આયોજન:રથયાત્રાના રૂટ પર આવતા વિસ્તારોના હિન્દુ-મુસ્લિમ સમુદાયો વચ્ચે બુધવારથી ‘એકતા ક્રિકેટ’ ટુર્નામેન્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • અમદાવાદ પોલીસની નવતર પહેલ, કોમી સંવાદિતા માટે 32 ટીમ નાઈટ ક્રિકેટ રમશે

ચાલુ વર્ષે નીકળનારી ભગવાન જગન્નાથની 145મી રથયાત્રા કોમી એકતા અને ભાઈચારાના વાતાવરણ વચ્ચે નીકળે તે માટે શહેર પોલીસે નવતર પ્રયાસ કર્યો છે. જેમાં રથયાત્રાના રૂટ ઉપર આવતા તમામ સંવેદનશીલ વિસ્તારના રહીશોની મળીને 32 ટીમો વચ્ચે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવશે. સરસપુર બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ટ ખાતે યોજાનારી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટને એકતા કપ નામ આપવામાં આવ્યુ છે.

સેકટર-1 ના અધિક પોલીસ કમિશનર રાજેન્દ્ર અસારીએ જણાવ્યું કે, કોરોનાના કારણે 2 વર્ષ પછી રથયાત્રા તેની પરંપરા અનુસાર નિર્ધારીત રૂટ ઉપર શહેરની પરિક્રમાએ નીકળવાની છે. 1 જુલાઈ 2022 ના રોજ 145 મી વખત રથયાત્રા શહેરની પરિક્રમા એ નીકળશે. જો કે આ મોબાઈલ - લેપટોપ અને ટેકનોલોજીના યુગમાં એક જ ગલી - મહોલ્લા કે શેરીમાં રહેતા લોકો એક બીજાને ઓળખતા નથી. જેથી વિસ્તારના લોકો એક બીજાને ઓળખતા થાય તેમજ કોમી એકતાનું વાતાવરણ જઈવાઈ રહે તે હેતુથી શહેર પોલીસે ચાલુ વર્ષે બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ ટુનામેન્ટ યોજવાનું નક્કી કર્યુ હતુ.

15 જૂનથી આ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં બંને કોમના લોકોની કુલ 32 ટીમ ભાગ લેશે. સરસપુર ખાતેના બોમ્બે હાઉસિંગ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રોજ સાંજે 4 વાગ્યાથી 12 ઓવરની ક્રિકેટ મેચ રમાશે. જે 19 જૂન સુધી ચાલશે. સૌથી મહત્વની વાત તો એ છે કે, કોમી એકતા જળવાઈ રહે તે હેતુથી બંને કોમના લોકો વચ્ચે ક્રિકેટ મેચ રમાડવાના શહેર પોલીસના આ નવતર પ્રયાસને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

​​​​​​​અમદાવાદ પોલીસ આ ઉપરાંત રથયાત્રાના રૂટ પર આવતાં પોલીસ સ્ટેશનોના વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કરશે અને હિન્દુ-મુસ્લિમ સમુદાયને તેમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરશે. વધુમાં કોમી સંવાદિતા જાળવવા પોલીસ બંને સમુદાયના લોકો માટે પેઈન્ટિંગ કેમ્પનું આયોજન કરશે તેમજ શાંતિ સમિતિની મિટિંગો યોજશે.

પહેલી મેચમાં જગન્નાથ મંદિરના મહંત હાજર રહેશે
એકતા કપની પહેલી મેચ15 જને સાંજે 4 વાગ્યે રમાશે. આ સમયે બંને સમાજના આગેવાનો - જગન્નાથ મંદિરના મહારાજ દિલિપદાસજી, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ શહેરના પણ કેટલાક અગ્રણી વ્યકિતઓ હાજર રહેશે.

આ વિસ્તારની ટીમો રમશે

  • શહેરકોટડા
  • રખિયાલ
  • ​​​​​​​ખાડિયા
  • સરસપુર
  • બાપુનગર
  • નવરંગપુરા
  • ​​​​​​​મણિનગર
  • ​​​​​​​કારંજ
  • દરિયાપુર
  • શાહપુર
  • કાલુપુર
  • ​​​​​​​અમરાઈવાડી
  • રામ રહીમ
  • ગોમતીપુર
અન્ય સમાચારો પણ છે...