• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Election Expenditure Audit 384 BJP Congress Candidates Of AMC Spent Rs 23 Crore To Win Elections, But Spent Only Rs 48,000 To Defeat Corona

ભાસ્કર ઓરિજિનલ:ચૂંટણી ખર્ચનું ઓડિટ - AMCના ભાજપ-કોંગ્રેસના 384 ઉમેદવારે ચૂંટણી જીતવા 23 કરોડ ખર્ચ્યા, પણ કોરોનાને હરાવવા માત્ર 48 હજાર ખર્ચ કર્યો

અમદાવાદએક વર્ષ પહેલાલેખક: શાયર રાવલ
  • કૉપી લિંક
  • ખર્ચના આ આંકડા પૂરવાર કરે છે કે, આપણા નેતાઓ કોરોના સામેના જંગમાં કેટલા ગંભીર છે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદાવરોએ ગાઈડલાઈનનું પાલન કર્યું નથી. ચૂંટણી જાહેર થયાથી પરિણામ સુધીમાં શહેરના 384 ઉમેદવારોએ કોરોના પ્રતિરોધક સામગ્રી માટે નહિવત 48,075 રૂપિયા ખર્ચ કર્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. એક ઉમેદવાર પાસે ચૂંટણી દરમિયાન 6 લાખ રૂપિયા ખર્ચ કરવાની મર્યાદા હતી. એ હિસાબે ભાજપ અને કોંગ્રેસના 384 ઉમેદવારો પાસે ચૂંટણી ખર્ચ કરવા કુલ 23 કરોડ 4 લાખ રૂપિયાનું બજેટ હતું. અમદાવાદની કુલ વસ્તી 70 લાખ આસપાસ છે. જેમાંથી 46 લાખ લોકો મત આપવાનો અધિકાર ધરાવે છે. સરકારી ચોપડે છેલ્લા બે મહિનામાં એક લાખથી વધુ કોરોનાના નવા કેસ નોંધાયા છે તેમજ એક હજાર જેટલા મૃત્યુ થયા છે. જોકે વાસ્તિવિક આંકડો આ કરતા ઘણો વધારે છે.

કોરોનાના આંકડાં સતત વધતા રહ્યાં હતા જેમાં ચૂંટણી બાદ પહેલી માર્ચે અમદાવાદમાં કોરોનાના 112 નવા કેસ ધ્યાને આવ્યા હતા. પહેલી એપ્રિલે નવા કેસોની સંખ્યા વધીને 613 પર પહોંચી હતી અને પહેલી મેના રોજ તે આંકડો વધીને 4980 સુધી પહોંચ્યો હતો. આ દરમિયાન લગભગ એક અઠવાડિયા સુધી નવા કેસોની સંખ્યાનો આંકડો રોજે 5500 ઉપર પહોંચ્યો હતો. અમરાઈવાડીમાં રહેતા સંતોષસિંહ રાજપૂતે રાજ્યના 6 મહાનગર પાલિકાના 144 વોર્ડના 664 ઉમેદવારોએ ચૂંટણી આયોગમાં રજૂ કરેલા ચૂંટણી પ્રચારના ખર્ચ રજિસ્ટરનું ઓડિટ કર્યું હતું.

અમદાવાદના કુલ 48 વોર્ડમાંથી થલતેજ, બોડકદેવ, વટવા, જોધપુર, ઘાટલોડિયા, કુબેરનગર, દરિયાપુર અને વસ્ત્રાલ વોર્ડના ઉમેદવારોએ કોરોનારોધક સામગ્રી માટે 920 રૂપિયાથી લઈ 12 હજાર રૂપિયા સુધીનો ખર્ચ કર્યો હતો. બાકીના 40 વોર્ડે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો નહોતો. ઓડિટમાં ધ્યાને આવ્યું હતું કે, અમદાવાદના કુલ 46,24,552 મતદારો પાછળ કોરોના રોધક સામગ્રી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ કુલ 48,075નો ખર્ચ કર્યો હતો. ઉમેદવારોએ કરેલા ખર્ચની વિગતો ચૂંટણી આયોગની સત્તાવાર વેબસાઈટ ઉપર ઉપલબ્ધ છે.

રાજ્ય ચૂટણી આયોગે વિવિધ તબક્કે અનુસરવાની કોરોના ગાઈડલાઈનનું પાલન કરવામાં તમામ રાજકીય પક્ષો નિષ્ફળ ગયા હતા. રેલી અને જાહેરસભાઓમાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું નહોંતું. સેનેટાઈઝર, માસ્ક, ટેમ્પરેચર ગન તથા હાથ ધોવા માટે પાણીની પણ રાજકીય પક્ષો વ્યવસ્થા કરી શક્યા નહોતા. ચૂંટણી જીત્યા બાદ રેલીઓ કાઢવામાં આવી હતી અને પક્ષો દ્વારા અભિવાદન સભાઓ પણ ભરવામાં આવી હતી. ચૂંટણી આયોગની સ્પષ્ટ ગાઈડલાઈન હોવા છતા 23 ફેબ્રુઆરીએ મુખ્યમંત્રીએ ચૂંટણી જીત્યાની ખુશીમાં જાહેર સભા યોજી હતી. કોવિડ-19 ગાઈડલાઈનું પાલન નહીં કરવાને કારણોથી મેડિકલ હબ ગણાતા અમદાવાદની હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન, રેમડેસિવિર અને દવાઓ ખૂટી પડી હતી. કેટલાકનું તો 108 નહીં મળતા સારવારના અભાવે મૃત્યુ નિપજ્યું હતું.

ચૂંટણી પ્રચાર માટે પંચની ગાઈડલાઈન

  • રાજકીય પક્ષો અને ઉમેદવારોએ કોવિડ -19 પ્રતિરોધક સામગ્રી જેવી કે ફેસ માસ્ક, સેનિટાઈઝર, થર્મલ ગનથી સ્ક્રીનિંગ થાય તે વ્યવસ્થા કરવી પડશે
  • ઉમેદવારોએ ચૂંટણી પ્રચાર શક્ય હોય ત્યાં સુધી ઈલેક્ટ્રોનિક અથવા સોશિયલ મીડિયા મારફત કરવાની બાબતને અગ્રતા આપવી
  • ચૂંટણી સભા - રેલીમાં હાજર રહેનાર તમામ વ્યક્તિઓએ માસ્ક ફરજીયાત પહેરવાનું રહેશે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે
  • ડોર ટૂ ડોર પ્રચાર માટે વધુમાં વધુ પાંચ વ્યક્તિએ એક સાથે જવું
  • જાહેર સભામાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન થાય તે સુનિશ્ચિત કરવું
  • કોરોનાની ગાઈડલાઈનનું પાલન થાય તે માટે જિલ્લા આરોગ્ય નોડલ અધિકારી, પોલીસ અધિક્ષક અને જિલ્લા ચૂંટણી અધિકારીની જવાબદારી.

40 વોર્ડના ઉમેદવારોએ કોરોનાને નાથવા એક પણ રૂપિયો ખર્ચ્યો નહીં
કોરોના નાથવા થલતેજ વોર્ડના 4 ભાજપી ઉમેદવારે 920, બોડકદેવમાં ભાજપના 4 ઉમેદવારે 1096, વટવાના ભાજપના 2 ઉમેદવારે 1109, જોધપુરના ભાજપના 4 ઉમેદવારે 4000, ઘાટલોડિયાના ભાજપના 4 ઉમેદવારે 8100, કુબેરનગરના 3 કોંગ્રેસી ઉમેદવારે 9970, દરિયાપુરના કોંગ્રેસના એક ઉમેદવારે 10880 અને વસ્ત્રાલના ભાજપના 4 ઉમેદવારે 12 હજાર ખર્ચ કર્યો. કોરોના સામેના જંગમાં 40 વોર્ડના ઉમેદવારોએ એક પણ રૂપિયાનો ખર્ચ કર્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...