનમાં 12 સામાન્ય પ્રવાહની માર્કશીટ, લિવિંગ સર્ટિફિકેટ તેમ જ કેટેગરી મુજબના દસ્તાવેજો કે પ્રમાણપત્રો રજૂ કરવા પડશે.

અન્ય સમાચારો પણ છે...