કોરોના:બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, એરપોર્ટ પર ડૂચા અને બંદર મોકળાઃ કંડલા પોર્ટ પર વિદેશી જહાજ પર કર્મચારીઓ માસ્ક બાંધ્યા વગર કામ કરે છે

કચ્છ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કંડલા ઉપરાંત મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ પર પણ વિદેશી જહાજો, વિદેશી ક્રુ મેમ્બર્સના સંપર્કમાં આવતાં સ્થાનિકોનું આરોગ્ય જોખમમાં
  • મજૂરો માસ્ક બાંધ્યા વગર જ રોજિંદી કામગીરી કરી રહ્યા છે, માસ્ક અને સેનેટાઈઝર્સ આપવા માગણી

જયવીરસિંહ રાણા, અમદાવાદઃ કોરોના સંકટનો સામનો કરવા માટે સરકારે બસ સેવા, રેલવે, એરપોર્ટમાં પણ ચુસ્તપણે લોકડાઉન કર્યું છે પરંતુ બંદરો પર આવશ્યક તકેદારી લેવાતી નથી. બારેમાસ ધમધમતા ગુજરાતના સૌથી મોટા કંડલા પોર્ટમાં સોશિયલ ડિસ્ટન્સિંગના એકેય નિયમનું પાલન થતું જણાતું નથી. વિદેશથી આવતાં જહાજો, તેનાં ક્રુ-મેમ્બર્સ અને સ્થાનિક કર્મચારીઓ, મજૂરો વચ્ચે બેરોકટોક સંપર્ક પણ થાય છે અને મોટાભાગના કર્મચારીઓ માસ્ક સુદ્ધાં બાંધતાં નથી. કંડલા પોર્ટ ઉપરાંત મુન્દ્રા અને પીપાવાવ પોર્ટ પણ આવી જ સ્થિતિ હોવાનું જાણવા મળે છે. 
આ અંગે કચ્છ કલેક્ટર પ્રવીણા ડી.કે એ અમારી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે પોર્ટમાં કામગીરી ચાલુ છે કારણ કે તે આવશ્યક સેવાઓની સૂચિમાં આવે છે. જોકે તેમ છતા અહીં જે કામ ચાલે તેમાં સુરક્ષાની પ્રક્રિયાઓનું ચુસ્તપણે પાલન કરવામાં આવે તેના નિર્દેશ આપવામાં આવ્યા છે. આ મામલે જો કંઇ ખામી હશે તો તાત્કાલિક ટીમ મોકલીને ચેક કરાવીશું કારણ કે આ ગંભીર બાબત છે તેમાં કોઇ બેદરકારી ચાલે નહીં. 
જોકે કલેક્ટરના આવા દાવા છતાં સ્પોટ પર સંખ્યાબંધ કર્મચારીઓ માસ્ક વગર જ કામ કરી રહેલાં જોવા મળ્યા હતા તેનો પૂરાવો આ સાથેના વીડિયોમાં જોઈ શકાશે. 

મજુરોને પ્રોટેકશનની વસ્તુઓ તાત્કાલિક આપવા માગ
દીનદયાળ પોર્ટ ટ્રસ્ટમાં લેબર રિપ્રેઝન્ટેટિવ ટ્રસ્ટી અને કંડલા પોર્ટમાં ટ્રાન્સપોર્ટ અને ડોક વર્કર યુનિયનના સેક્રેટરી એમ. એલ. બેલાણીએ જણાવ્યું હતું કે, અમે ટ્રસ્ટના ચેરમેનને આજે જ વોટ્સએપ પર એક રજૂઆત કરી અને મજુરોને માસ્ક, સેનીટાઈઝર સહીત પ્રોટેકશનની વસ્તુઓ તાત્કાલિક અસરથી આપવા માટે કહ્યું હતું. મજુરો વિદેશીઓના સીધા જ સંપર્કમાં આવતા હોવાથી તેઓને સલામતીના સાધનો પુરા પાડવા આવશ્યક છે.

ટ્રસ્ટે પ્રોટેક્શન આપવાની ખાતરી આપી
રજુઆતના જવાબમાં ટ્રસ્ટના ચેરમેને જણાવ્યું હતું કે, મજુરો અને પોર્ટના સ્ટાફના સ્વાસ્થ્ય અને સલામતી માટે આજની શુક્રવારની બેઠકમાં ચર્ચા થઇ છે જેમાં દરેક ડીપાર્ટમેન્ટના વડાને પ્રોટેકશનના સાધનો આપવા માટે જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત બફર સ્ટોક પણ રાખવા કહેવાયું છે.

જહાજોની આવન જાવનમાં 70%નો ઘટાડો
મળતી જાણકારી મુજબ હાલમાં રોજ 3-4 જહાજોની આવન જાવન રહે છે. સામાન્ય સંજોગો કરતા શીપ આવવાની સંખ્યામાં અંદાજે 70% જેટલો ઘટાડો નોંધાયો છે. લેબરની વાત કરીએ તો હાલમાં અંદાજે 600થી વધારે મજુરો અને પોર્ટનો સપોર્ટ સ્ટાફ કાર્યરત છે.
(પૂરક માહિતીઃ વિમુક્ત દવે, અમદાવાદ) 

અન્ય સમાચારો પણ છે...