તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Gujarat Year Ender 2020: Controversies From Fire Kills 26, Including 14 Corona Patients To Online Education Spoils Students Mental Condition

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

2020ના વિવાદો:ગુજરાતમાં કોરોનાના 14 દર્દી સહિત અગ્નિકાંડે 26નો જીવ લીધો, ઓનલાઇન શિક્ષણે વાલી-વિદ્યાર્થીઓની માનસિક-આર્થિક સ્થિતિ બગાડી, સુનિતા યાદવથી લઈ MP-MLA આવ્યાં વિવાદમાં

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક

કોરોના મહામારીને કારણે સમગ્ર દુનિયા માટે વસમું સાબિત થયેલા વર્ષ 2020ની વિદાય આડે હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે સૌકોઈ વર્ષ 2020માં જીવનમાં અને દેશ-દુનિયાએ શું ગુમાવ્યું અને શું મેળવ્યુંનાં લેખાંજોખાં કરવામાં લાગી ગયા છે. ત્યારે ગુજરાત માટે આ વર્ષ કોરોનાના હાહાકારની સાથે સાથે અગ્નિકાંડોને લઈ પણ ઘણું કપરું રહ્યું છે તેમજ આ વર્ષ દરમિયાન રાજ્યમાં ઘણી વિવાદાસ્પદ ઘટનાઓ બની છે, જેણે લોકોમાં ખૂબ ચર્ચાઓ જગાવી હતી. આજે 2020માં બનેલી આવી જ કેટલીક વિવાદાસ્પદ ઘટનાઓ અંગે DivyaBhaskar તમને જણાવી રહ્યું છે.

6 ઓગસ્ટે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગ લાગતાં 8 દર્દીનાં મોત થયાં હતાં
અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં 6 ઓગસ્ટના રોજ આગ લાગી હતી, જેમાં કોરોનાની સારવાર લઇ રહેલા 8 દર્દીનાં મોત થયાં હતાં. મૃતકોમાં 5 પુરુષ અને 3 મહિલાનો સમાવેશ થતો હતો. આ આગ હોસ્પિટલના ચોથા માળે આગ લાગી હતી.

25 ઓગસ્ટે જામનગરની GG હોસ્પિટલના ICU વિભાગમાં શોર્ટસર્કિટથી આગ લાગી
25 ઓગસ્ટે જામનગરની જી.જી.હોસ્પિટલના મેડિકલ ICU વિભાગમાં શોર્ટસર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. આ ICU વિભાગમાં 9 દર્દી સારવાર લઈ રહ્યા હતા. આગ લાગતાં જ 4 ફાયરફાઈટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયાં હતાં અને આગને કાબૂ લીધી હતી તેમજ સ્થાનિકોએ ICUમાં રહેલા દર્દીઓને બારીમાંથી બહાર કાઢ્યા હતા.

8 સપ્ટેમ્બરે વડોદરાની SSG હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી
8 સપ્ટેમ્બરે વડોદરાની સયાજી હોસ્પિટલના ICU-2 વોર્ડમાં આગ લાગી હતી. ઇલેક્ટ્રિક વાયરો સળગતાં ધુમાડાથી કોરોના દર્દીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. ત્યાર બાદ ફાયરબ્રિગેડે કોરોના વોર્ડમાં ફસાયેલા કોરોનાના દર્દીઓને બહાર કાઢવાની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે જાનહાનિ ટળી હતી.

રાજકોટની ઉદય અગ્નિકાંડની ધ્રુજાવી દેતી તસવીર.
રાજકોટની ઉદય અગ્નિકાંડની ધ્રુજાવી દેતી તસવીર.

26 નવેમ્બરની કાળી રાતની આગ રાજકોટમાં 6 દર્દીને ભરખી ગઈ
રાજકોટના આનંદ બંગલા ચોક નજીક આવેલી ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગતાં 5 લોકોનાં મોત થયાં છે. આ ખાનગી હોસ્પિટલમાં કુલ કોરોનાના 33 દર્દી સારવાર લઈ રહ્યા હતા. ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે મધરાતે 12.20 વાગ્યે ફાયરબ્રિગેડને આગ લાગવાનો પહેલો કોલ આવ્યો હતો. કોવિડ હોસ્પિટલમાં આગ લાગતાં 5 દર્દી બળીને ભડથું થઈ ગયા હતા. ત્યાર બાદ એક દર્દીનું સારવાર દરમિયાન મોત થયું હતું.

પીરાણા કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટ સીસીટીવી કેમેરામાં...
પીરાણા કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટ સીસીટીવી કેમેરામાં...

અમદાવાદ પીરાણા કેમિકલ ફેક્ટરી બ્લાસ્ટમાં 12નાં મોત, બે બાળક અનાથ થયાં
4 નવેમ્બરે અમદાવાદના પીરાણા-પીપળજ રોડ પર આવેલી સાહિલ એન્ટરપ્રાઈઝ નામની ગેરકાયદે કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ બાદ આગ લાગી હતી. આ બ્લાસ્ટની આસપાસનાં 9 ગોડાઉનને અસર થઈ હતી, જ્યારે કાપડના ગોડાઉન સહિત 3-4 ગોડાઉનની છત ધરાશાયી થઈ હતી. આ 9 ગોડાઉનમાં 25 જેટલા લોકો ફસાયા હતા, જેમાંથી 7 પુરુષ અને 5 મહિલા સહિત 12નાં મોત થઈ ગયાં હતા, જેમાં એક દંપતીનું મોત થતાં તેનાં દીકરો-દીકરી અનાથ થઈ ગયાં છે.

ગામડાંમાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમ છતાં જબરદસ્તીથી ભણાવવામાં આવતાં શિક્ષકો સાથે વાલી પણ અસમંજસમાં મુકાઈ ગયા.
ગામડાંમાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમ છતાં જબરદસ્તીથી ભણાવવામાં આવતાં શિક્ષકો સાથે વાલી પણ અસમંજસમાં મુકાઈ ગયા.

ઘરમાં ખાવાના પૈસા નથી તો મોબાઇલ-ઇન્ટરનેટ કે TV ભણવા માટે ક્યાંથી લાવવાં
ગુજરાતમાં કોરોનાને કારણે 19 માર્ચથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ ચાલી રહ્યું છે, જેને કારણે ગામડાંમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓની માનસિક સ્થિતિ બગડી રહી છે. ગામડામાં બાળકો પાસે નથી સ્માર્ટ ફોન કે નથી ઈન્ટરનેટ. આમ છતાં જબરદસ્તીથી ભણાવવામાં આવે તો શિક્ષકો સાથે વાલીઓ પણ અસમંજસમાં મુકાઈ ગયા છે. ગામડાંમાં રહેલા વાલીઓ કહે છે કે બાળકો મોબાઇલ કે ટીવીમાં ભણતાં નથી. તેમને તેમની આંખો બગડે એની ચિંતા છે. ગામડાંમાં રહેતા ગરીબ કે સાધારણ સ્થિતિના વાલીઓની એવી પણ ફરિયાદ છે કે અત્યારની સ્થિતિમાં ખાવાના પૈસા નથી ત્યાં આવા મોબાઈલ અને ઈન્ટરનેટના ખર્ચા કેવી રીતે પોષાય. આવી રીતે ભણાવવાથી કઈ બાળકોનું ભવિષ્ય બનવાનું નથી. બાળકો પણ કહે છે કે ઓનલાઇન શિક્ષણ ગમતું જ નથી.

માસ્ક મામલે રાજકોટમાં ક્રિકેટર રવીન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી
10 ઓગસ્ટે રાજકોટમાં માસ્ક મુદ્દે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાને પોલીસે અટકાવતાં તકરાર થઇ હતી. રવીન્દ્ર જાડેજા અને તેનાં પત્ની રિવાબા જાડેજાએ પોલીસ સાથે ગેરવર્તણૂક કરી હતી. સમગ્ર દેશમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું કડકાઇથી પાલન કરાવવામાં આવી રહ્યું છે એવામાં રાજકોટમાં માસ્ક મુદ્દે અટકાવતાં રવીન્દ્ર જાડેજા અને પોલીસ વચ્ચે તકરાર થઈ હતી. રિવાબા જાડેજા પણ સાથે હતા. જો કે ત્યાર બાદ ઉચ્ચ અધિકારીઓએ વચ્ચે પડીને મામલો થાળે પાડ્યો હતો.

રાજ્યસભા ચૂંટણી સમયે રિસોર્ટ પોલિટિક્સ ખૂબ ચર્ચામાં રહ્યું
લોકડાઉન પહેલાં રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની હતી. આ તારીખો જાહેર થતાં અને રાજ્યમાં ભાજપ તરફથી કોંગ્રેસના ધારાસભ્યોને તોડવાનું રાજકારણ શરૂ કરવામાં આવતાં જ પ્રદેશ કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ભાજપના તોડજોડના રાજકારણથી બચાવવામાં સફળ રહી હતી. કોંગ્રેસ પોતાના તમામ ધારાસભ્યોને કોંગ્રેસશાસિત રાજ્ય રાજસ્થાનના જયપુરના શિવ રિસોર્ટમાં સુરક્ષિત રાખવા(ભાજપથી બચાવીને રાખવા)માં સફળ રહી હતી, પરંતુ ચૂંટણી રદ થઈને જ્યારે જૂનમાં યોજાઈ ત્યારે ધારાસભ્યોને સાચવવા માટે સૌરાષ્ટ્રના 18 ધારાસભ્યોને રાજકોટના નીલસિટી ક્લબ ખાતે રાખવામાં આવ્યા હતા. ત્યાર બાદ આ તમામ ધારાસભ્યોને ગઢડા અને ધારી લઈ જવાયા હતા.

સી.આર.પાટીલની રાજકોટમાં રેલીમાં સામેલ થયેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાગ્રસ્ત થયા હતા.
સી.આર.પાટીલની રાજકોટમાં રેલીમાં સામેલ થયેલા ધારાસભ્ય અરવિંદ રૈયાણી કોરોનાગ્રસ્ત થયા હતા.

સૌરાષ્ટ્રમાં સી.આર.પાટીલની રેલીમાં સામેલ થયેલા MLA-MP કોરોના સંક્રમિત થયા, સાંસદે જીવ ગુમાવ્યો
21-22 ઓગસ્ટે સી.આર.પાટીલે સૌરાષ્ટ્રમાં અનેક રેલી યોજી હતી. આ રેલીમાં જોડાયેલા રાજકોટના ભાજપના ધારાસભ્ય અરવિંદ રૈયાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ રેલીનો રેલો રાજ્યસભાના સાંસદ સુધી પહોંચ્યો હતો. રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજ અને તેના પુત્ર અંશ ભારદ્વાજનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાંથી અભય ભારદ્વાજનું કોરોનાથી મૃત્યુ થઈ ગયું હતું. ત્યાર બાદ રાજકોટનાં મેયર બીનાબેન આચાર્ય પણ કોરોના સંક્રમિત થયાં હતાં.

વાલીઓએ 25 ટકા સ્કૂલ ફી માફીના નિર્ણયની હોળી કરી હતી
30 સપ્ટેમ્બરે રાજ્ય સરકારે ખાનગી શાળા-સંચાલકમંડળ અને વાલીમંડળ સાથે બેઠક કરી વાલીઓને ફીમાં 25%ની રાહત આપી હતી, જેનો વાલીઓએ વિરોધ કર્યો હતો તેમજ વાલીમંડળે સરકારના નિર્ણયની હોળી કરવા સાથે આક્ષેપ કર્યો હતો કે રાજ્ય સરકારે ખાનગી શાળા-સંચાલકોને સાચવી લીધા છે. એ સાથે વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે અમારી માગ 50 % ફી માફીની હતી, પણ રાજ્ય સરકારે એ સ્વીકારી નથી. ખાનગી શાળાના સંચાલકોએ પહેલેથી 25 % ફી માફીની જાહેરાત કરી હતી. આમ વાલીઓની રજૂઆત તો સરકારે સાંભળી જ નથી અને સંચાલકે જે રજૂઆત કરી હતી એ સરકારે સ્વીકારી હતી.

મંદિરમાં માસ્ક વિના ડાન્સ કરી રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.
મંદિરમાં માસ્ક વિના ડાન્સ કરી રહેલા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે માસ્ક વિના મંદિરમાં ડાન્સ કર્યો
વિવાદાસ્પદ નિવેદનો માટે જાણીતા વાઘોડિયાના બાહુબલી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે આ વર્ષે પણ વિવાદો કર્યા છે. કોરોનામુક્ત થયા બાદ 19 સપ્ટેમ્બરે મધુ શ્રીવાસ્તવે ગાજરાવાડી હનુમાન મંદિરમાં માસ્ક પહેર્યા વગર સમર્થકો સાથે ડાન્સ કર્યો હતો અને કોરોનાની ગાઇડલાઈન્સના ધજાગરા ઉડાડ્યા હતા. મધુ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે સનાતન ધર્મમાં એવું ક્યાંય લખ્યું છે કે પોતાના મંદિરની અંદર મોઢું બાંધીને પૂજા કરવી ? આ માટે કોઈ કાયદામાં આવી જોગવાઈ નથી.

MP વસાવાએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા, CMને લવ-જેહાદનો કાયદો લાવવા પત્ર લખ્યો
ભરૂચના સાંસદ મનસુખ વસાવા મુખ્યમંત્રીને પત્રો લખીને સતત વિવાદમાં રહે છે. તેઓ ક્યારેક અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કરે છે તો ક્યારેક લવ-જેહાદનો કાયદો બનાવવા માગ કરે છે. તેમણે ગત મે મહિનામાં સીએમ વિજય રૂપાણીને પત્ર લખીને અધિકારીઓ અને પદાધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેમાં લખ્યું હતું કે ‘અધિકારીઓ, પદાધિકારીઓ અને વચેટિયા લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે, ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.’ ત્યાર બાદ તાજેતરમાં લવ-જેહાદનો કાયદો બનાવવા પત્ર લખ્યો હતો, જેમાં લખ્યું હતું કે રૂપાણીસાહેબ, ગુજરાતની આદિવાસીપટ્ટીની યુવતીઓ વેચાઈ રહી છે, મહેરબાની કરીને લવ-જેહાદનો કાયદો બનાવો ને દીકરીઓને બચાવો’.

મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે બબાલ દરમિયાન સુનિતા યાદવ.
મંત્રી કુમાર કાનાણીના પુત્ર સાથે બબાલ દરમિયાન સુનિતા યાદવ.

આરોગ્યમંત્રીનો પુત્ર ‘MLA’ લખેલી કારમાં આવ્યો, સુનિતા યાદવે પાટિયું ઊતરાવ્યું હતું
ગત 8 જુલાઈની રાત્રે આરોગ્યમંત્રી કુમાર કાનાણીના પુત્ર પ્રકાશ કાનાણી અને એલઆર(કોન્સ્ટેબલ) સુનિતા યાદવ વચ્ચે બબાલ થઇ હતી. રાત્રે કર્ફ્યૂના નિયમનું ઉલ્લંઘન કરવા બદલ સુનિતા યાદવે પ્રકાશ કાનાણીને સવાલો કર્યા હતા, ત્યાર બાદ બન્ને વચ્ચે બોલાચાલી થઇ હતી. પ્રકાશ કાનાણીએ 365 દિવસ ફરજ માટે ઊભી રાખવાની ચીમકી આપી હતી તેમજ MLA લખેલું પાટિયું ઉતારાવ્યું હતું. અધિકારીઓએ સુનિતા સાચી હોવા છતાં પક્ષ ન લેતાં તેણે રાજીનામું આપ્યું હતું. પ્રકાશ કાનાણી અને સુનિતા યાદવ વચ્ચેની બોલાચાલીનો વિડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો.

હાઇકોર્ટે ધોળકા વિધાનસભા બેઠકની ચૂંટણી રદ કરતાં ભૂપેન્દ્રસિંહના મંત્રીપદ સામે વાંધો ઊઠ્યો હતો
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી વિજયી થયેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીતને હાઈકોર્ટમાં પડકારવામાં આવી હતી. આ અંગે હાઈકોર્ટે 12 મેના રોજ ચુકાદો આપી આ ચૂંટણીને રદ કરી હતી, જેને કારણે તેમના ધારાસભ્યપદ અને મંત્રીપદ સામે વાંધો ઊઠ્યો હતો, પરંતુ બાદમાં સુપ્રીમ કોર્ટે આ ચુકાદા પર સ્ટે મૂકી દેતાં ભૂપેન્દ્રસિંહનું મંત્રીપદ અને ધારાસભ્યપદ બચી ગયાં હતાં.

AMCના કમિશનરપદેથી નેહરાની બદલી કરી નવા અધિકારીઓ મૂક્યા
અમદાવાદ શહેરમાં કોરોનાની સ્થિતિ અતિ ગંભીર બનતાં 17 મેના રોજ રાજ્ય સરકારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાની બદલી કરી દીધી હતી. તેમને રુરલ ડેવલપમેન્ટ વિભાગના કમિશનર બનાવવામાં આવ્યા હતા, જ્યારે અમદાવાદના મ્યુનિસિપલ કમિશનરનો ચાર્જ મુકેશ કુમારને આપવામાં આવ્યો હતો તેમજ કોરોનાને કાબૂમાં કરવા માટે ડો.રાજીવ ગુપ્તાને ખાસ ફરજ પરના અધિકારી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી.
ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી.

143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર અમદાવાદની રથયાત્રા નગરચર્યાએ ન નીકળી
અમદાવાદમાં 23 જૂનના રોજ અષાઢી બીજ નિમિત્તે યોજાનારી જગન્નાથ રથયાત્રા 143 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર મહામારી કોરોનાને કારણે ભગવાન જગન્નાથજીએ નગરચર્યાએ જવાને બદલે મંદિરમાં જ પરિક્રમા કરી હતી. બપોર બાદ મંદિરમાં ભક્તોની પાંખી હાજરી જોવા મળી હતી. સવારથી મર્યાદિત સંખ્યામાં જ શ્રદ્ધાળુઓ જોવા મળ્યા હતાં. ભક્તોએ ઘેરબેઠાં જ ભગવાનનાં દર્શન કર્યાં હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો