આગામી 9 જૂનથી ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓ ફરીથી પોતાનું આંદોલન જીવિત કરી વિવિધ કાર્યક્રમો આપી પોતાનો વિરોધ નોંધાવશે. તેમ છતાંય જો ઉકેલ ન આવે તો આગામી 16મી જૂનથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર જવાની ચીમકી પણ કર્મચારી મંડળના સંકલન સમિતિએ દર્શાવી છે. અગાઉ ઓક્ટોબર 2021માં નિગમના કર્મચારીઓએ પોતાની વિવિધ માંગણીઓને લઇને આંદોલન કર્યું હતું. જોકે રાજ્ય સરકાર દ્વારા તેમની માંગણીને હકારાત્મક નિરાકરણ લાવવાની ખાતરી આપી હતી. તેમ છતાં હજુ કોઈ નિવેડો ન આવતાં ફરીથી પોતાનું આંદોલન સક્રિય કરશે.
કાળી પટ્ટી બાંધવી, યુનિફોર્મ વગર ડ્યૂટી સહિતના કાર્યક્રમો આપશે
ગુજરાત વાહનવ્યવહાર વિભાગના વિવિધ માંગણીઓને લઇને આગામી 9 જૂનથી અલગ-અલગ આંદોલનાત્મક કાર્યક્રમોની જાહેરાત કરી છે. જેમાં 9 અને 10 જૂને કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી કામગીરી કરશે. 11 અને 12 જૂનના રોજ નિગમના કર્મચારીઓ પોતાના નિયત યુનિફોર્મ પહેર્યા સિવાય કામગીરી કરી વિરોધ નોંધાવશે. 13 અને 14 મી જુનના રોજ કર્મચારીઓ પોતાના કામગીરીના સ્થળ પર રિશેષના સમયે સૂત્રોચ્ચાર કરશે. 14મી જૂનના રોજ એસટી નિગમના કર્મચારીઓ સોશિયલ મીડિયા મારફતે પોતાની માગને લઈ આંદોલનને વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરશે. 15મી જૂનના રોજ નિગમના કર્મચારીઓ પોતાના ખૂનથી વાહન વ્યવહાર મંત્રીને પત્ર લખીને પોતાની વેદના રજૂ કરી પોતાની માગ સંતોષવા માટે રજૂઆત કરશે. તેમ છતાં જો નિકાલ ન આવે તો 16મી જૂનથી અચોક્કસ મુદતની હડતાળ પર જશે.
સાતમા પગાર પંચ મુજબ પગાર ચૂકવવા માગ
એસટી નિગમના સંગઠનની માંગ છે કે વર્ષ 2018 બાદ ભરતી થયેલા કંડક્ટર અને ડ્રાઈવરનો પગાર ગ્રેડ પે સાતમા પગાર પંચ મુજબ ચૂકવવામાં માટે. આ માટે વર્ષ 2021માં સમાધાન થઈ ગયેલું હોવા છતાં પણ હજુ તેનો અમલ નથી કરવામાં આવ્યો. હાલ આ ગ્રેડ પે 16,650 અને ડ્રાઈવરને 1800 આપવામાં આવી રહ્યો છે. સાતમા પગાર પંચ મુજબ ડ્રાઈવરને અને કંડક્ટર 1900 ગ્રેડ પે મળવાની જોગવાઈ છે. નિગમના કર્મચારીઓને મોઘવારી ભથ્થુ ચુકવવામાં આવે. 900થી વધારે જેટલા વારસદારો, કે જેઓ 2011 પહેલા અવસાન પામેલા છે, તેમને નોકરી આપવામાં આવે અને 2011 બાદ અવસાન પામેલા કર્મચારીઓને રોકડ સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
3 સંગઠનો એ મળી વિવિધ મુદ્દાઓ તૈયાર
ગુજરાત રાજ્ય ટ્રાન્સપોર્ટ કર્મચારી મંડળ, એસટી કર્મચારી મહામંડળ કાલે એસટી મજદૂર મહાસંઘ, એમ 3 સંગઠનો એ મળી વિવિધ મુદ્દાઓ તૈયાર કર્યા છે. જેમાં કાલે એસ.ટી વિભાગમાં કાર્યરત કર્મચારીઓ નિગમના કર્મચારી તરીકે ગણવામાં આવે છે, પરંતુ તેમને સીધા સરકારી કર્મચારી ગણવા માટેની માંગ પણ કરવામાં આવી છે. સાથે સાથે કોરોના દરમિયાન ચાલુ ફરજ દરમિયાન અવસાન પામેલ કર્મચારીઓને આર્થિક પેકેજ આપવામાં આવે. ઉપરાંત નિગમને મળતા ડીઝલમાં વેટને નાબુદ કરવામાં આવે, જેથી નિગમને ડીઝલ પરવડે અને નિગમને થતું નુકસાન અટકે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.