ટોલ બૂથ કર્મીઓની હડતાળ:અમદાવાદના રિંગ રોડના સનાથલ ટોલ બૂથના કર્મચારીઓ 3 મહિનાથી પગાર ના મળતાં હડતાળ પર ઉતર્યા

અમદાવાદએક મહિનો પહેલા

અમદાવાદના સનાથલ ટોલ બૂથના કર્મચારીઓ પગાર સહિતની અન્ય માંગણીઓને લઈને હડતાળ પર ઉતર્યા છે. કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હોવાથી ટોલબૂથમાંથી જતાં વાહનો પાસેથી ટોલ પણ લેવામાં નથી આવી રહ્યો. 3 મહિનાથી બાકી પગાર, બોનસ, સીએલ અને પીએલ સહિતની માંગણીઓ સ્વીકારશે નહીં ત્યાં સુધી કર્મચારીઓ હડતાળ ચાલુ રાખશે.

36 જેટલા કર્મચારીઓને પગાર મળ્યો નથી
સનાથલ ટોલ બૂથ પર ટોલ કલેક્ટિંગ, સિક્યુરિટી સહિત અલગ અલગ જવાબદારી પર કામ કરતાં 36 જેટલા કર્મચારીઓને કંપની દ્વારા 3 મહિનાથી પગાર આપવામાં આવ્યો નથી. જેને લઈને કર્મચારીઓ આજથી હડતાળ પર ઉતર્યા છે. સવારથી જ ટોલ બૂથ પર કર્મચારીઓ કામ કરવાનું બંધ કરી દીધું છે, જેથી ટોલ બૂથમાંથી ટોલ લેવામાં પણ નથી આવી રહ્યો. કર્મચારીઓએ માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી હડતાળ પર રહેવાની ચીમકી ઉચ્ચારી છે. કંપનીએ ગ્રેજ્યુટી ના આપવી પડે તે માટે પણ બીજી કંપનીમાં કર્મચારીઓને નોકરી પર રાખ્યા છે.

દિવાળી નજીક છતાં 3 મહિનાથી પગાર નથી મળ્યો
હડતાળમાં સામેલ જીગરભાઈ નામના કર્મચારીએ જણાવ્યું હતું કે, દિવાળી આવી રહી છે અને પગાર કે બોનસ ચૂકવવામાં આવ્યું નથી. 3 મહિનાથી પગાર વિના અમે નોકરી કરી હતી. તહેવારમાં પણ પગાર ન હતો થયો, હવે દિવાળી આવી રહી છે. તો પગાર વિના ઘર કેવી રીતે ચલાવવું. જ્યાં સુધી અમારી માંગણી પૂરી નહીં થાય ત્યાં સુધી અમે હડતાળ પર રહીશું.

અન્ય સમાચારો પણ છે...