તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નાથની નગરચર્યાની તૈયારી:ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રામાં જોડાવા ગજરાજ પણ આતુર, મહાવત હાથીઓને લઈ મંદિર સામેના પટાંગણમાં પહોંચ્યા

અમદાવાદએક મહિનો પહેલા
અમદાવાદની રથયાત્રામાં જોડાવા માટે લવાયેલા ગજરાજની તસવીર
  • ગજરાજ રથયાત્રા માટે તૈયાર માત્ર સરકારની સત્તાવાર મંજૂરીની રાહ જોવાઇ રહી છે
  • હાલ મંદિર આગળ લવાયેલા ગજરાજના દર્શના કરી તેમને રમાડવા લોકો આવે છે

ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રાને લઈને તમામ લોકોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. લોકો દરવર્ષની જેમ રથયાત્રા અગાઉ મોટી સંખ્યામાં ભગવાનના દર્શન માટે જગન્નાથજી મંદિર આવતા હોય છે. આ વર્ષે પણ લોકો મંદિરે જોવા મળી રહ્યા છે. સાથે મંદિરની સામે ઉભેલા ગજરાજના આશીર્વાદ પણ લેતા નજરે પડ્યા હતા. જોકે મહત્વની વાત છે ગત વર્ષે કોરોના મહામારીના કારણે આ રથયાત્રા મંદિર પરિસરમાં જ યોજાઈ હતી. પરંતુ આ વખતે પરિસ્થિતિ સામાન્ય થતા રથયાત્રા યોજાઈ તેવા સંકેતો મળી રહ્યા છે. જોકે તેના માટે ખાસ એકશન પ્લાન પણ તૈયાર કરવામાં આવ્યો છે અને તેને મંજૂરી પણ મળી ગઈ છે તેવું વિશ્વસનીય સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

રથયાત્રામાં જોડાવા ગજરાજ નીજ મંદિર પહોંચ્યા
સાથે રથયાત્રામાં આ વખતે ઘણી એક્ટિવિટી પર પ્રતિબંધ હશે તેવું પણ જાણવા મળી રહ્યું છે. જેમાં અખાડા અને ટ્રકને પરવાનગી નહિ મળે સાથે સામાન્ય લોકો પણ દૂરથી જ નાથના દર્શન કરી શકશે. આ રથયાત્રામાં સૌપ્રથમ હાથી નીકળે છે ત્યારબાદ ભગવાનના રથ મંદિર પરિસરની બહાર નગરચર્યાએ નીકળે છે. આ હાથીએ રથયાત્રામાં સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હોય છે. બાળકોથી માડીને વૃદ્ધો પણ જ્યારે નાથની નગર ચર્યા દરમિયાન હાથી તેઓના ઘર આગળથી પસાર થાય ત્યારે તેના દર્શન કરી તેને ફ્રૂટ કે ગોળ જેવી વસ્તુઓ ખવડાવતા હોય છે.

આ પણ વાંચોઃ આ વર્ષે 'નાથ' નીકળશે નગરચર્યાએ, ભગવાન જગન્નાથની 144મી રથયાત્રા સવારે 7 વાગ્યે નીકળી 12 વાગ્યે નિજમંદિરે પરત ફરશે

અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે 15થી 16 જેટલા હાથી જોડાતા હોય છે
અમદાવાદની રથયાત્રામાં દર વર્ષે 15થી 16 જેટલા હાથી જોડાતા હોય છે

દર વર્ષે 15-16 હાથી રથયાત્રામાં જોડાય છે
સાથે હાથીને ભગવાનનું પ્રિય પ્રાણી પણ માનવામાં આવે છે. જેથી વર્ષોથી આ રથયાત્રામાં હાથી જોડાય છે. અને રથયાત્રામાં એક મહત્વનો ભાગ માનવામાં આવે છે. દર વર્ષે આ રથયાત્રામાં 15-16 હાથી જોડાતા હોય છે જેમાં કેટલાક હાથીને માત્ર રથયાત્રા માટે આસામ અને કેરળથી અમદાવાદ લાવવામાં આવે છે.

સરકારની સત્તાવાર મંજૂરીની જાહેરાત બાદ હાથીઓને સુશોભિત કરાશે
આ હાથીના મહાવતે નામ ન આપવાની શરતે જણાવ્યું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રામાં હાથી જોડાવા જોઈએ. આ હાથીનું રથયાત્રા સાથે એક પારંપરિક મહત્વ છે. તે રથયાત્રાની શોભામાં વધારો કરે છે. દર વર્ષે જે હાથી રથયાત્રામાં જોડાય છે તેમાં એક હાથી જોડે 3-4લોકો રહે છે. જેમાં એક મહાવત અને 3 સાથીદારો. આ તમામ હાથીને સાચવનારા મહાવત ગુજરાત બહારના છે તેઓમાંથી અમુક મહાવત અહીં આવી ગયા છે.

સાથે કેટલાક હાથીને પણ હવે રથયાત્રા માટે અહીંયા લવાયા છે. જે માહિતી મળી રહી છે કે રથયાત્રા નીકળશે. તેને લઈને અમારી પણ તૈયારી છે. હવે બસ સરકારની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઇ રહી છે. ત્યારબાદ હાથીને સુશોભિત કરીને અમે તૈયાર રહીશું.

આ પણ વાંચોઃ ભગવાન જગન્નાથના રથ ખમાસા AMC ઓફિસ ખાતે પાંચ મિનિટ રોકાશે, એકાદ કલાકમાં સરસપુર મંદિરે પહોંચી જશે

રથયાત્રા અગાઉ ગજરાજને લઈને મહાવત મંદિર પટાંગણમાં પહોંચ્યા
રથયાત્રા અગાઉ ગજરાજને લઈને મહાવત મંદિર પટાંગણમાં પહોંચ્યા

રથયાત્રામાં હાથીના જોડાવાની પરંપરા વર્ષો જૂની
જગન્નાથજી મંદિરે દર્શન માટે આવેલ ભક્તે Divya Bhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું નિયતપણે અહીંયા આવું છું. ત્યારે રથયાત્રા પહેલા હું દરવર્ષે હાથી જોડે રમતો હોવ છું, તેને ફ્રૂટ કે ગોળ ખવડાવું છું.ગત વર્ષે રથયાત્રા ન નીકળી એનું મને દુઃખ છે. પરંતુ આ વખતે રથયાત્રા નીકળવાની છે એવું સાંભળ્યું છે. હાથી એ રથયાત્રાનો ભાગ છે. અહીંયા તો 144મી રથયાત્રા છે તેમાં દરવર્ષે હાથી જોડાય છે અને જગન્નાથ પુરીની વાત કરીએ તો ત્યાં પણ આ પરંપરા છે એટલે આ પરંપરા જળવાઈ રહેવી જોઈએ.

1992માં હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા
​​​​​​​​
અમદાવાદમાં 1992માં રમખાણ થયા ત્યારે આજ હાથી ભગવાનને નગરચર્યાએ લઈને નીકળ્યા હતા અને રથયાત્રા સંપન્ન થઈ હતી એટલે તમે ઇતિહાસ જોવો તો આ હાથીનું અનેરું મહત્વ છે. અને મારું માનવું છે કે રથયાત્રા પારંપરિક રીતે હાથી સાથે નીકળે તો જ તે સંપન્ન થઈ કહેવાય. હાલ તમે જોવો આ હાથી કેટલા શાંત છે લોકો તેમની નજીક જતા પણ અચકાતા નથી તો જો પબ્લિક વગર જ રથયાત્રા નીકળવાની હોય તો હાથીને સાથે રાખી શકાય.