અમદાવાદના મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા એપાર્ટમેન્ટમાં રહેતાં વૃદ્ધ દંપતીએ પોતાના હાથ અને ગળાના ભાગે ચપ્પુ વડે ગંભીર ઇજા પહોંચાડી હતી, જેમાં 69 વર્ષીય મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે 73 વર્ષના દાદાને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર બનાવની જાણ થતાં સરખેજ પોલીસે હાલ આ બનાવ પાછળનું કારણ જાણવા માટે પ્રયાસો હાથ ધર્યા છે. જ્યારે એફએસએલ અને અન્ય એક્સપર્ટ પાસેથી અભિપ્રાય મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યો છે.
પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી
અમદાવાદના કોર્પોરેટ રોડ નજીક મકરબા અંડરપાસ પાસે આવેલા ઓર્ચિડ એક્ઝોટિકા નામના બિલ્ડિંગમાં આજે વહેલી સવારે એક વૃદ્ધ દંપતીએ આત્મહત્યા કરી હોવાની જાણ થતાં પોલીસ બનાવવાના સ્થળે પહોંચી હતી, જ્યાં એપાર્ટમેન્ટના બી બ્લોકના સાતમા માળે રહેતાં કિરણભાઈ અને તેમનાં પત્ની ઉષાબેન લોહીલુહાણ હાલતમાં પડ્યાં હતાં. પોલીસે તાત્કાલિક એમ્બ્યુલન્સને જાણ કરી હતી. એ સંદર્ભે તપાસ કરતાં ઉષાબેન કિરણભાઈ ભાઉ (ઉં.વ.69)નું મોત નીપજ્યું હતું, જ્યારે બીજી તરફ તેમના પતિ કિરણભાઈ ગંભીર રીતે ઘાયલ હતા, તેમને સારવાર અર્થે એસજી હાઇવેની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળી રહ્યું છે.
હાલ આત્મહત્યા પાછળનું કારણ અકબંધ
આ બનાવ અંગે સરખેજ પોલીસ સ્ટેશનના પોલીસ-ઇન્સ્પેક્ટર ચાવડાએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે વૃદ્ધ દંપતીએ પોતાના ગળા અને હાથના ભાગે નાઈફ વડે ઇજા પહોંચાડી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો, એમાં વૃદ્ધ મહિલાનું મોત થયું છે, જ્યારે તેમના પતિને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે બંનેએ પોતાના ભત્રીજાને એક મેસેજ કરીને પોતે સુસાઇડ કરતા હોય એવી જાણ કરી હતી. હાલ આત્મહત્યા પાછળનું સ્પષ્ટ કારણ જાણવા મળ્યું નથી.
પોલીસે પરિવારની શોધખોળ હાથ ધરી
આ બનાવ અંગે સૂત્રોએ જણાવ્યું હતું કે, વૃદ્ધ દંપતી પહેલાં અમેરિકા રહેતાં હતાં. ત્યાર બાદ તેઓ થોડા સમય પહેલાં પ્રહલાદનગર રહેવા આવ્યાં હતાં અને ચાર મહિનાથી ઓર્ચિડ એક્ઝોટિકામાં રહેતાં હતાં. બંને દાદા-દાદી એકલાં રહેતાં હતાં. તેમના પરિવારમાં હાલ કોણ છે? એ હજી જાણી શકાયું નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.