1987માં સિયાચિન ગ્લેશિયરમાં શહીદ થયેલા અમદાવાદના નીલેશ સોનીના નામ પરથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલનું નામકરણ કરાશે. બુધવારે એલિસબ્રિજ શાળાનું નામ વિધિવત્ બદલીને શહીદ નીલેશ સોની સ્કૂલ કરાશે. જોકે નીલેશ સોની શહીદ થયાના 34 વર્ષ પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને પોતાની કોઈ સ્કૂલનું નામ શહેરના શહીદના નામે રાખવાનું યાદ આવ્યું. સ્કૂલનું નામ શહીદના નામે કરવા અંગેનો ઠરાવ 2016માં થયો હતો, પરંતુ તેનું અમલીકરણ અત્યારે થઈ રહ્યું છે.
શહીદ નીલેશ સોનીનું 1987 દરમિયાન સિયાચિનમાં પોસ્ટિંગ હતું. તે દરમિયાન તેઓ આર્ટિલરી વિભાગમાં હતા. અચાનક દુશ્મનો તરફથી થયેલા હુમલામાં તેઓ શહીદ થયા હતા. પરિવાર તરફથી મ્યુનિ. અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિને રજૂઆત કરાઈ હતી કે શહીદના નામે એક સ્કૂલનું નામકરણ કરવામાં આવે. 2016માં મ્યુનિ. દ્વારા શહીદ કેપ્ટન સોનીના નામે સ્કૂલનું નામકરણ કરવાનો ઠરાવ કરાયો હતો, પરંતુ સ્કૂલનું નામ બદલાય તે પહેલા શહીદના નામે એક રોડનું નામકરણ કરાયું હતું, જેથી સ્કૂલનું નામ બદલવા પર કોઈ ધ્યાન ન અપાયું, પરંતુ પરિવારની રજૂઆત બાદ અંતે શહીદ નીલેશ સોનીના નામે એલિસબ્રિજ સ્કૂલનું નામ બદલાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.