ગુજરાત વહેલી ચૂંટણી ભણી..:ફેબ્રુઆરીમાં બજેટ, માર્ચમાં વાઇબ્રન્ટ અને મે મહિનામાં ચૂંટણી, ભાજપ સંગઠન માર્ચથી ફાસ્ટ્રેક પર આવી શકે છે

અમદાવાદ4 મહિનો પહેલાલેખક: ટીકેન્દ્ર રાવલ
  • વેરવિખેર વિપક્ષ એક થઈને મજબૂત બને તે પહેલાં જ ચૂંટણી રણમેદાનમાં લાવવાની તૈયારી
  • તૈયારીઓ વિનાના કોંગ્રેસ અને આપનો ભાજપને સીધો લાભ લેવાનું રાજકીય ગણિત

હાલ ભાજપનું ધ્યાન ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ પર છે, પરંતુ આ ચૂંટણીઓ પછી તરત જ ગુજરાત વિધાનસભા ચૂંટણી કેન્દ્રમાં રહેશે. ગુજરાત ભાજપના નેતાઓ કહે છે કે રાજ્યમાં વહેલી ચૂંટણી કરાવવાનો કોઇ પ્લાન નથી, પરંતુ ભાજપની તૈયારીઓ જ એનું ખંડન કરે છે. સરકાર અને સંગઠનમાં જોવા મળતી ચહલપહલથી ચૂંટણી નજીક હોવાના સંકેતો મળી રહ્યા છે. ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યની ચૂંટણી પૂરી થયા બાદ મે મહિનામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજવા માટે ભાજપ સરકાર, સંગઠન અને હાઇકમાન્ડ ગંભીરતાથી વિચારણા કરી રહ્યાં હોવાનું જાણવા મળ્યું છે, જેમાં ફેબ્રુઆરીમાં વોટ ઓન એકાઉન્ટ સાથે વિધાનસભા સત્ર પૂરું કરી માર્ચમાં વાઇબ્રન્ટ કરી દેવી, સાથે સાથે વેરવિખેર વિપક્ષને પણ મજબૂત બનવાની તક ના મળે એવા રાજકીય ગણિત સાથે ભાજપ આગળ વધી રહ્યો છે.

પાર્લમેન્ટરી બોર્ડ અને શિસ્ત સમિતિની જાહેરાત
ભાજપે 21 જાન્યુઆરીએ 14 સભ્યોની પ્રદેશ ચૂંટણી સમિતિની જાહેરાત કરી દીધી છે. આ સમિતિમાં રૂપાણી સરકારમાંથી ચાર મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે, એમાં વિજય રૂપાણી, નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા અને જસવંતસિંહ ભાભોરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત 12 કોર ગ્રૃપના સભ્યો પણ જાહેર કરવામાં આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો બંને સમિતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ભાજપે ચાર સભ્યની શિસ્ત સમિતિની પણ જાહેરાત કરી છે.

19 જાન્યુઆરીએ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે 579 મંડળ સાથે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી, જેમાં તેમણે બૂથ સમિતિ તેમજ પેજ સમિતિની સંરચના થકી મંડળને મજબૂત કરી કરવા માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત વડાપ્રધાન મોદી પેજ સમિતિના કાર્યકર્તાઓને 25મી જાન્યુઆરીએ નમો એપના માધ્યમથી સંબોધન કરશે.

વિધાનસભા સત્ર ટૂંકું રાખી શકે
ગુજરાતમાં વિધાનસભાની વહેલી ચૂંટણી યોજવા માટે ભાજપે સરકાર અને સંગઠને પુરજોશમાં તૈયારીઓ કરી હોવાનું પક્ષ ના જ સિનિયર નેતાએ જણાવ્યું હતું, જેમાં ગુજરાતની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા આગામી દિવસોમાં ધડાધડ નિર્ણયો લેવામાં આવી શકે છે. એટલું જ નહીં, વિધાનસભાનું બજેટસત્ર પણ ટૂંકું કરીને માત્ર વોટ ઓન એકાઉન્ટ રજૂ થઈ શકે છે, જેથી પ્રજાલક્ષી નીતિઓ અને કાયદાઓ પસાર કરવામાં આવશે, સાથે સાથે ચૂંટણીલક્ષી વોટ ઓન એકાઉન્ટ પસાર કરવામાં આવી શકે છે.

જુનિયર મંત્રઓની પટેલ સરકાર માટે વિધાનસભામાં ફુલ બજેટ રજૂ કરી પસાર કરવામાં ઘણું મોટું જોખમ આવી શકે છે, કેમ કે નવા મંત્રીઓ માટે વિપક્ષનો સામનો કરવો મુશ્કેલ બની શકે તેમ છે, સાથે સાથે સરકારની નિષ્ફળતાના વિવિધ મુદ્દાઓ સાથે વિપક્ષ સરકારને ભીંસમાં લેવાની સાથે પ્રજામાં ભાજપ સરકાર પ્રત્યે અણગમો ઊભો કરે તો ચૂંટણીમાં ભાજપને ફટકો પડી શકે તેમ છે. આ ઉપરાંત વિધાનસભાની ચૂંટણીમાં 150થી વધુ બેઠકો મેળવવાના ટાર્ગેટ સાથે આગળ વધી રહ્યો છે. એ સંજોગોમાં જુનિયર સરકારને કારણે ભાજપને કોઈ નુકસાનના ન જાય એ માટે પણ સાવચેતી સાથે આગળ વધી રહ્યો છે.

BJP માર્ચ બાદ ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી શકે
ગુજરાત બજેટની સાથે જ મોકૂફ રાખવામાં આવેલી વાઇબ્રન્ટ સમિટ યોજીને પ્રજાનું દિલ જીતવાનો પણ લક્ષ્યાંક ભાજપે રાખ્યો છે, જેથી ફેબ્રુઆરીમાં બજેટનું વોટ ઓન એકાઉન્ટ પસાર કરી માર્ચમાં વાઇબ્રન્ટ પતાવીને ચૂંટણીનું બ્યૂગલ ફૂંકવામાં આવી શકે છે.

સંગઠન પણ ગામડાં ખૂંદશે
માર્ચમાં પ્રદેશ પ્રમુખથી પેજ પ્રમુખનો ફાસ્ટ્રેક પ્રચાર શરૂ જશે તો બીજી બાજુ, ભાજપ સંગઠનમાં પણ પ્રદેશ પ્રમુખથી લઈને પેજ પ્રમુખ અત્યારથી જ ચૂંટણી મોડમાં આવીને પર કામે લાગી ગયા છે. સંગઠનના દરેક આગેવાનોને ચૂંટણી અંગેની કામગીરી સોંપવામાં આવી રહી છે, સાથે સાથે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારની પ્રજાલક્ષી કામગીરી ઘેર ઘેર સુધી પહોંચાડવાનો એક પ્લાન પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જેથી એક બાજુ સરકારની કામગીરી ફાસ્ટ્રેક પર ચાલતી હશે તે સમયે સંગઠન પણ ગામડા ખૂંદતું હશે..

કોંગ્રેસના નવા પ્રમુખ મજબૂત બને એ પહેલાં જ ચૂંટણી આવી જાય....
તાજેતરમાં જ ભાજપ દ્વારા ગુજરાત ની રાજકીય પરિસ્થિતિ અંગેનો આંતરિક સર્વે કરવામાં આવ્યો હતો જેમાં એવું એક મુખ્ય તારણ બહાર આવ્યું હોવાનું જાણવા મળ્યું છે કે, આજની સ્થિતિમાં કોંગ્રેસમાં ભલે પ્રમુખ પદે જગદીશ ઠાકોર ને મુકવામાં આવ્યા હોય પણ હજુ પક્ષ ના સંગઠન,સંકલન અને સક્રિયતાનો અભાવ દેખાય છે.જગદીશ ઠાકોર સામે પક્ષમાં ઘણો બધો વિરોધ છે, જેથી કોંગ્રેસ હજુ આંતરિક લડાઈમાં વ્યસ્ત છે.જગદીશ ઠાકોર પણ હાલ ગામડા ખૂંદી રહયા છે તે સંજોગોમાં જો કૉંગ્રેસ ને પણ વધુ સમય મળી જાય તો ભાજપ માટે જોખમી બની શકે છે.

AAPની થયેલી બદનામી ને નેતૃત્વના અભાવનો લાભ લેવાનો દાવ
બીજી બાજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં આવી છે, અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માં કોંગ્રેસ કરતા ઝડપથી આગળ વધી રહી હતી, પરંતુ ભાજપ કાર્યાલય કમલમના વિરોધ કાર્યક્રમ અને તેમાં પણ આપ ના ગુજરાત ના મોટા નેતા ઇસુદાન ગઢવી સામેના ગંભીર આરોપોના કારણે આપમાં પણ આંતરિક વિવાદ સર્જાયો છે, એટલું જ નહીં ગુજરાતમાં આપને સાચવી શકે એવું કોઈ નેતૃત્વ પણ નથી,છતાં પણ ભાજપથી નારાજ જનતા કોંગ્રેસ કરતા આપને વિશ્વાસુ માની રહી છે ત્યારે જો વિધાનસભાની ચૂંટણી ડિસેમ્બરમાં સમયસર યોજવામાં આવે તો, ત્યાં સુધી આપ ગુજરાતમાં ફરી વળે અને ચોક્કસ નેતાઓ સાથે સંગઠન મજબૂત બનાવી દે તો ભાજપ ને વિધાનસભા ચૂંટણીમાં કૉંગ્રેસ ની સાથે આમ આદમી પાર્ટી નો પણ મુકાબલો કરવો પડે તેમ જ છે, હાલ આપનું હજુ જોઈએ એટલું વર્ચસ્વ નથી કે નથી કોઈ મોટો ચેહરો જેના સહારે ચૂંટણી લડી શકે. જો આમ આદમી પાર્ટી ને તક આપવામાં આવે તો તે ભાજપ માટે નુકશાનકર્તા બની શકે છે.

બોર્ડ-નિગમોના ચેરમેનોનાં રાજીનામાં લઈ લેવાયાં
ગુજરાત સરકારના વિવિધ બોર્ડ નિગમોમાં નિમાયેલા રાજકીય પદાધિકારીઓની કામગીરીની સમીક્ષા કરીને ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે તે પૈકીના સાતને ત્વરિત રાજીનામું આપવા માટે આદેશ કર્યો હતો. પાટીલે આમાંથી કેટલાંકને કમલમ કાર્યાલય પર મળવા બોલાવ્યા હતા. આ સાતમાંથી પાંચ પદાધિકારીઓએ ત્વરિત રાજીનામાં મુખ્યમંત્રીને સોંપી દીધાં હતા. 20 જાન્યુઆરીએ કમલમ પરથી ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે જણાવ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી વહેલી લાવવાનો સત્તાપક્ષનો કોઇ ઇરાદો નથી. ચૂંટણી તેના નિયત સમયે જ યોજાશે. ડિસેમ્બર માસ દરમિયાન જ ચૂંટણી યોજાશે. જો કે ભાજપના જ કેટલાંક સિનિયર નેતાઓ કહે છે કે જે રીતે તૈયારી ચાલી રહી છે તે જોતાં આ એપ્રિલ કે મે મહિનામાં ચૂંટણી થઇ શકે છે.

કોંગ્રેસ માટે સિનિયરો અને સંગઠન સૌથી મોટો પડકાર
બીજી તરફ કોંગ્રેસે પ્રમુખ પદે ઠાકોર સમાજના આગેવાનને મૂકી ભાજપને મોટો ઝટકો આપી દીધો છે. માત્ર એટલું જ નહીં વિપક્ષના નેતાપદે પણ આદિવાસીને મૂકી ભાજપની 150 બેઠકોની ચાલને ઊંધી વાળવાનો કોંગ્રેસે ખેલ પાડી દીધો હોવાનું મનાય રહ્યું છે. જો કે નવા પ્રદેશ પ્રમુખ સામે મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી અને સિદ્ધાર્થ પટેલ જેવા સિનિયરો વચ્ચે એકતા જાળવવાનો સૌથી મોટો પડકાર છે. માત્ર એટલું જ નહીં, નવા સંગઠનની રચના માટે પણ હવે સમય ખૂબ ઓછો છે. અત્યાર સુધી બૂથ મેનેજમેન્ટથી લઈને સભ્ય નોંધણી પણ થઈ નથી.

2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સારા દેખાવ અંગેનું એનાલિસિસ કર્યા બાદ હાઇકમાન્ડ પણ 2022ની ચૂંટણી માટે ફરીવાર માધવસિંહ સોલંકીની KHAM થિયરી અપનાવવા જઈ રહી હોય તેવું કોંગ્રેસના જ વરિષ્ઠ નેતાઓ માની રહ્યા છે.

શરૂ થયેલો પક્ષપલટો AAP માટે મોટો પડકાર
ગુજરાત વિધાનસભા ચૂંટણી આડે હવે એક વર્ષથી પણ ઓછો સમય બાકી રહ્યો છે, ત્યારે હવે પક્ષપલટો કરવાની મૌસમની શરૂઆત થઈ ગઈ છે. ખાસ કરીને ભાજપે વિપક્ષના નેતાઓને ખેડવવાની શરૂઆત કરી છે. ગઈકાલે(17 જાન્યુઆરી) આમ આદમી પાર્ટી (AAP)માંથી વિજય સુવાળાને ભાજપમાં જોડી લીધા છે, જ્યારે ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ AAP છોડી દીધી છે.

AAP તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે
આમ આદમી પાર્ટી(AAP)ની પ્રજાલક્ષી કામગીરી અને પક્ષની વફાદારીને ધ્યાનમાં રાખીને ગુજરાતની જનતાએ પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં AAPને એક તક આપી છે. હવે જો AAPના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પક્ષપલટો કરે કે પ્રજાને ભૂલી જશે તો જનતા ફેંકી દેશે, જેનું સૌથી મોટું ઉદાહરણ કૉંગ્રેસ છે. કોંગ્રેસના નેતાઓ પક્ષપલટો કરવા લાગતાં જનતાએ જાકારો આપી દીધો છે. હવે AAPની પણ આવી જ હાલત થઈ રહી હોવાનું મનાય રહ્યું છે, એમાં AAPના એક મોટા નેતા વિજય સુવાળાને ભાજપે ખેંચી લીધા છે. હવે AAP તૂટવાનો સિલસિલો ચૂંટણી સુધી ચાલી શકે છે. AAPની રાજકીય સ્થિતિ પણ કૉંગ્રેસ જેવી થઈ શકે છે.

ભાજપ MLAનું રિપોર્ટ કાર્ડ તૈયાર કરશે
આખી રૂપાણી સરકારને ઘરભેગી કર્યા બાદ હવે ભાજપના ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ તૈયાર થઇ રહ્યાં છે, જેના આધારે વિધાનસભા 2022ની ચૂંટણીમાં ટિકિટની ફાળવણી કરવામાં આવી શકે છે. આ મામલે નવા મંત્રીઓની યાત્રાઓની સાથે સંગઠન દ્વારા ધારાસભ્યોની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. ગુજરાતમાં સંપૂર્ણ પરિવર્તનની દિશામાં ભાજપે કરેલી આગેકૂચમાં રૂપાણી સરકાર અને તેના તમામ મંત્રીઓને પડતા મૂકવામાં આવ્યા બાદ પક્ષના ધારાસભ્યો અને સાંસદોની ચિંતા વધી ગઈ છે, કેમ કે નો-રિપીટ થિયરી હવે પક્ષના સિનિયરોને પણ લાગુ થશે તેમજ ત્રણ ટર્મથી ચૂંટાતા ધારાસભ્યોને રિપીટ ન કરવા અને આ માપદંડ સૌને માટે સરખા એવો સંદેશ પણ આપવામાં આવે એવી શક્યતા છે.