હવે ઇંગ્લિશ ભણશે ગુજરાત:આ વર્ષથી ગુજરાતી માધ્યમની ધો.1થી 3ની સ્કૂલોમાં ઇંગ્લિશ વિષય ભણાવાશે, ગુજરાતી પણ ફરજિયાત રહેશે

અમદાવાદ2 મહિનો પહેલા

અમદાવાદના ટાગોર હોલમાં યોજાયેલા વિદ્યાર્થી અને શિક્ષકોના સન્માન સમારંભમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી છે. શિક્ષકોને સંબોધતાં મંત્રી જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે વર્ષ 2022ના વર્ષમાં નવા સત્રથી સ્કૂલો શરૂ થઈ રહી છે, ત્યારે ધોરણ 1થી 3માં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં અંગ્રેજી વિષય ભણાવવામાં આવશે. એ અંગે ગત વર્ષે જાહેરાત કરી હતી. એનું અમલીકરણ કરવા જઈ રહ્યા છીએ. ગુજરાતી ફરજિયાત વિષય રહેશે. આ પહેલાં સરકારી સ્કૂલમાં ત્રીજા ધોરણ પછી અંગ્રેજી ભણાવવાની વ્યવસ્થા હતી.

શિક્ષકોને ટ્રેનિંગ અપાશે
તેમણે આગળ જણાવ્યું હતું કે ત્રીજા ધોરણમાં પુસ્તક તેમજ પહેલા અને બીજા ધોરણમાં ચિત્ર દ્વારા અંગ્રેજી વિષય તરીકે ભણાવવાનું નક્કી કરવામાં આવ્યું છે, કારણ કે કે નાનું બાળક સાત આઠ વર્ષ સુધી ગ્રાસ્પિંગ કરી શકતું હોય છે. શિક્ષકોને પણ ટ્રેનિંગ આપવાની છે, કારણ કે તેઓ બીએ, બીએડ શિક્ષકો છે. જેઓ છ ધોરણ સુધી સરળ ભાષામાં વિદ્યાર્થીઓને સમજાવી શકે એવી રીતે અમે અંગ્રેજી પણ શીખવવાના છીએ. ત્રણ ધોરણ પછી તેનાં પુસ્તકો અને છ ધોરણ પછી તે વિષયના શિક્ષકો છે, તેનું ધ્યાન રાખવામાં આવશે. ગુજરાતી આપણી માતૃ ભાષા છે એને પણ વળગી રહે અને સમાજમાં કટિબદ્ધતા સાથે બાળક ઊભું રહે એ પ્રકારનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે.

રાજ્યની 32 હજાર સ્કૂલોમાં 51 લાખ વિદ્યાર્થી
હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકારે પહેલા ધોરણથી જ આ વિષય ભણાવવાનું શરૂઆત કરી રહી છે. શૈક્ષણિક સત્ર જૂન 2022થી ધોરણ 1માં અંગ્રેજીને એક વિષય તરીકે દાખલ કરવામાં આવ્યો છે, જે જૂન 2023માં ધોરણ-2 સુધી આગળ વધશે. હાલ ગુજરાતમાં 32,000થી વધુ સરકારી પ્રાથમિક શાળાઓ (વર્ગ 1-8 થી) છે, જેમાં 51 લાખથી વધુ વિદ્યાર્થીઓ છે.

અન્ય સમાચારો પણ છે...