• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Eight Cities Have So Far Tested 70 Per Cent Of The Total Corona Testing In The State, With 60 Per Cent Tested In The Last 24 Hours Alone.

શહેરો વધુ સંક્રમિત:રાજ્યમાં કોરોનાના કુલ ટેસ્ટિંગના 70 ટકા ટેસ્ટ માત્ર આઠ શહેરમાં થયા, છેલ્લા 24 કલાકમાં જ 60 ટકા ટેસ્ટ કરાયા

અમદાવાદ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં 1590 પૈકી 870 લોકો આઠ શહેરમાં ક્વોરન્ટીન હેઠળ છે

રાજ્યમાં બીજી લહેર બાદ કાબૂમાં આવેલો કોરોના ફરીવાર બેકાબૂ થઈ રહ્યો છે. લોકો હવે ટેસ્ટિંગ માટે લાઈનોમાં ઊભા થયેલા જોવા મળ્યા છે. ત્યારે અત્યારસુધીમાં રાજ્યમાં થયેલા કુલ કોરોના ટેસ્ટિંગમાં મુખ્ય આઠ શહેરમાં 70 ટકા ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે ગુરુવારે એક જ દિવસમાં 60 ટકા ટેસ્ટ થયા છે. રાજ્યમાં 3.49 કરોડ લોકોના ટેસ્ટ અત્યારસુધી કરવામાં આવ્યાં છે, જેમાં 2.16 કરોડ ટેસ્ટ માત્ર રાજ્યનાં આઠ મહાનગરમાં થયા છે. રાજ્યમાં હાલમાં 14 હજાર 346 એક્ટિવ કેસ છે,.જેની સામે આઠ મહાનગરમાં 12 હજાર 322 એક્ટિવ કેસ છે. એ ઉપરાંત રાજ્યમાં 1590 લોકો ક્વોરન્ટીનમાં છે. એની સામે 870 લોકો રાજ્યનાં આઠ મહાનગરમાં ક્વોરન્ટીન છે. ગુરુવારે રાજ્યમાં કુલ 80 હજાર 267 લોકોના ટેસ્ટ થયા હતા. એની સામે રાજ્યનાં આઠ મહાનગરમાં 49 હજાર 64 ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

અમદાવાદમાં કુલ 5.81 લાખ ટેસ્ટ અને 33 લોકો ક્વોરન્ટીન
અમદાવાદમાં હાલમાં કોરોનાના કેસોનો આંકડો બે હજારને પાર કરી ગયો છે. અમદાવાદમાં કુલ એક્ટિવ કેસ 7027 છે, જે સમગ્ર રાજ્યના એક્ટિવ કેસના 50 ટકા છે. શહેરમાં અત્યારસુધીમાં 58 લાખ 16 હજાર 761 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એમાં ગુરુવારે 17 હજાર 133 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. શહેરમાં ગુરુવારે 1835 કેસ નોંધાયા છે. બીજી તરફ અમદાવાદમાં અત્યારસુધીમાં 2 લાખ 36 હજાર 306 દર્દીઓ રિકવર થયા છે. જ્યારે 545 દર્દીઓ ગુરુવારે રિકવર થયા હતાં. શહેરમાં હાલમાં આટલા કેસો હોવા છતાં માત્ર 33 લોકો જ ક્વોરન્ટીનમાં છે. અત્યારસુધીમાં અમદાવાદમાં 3412 લોકોનાં મોત થયાં છે.

શહેરોમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધી રહ્યું છે ( ફાઈલ ફોટો)
શહેરોમાં ટેસ્ટિંગનું પ્રમાણ વધી રહ્યું છે ( ફાઈલ ફોટો)

ગાંધીનગરમાં રોજ 2 હજારથી વધુ ટેસ્ટ થાય છે
ગાંધીનગરમાં કોરોનાનું સંક્રમણ વધતાં રોજના 2 હજારથી વધુ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગાંધીનગરમાં અત્યારસુધીમાં કુલ 9 લાખ 34 હજાર 102 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેની સામે ગુરુવારે 2801 લોકોના ટેસ્ટ કરાયા હતા. ગાંધીનગરમાં હાલમાં 330 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં 20 હજાર 614 દર્દી રિકવર થયા છે. માત્ર ચાર લોકો જ ક્વોરન્ટીનમાં છે. એ ઉપરાંત અત્યારસુધીમાં કુલ 205 લોકોનાં મોત થયાં છે. ગાંધીનગરમાં ગઈકાલે કોર્પોરેશન વિસ્તારમાં 59 અને ગ્રામ્યમાંથી 32 લોકો સંક્રમિત થતાં કુલ. 91 કેસો નોંધાયા હતા.

વડોદરા શહેર-જિલ્લામાં હાલમાં 668 એક્ટિવ કેસ છે
વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં નવા 176 કેસ નોંધાયા છે. હાલમાં 668 એક્ટિવ કેસ છે. એ ઉપરાંત વડોદરામાં અત્યારસુધીમાં 22 લાખ 58 હજાર 503 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. બીજી તરફ, 77 હજાર 957 દર્દીઓ રિકવર થયા છે. 45 લોકો હાલમાં ક્વોરન્ટીનમાં છે, જ્યારે 788 લોકોનાં અત્યારસુધીમાં મોત નીપજ્યાં છે. વડોદરામાં 15થી 18 વર્ષનાં બાળકોનું વેક્સિનેશન 50 ટકાને પાર થઈ ગયું છે. આજે 15થી 18 વર્ષના 7449 બાળકોને કોરોનાની વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો. આ સાથે જ શહેરમાં 15થી 18 વર્ષની વયના બાળકોનું વેક્સિનેશન 52.92 ટકા થયું છે.

રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે ( ફાઈલ ફોટો)
રાજકોટ, વડોદરા, સુરત અને અમદાવાદમાં વિદ્યાર્થીઓ સંક્રમિત થઈ રહ્યા છે ( ફાઈલ ફોટો)

સુરત શહેરમાં ત્રણ જ દિવસમાં કોરોનાના 2150 કેસ નોંધાયા
શહેરમાં છેલ્લા ત્રણ જ દિવસમાં કોરોનાના 2150 કેસ થઈ ગયા છે, જેમાં 1થી 17 વર્ષની વયજૂથનાં 323 બાળકો સંક્રમિત થયાં છે, જ્યારે 18થી 40 વર્ષની વયજૂથના 869 યુવામાં પણ સંક્રમણનું પ્રમાણ વધ્યું હોવાનું આંકડાઓ પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે. બીજી તરફ, સુરતમાં હાલમાં 3293 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં શહેર અને જિલ્લામાં 70 લાખ 80 હજાર 853 લોકોના ટેસ્ટ થયાં છે, જ્યારે 1 લાખ 42 હજાર 291 દર્દી રિકવર થયાં છે. એ ઉપરાંત 550 લોકો હાલ ક્વોરન્ટીનમાં છે. શહેર અને જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 1958 લોકોનાં મોત નીપજ્યાં છે.

રાજકોટમાં એક સપ્તાહમાં જ પાંચ ગણા કેસ નોંધાયા
રાજકોટમાં હજી ગત મંગળવારે 36 કેસ નોંધાયા હતા, જેમાં ગુરુવારે પાંચ ગણા કેસ નોંધાતાં આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે. રાજકોટમાં હાલમાં 678 એક્ટિવ કેસ છે. શહેર અને જિલ્લામાં અત્યારસુધીમાં 22 લાખ 54 હજાર 543 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અત્યારસુધીમાં 57 હજાર 576 દર્દીઓ રિકવર થયા છે. રાજકોટમાં હાલમાં 49 લોકો ક્વોરન્ટીનમાં છે, જ્યારે કુલ મોતનો આંકડો 731 છે. રાજકોટમાં 3 જાન્યુઆરીથી આજ સુધીના કુલ 59061 બાળકોને રસી અપાઈ છે. ત્રીજી લહેર સામે સાવચેતીના ભાગરૂપે સઘન ઝુંબેશના ભાગરૂપે કલેક્ટર કચેરીમાં સ્પેશિયલ ‘વોર’ રૂમ બનાવવામાં આવ્યો છે.

આઠ શહેરમાં એક્ટિવ કેસ અને ક્વોરન્ટીન થયેલા લોકોની વિગત

શહેરએક્ટિવ કેસકોરોના ટેસ્ટક્વોરન્ટીન
અમદાવાદ702758,16,76133
ગાંધીનગર3309,34,1024
ભાવનગર15513,36,060118
વડોદરા66822,58,50345
રાજકોટ67822,54,54349
સુરત329370,80,853550
જામનગર1339,77,11671
જૂનાગઢ389,83,6930

​​​​ભાવનગરમાં સતત બીજા દિવસે 40 કેસ નોંધાતાં ફફડાટ

ભાવનગરમાં દરરોજ વધતા જતા સંક્રમણ-કેસને પગલે સર્વત્ર ચિંતાનો માહોલ સર્જાયો છે. ભાવનગર જિલ્લામાં આજે સતત બીજા દિવસે પણ 40 કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે. શહેર અને જિલ્લામાં હાલમાં 155 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં 13 લાખ 36 હજાર 60 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યાં છે, જ્યારે 21 હજાર 203 દર્દી રિકવર થયા છે. હાલમાં શહેર અને જિલ્લામાં 118 લોકો ક્વોરન્ટીનમાં છે, જ્યારે અત્યારસુધીમાં 303 લોકોનાં મોત નીપજ્યાં છે.

જામનગર શહેર-જિલ્લામાં 20 કન્ટેન્મેન્ટ જાહેર કરાયાં
જામનગર શહેર જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 33 પોઝિટિવ કેસ નોંધાતાં ફફડાટ ફેલાયો છે. શહેર-જિલ્લામાં 20 કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યાં છે. જામનગરમાં હાલમાં 133 એક્ટિવ કેસ છે. અત્યારસુધીમાં 9 લાખ 77 હજાર 116 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. શહેર અને જિલ્લામાં કુલ 34 હજાર 631 દર્દી રિકવર થયા છે, જ્યારે 71 લોકો હાલમાં ક્વોરન્ટીનમાં છે. શહેર-જિલ્લામાં અત્યારસુધીમાં કુલ 483 લોકોનાં મોત થયાં છે.

જૂનાગઢ શહેરમાં એક જ દિવસમાં કોરોનાના કેસમાં 375 ટકાનો વધારો
જૂનાગઢ શહેરમાં માત્ર એક જ દિવસમાં કોરોનાના કેસમાં 375 ટકાનો વધારો છે. જૂનાગઢ જિલ્લામાં હાલ 38 કન્ટેન્મેન્ટ ઝોન અમલી બન્યા છે. શહેર અને જિલ્લામાં હાલમાં 38 એક્ટિવ કેસ છે. જ્યારે અત્યારસુધીમાં 9 લાખ 83 હજાર 693 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. એ ઉપરાંત અત્યારસુધીમાં 20 હજાર 318 દર્દીઓ રિકવર થયા છે. જૂનાગઢમાં ક્વોરન્ટીનમાં એકપણ વ્યક્તિ નોંધાઈ નથી, જ્યારે અત્યારસુધીમાં કુલ 272 લોકોનાં મોત થયાં છે.