દુર્ઘટના:ગાયે શિંગડે ભરવતાં વૃદ્ધ ગંભીર, તહેવારોમાં રખડતાં ઢોર કાબૂમાં રાખવાનો હાઈકોર્ટનો આદેશ ભુલાઈ ગયો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 4 દિવસ પહેલાં કોર્ટે મ્યુનિ.ને કહ્યું હતું કે, રઝળતાં ઢોરથી કોઈનું મૃત્યુ કે ઈજા થવી જોઈએ નહીં
  • નરોડા પાસે અચાનક ગાય વચ્ચે આવી જતાં ટુ-વ્હિલર પર જતાં વૃદ્ધને માથા-નાકમાં ગંભીર ઈજા

નાના ચિલોડામાં રહેતા 59 વર્ષીય નિવૃત્ત વૃદ્ધને ઢોરે અડફેટે લેતા માથા અને નાક પર ગંભીર ઈજા પહોંચી છે. ભગવાનદાસ કડિયા નામના વૃદ્ધ ટુ-વ્હિલર પર ઘરેથી નિકોલ જઈ રહ્યા હતા તે દરમિયાન અચાનક ગાય આવી જતા રોડ ઉપર પટકાયા હતા. 108 બોલાવી તેમને બાપુનગરની ખાનગી મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમને માથામાં હેરક્રેક અને નાકના હાડકાંમાં ગંભીર ઈજા પહોંચી હતી.

હજુ ચાર દિવસ પહેલાં જ રખડતાં ઢોર મામલે થયેલી સુનાવણીમાં ચીફ જસ્ટિસની ખંડપીઠે પોલીસ વડા, શહેરી વિકાસ સચિવ અને મ્યુનિ. કમિશનરને કડક શબ્દોમાં કહ્યું હતું કે, તહેવારોમાં રખડતાં ઢોરને કારણે કોઈનું મૃત્યુ થવું જોઈએ નહીં કે કોઈને ઈજા પહોંચવી જોઈએ નહીં.તેમણે રખડતાં ઢોર પકડવાની કામગીરી સામે અસંતોષ વ્યક્ત કરી કામ માત્ર કાગળ પર હોવાની ટકોર કરી હતી.

દરમિયાન અકસ્માત થયો હોવાથી ભગવાનદાસના દીકરા અલ્પેશભાઈએ નિકોલ પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ અરજી પણ કરી છે. અલ્પેશભાઈએ કહ્યું કે, ઘટના સ્થળ પાસે એક દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં ઢોરે રસ્તા પરથી પસાર થતા તેમના પિતાને અડફેટે લીધા હતા. અકસ્માત થતા તેમના પિતા બેભાન થયા હતા અને નાકમાંથી લોહી આવતાં તેઓ બેભાન થઈ ગયા હતા.

રખડતાં ઢોર પકડવા બે DySPને વિશેષ જવાબદારી સોંપવામાં આવી
શહેરમાં રખડતાં ઢોર પકડવાની કામગીરી વધુ અસરકારક બને પોલીસ સાથે યોગ્ય સંકલન થાય તે માટે મ્યુનિ. કમિશનરે મ્યુનિ.માં ફરજ પરના બે ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (ડીવાયએસપી) કક્ષાના અધિકારીઓ સહિત અન્યોને ઝોનની ફાળવણી કરી છે. ડીવાયએસપી જયેશ બ્રહ્મભટ્ટને પશ્ચિમ, દ.પશ્ચિમ ઝોન અને ઉ.પશ્ચિમ ઝોનની જવાબદારી સોંપાઈ છે. જ્યારે રણજીતસિંહને ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મધ્ય ઝોનમાં કામગીરી સોંપાઈ છે. સીએનસીડી વિભાગના ટીમ લીડર, સેનેટરી ઇન્સ્પેક્ટર, સબ ઇન્સ્પેક્ટર સહિતના કર્મચારી બંનેની દેખરેખમાં કામ કરશે.

અન્ય સમાચારો પણ છે...