નમસ્કાર,
આજે મંગળવાર છે, તારીખ 3 મે, વૈશાખ સુદ-ત્રીજ (અખાત્રીજ)
આ મહત્વપૂર્ણ ઘટનાઓ પર રહેશે નજર
1) આજે દેશભરમાં ઈદ-ઉલ-ફિતરની ઉજવણી કરવામાં આવશે 2) આજથી ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ, યમુનોત્રી અને ગંગોત્રીના કપાટ ખુલશે 3) આજે પરશુરામ જયંતિ, રાજ્યના અનેક વિસ્તારોમાં શોભાયાત્રા નીકળશે 4) આજે PM મોદી જર્મની, પ્રવાસ દરમિયાન 3 યુરોપિયન દેશોની મુલાકાત લેશે
હવે જોઈએ ગઈકાલના ખાસ સમાચાર
1) સુરતમાં ભાજપ કાર્યાલય પર વિરોધ કરવા આવેલા AAPના પ્રદેશ અધ્યક્ષ સહિત કાર્યકર્તાઓને ગડદાપાટુનો માર મરાયો
સુરત પાલિકામાં વિરોધ કરી રહેલા AAPના કોર્પોરેટર સહિતના કાર્યકર્તાઓને ગઈકાલે પોલીસ અને માર્શલોએ ખેંચી ખેંચીને બહાર કાઢ્યા હતા. આ સાથે એક કોર્પોરેટરનું ગળું દબાવ્યું હતું અને એક મહિલા કોર્પોરેટરનાં કપડાં પણ ફાડી નાખ્યાં હતાં, જેથી આજે AAP દ્વારા ભાજપ કાર્યાલય ખાતે વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન AAP અને BJPના કાર્યકરો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. AAPના પ્રદેશ અધ્યક્ષ ઈટાલfયા સહિતના કાર્યકરોને માર મારવામાં આવ્યો હતો.
2) અમરેલીના ખાંભા,સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ, રસ્તાઓ પર પાણી વહેતા થયા
રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ ગરમીના યલો એલર્ટ જાહેર થઈ રહ્યા છે. તેની વચ્ચે અમરેલી જિલ્લામાં આજે કમોસમી વરસાદ વરસતા આશ્ચર્ય સર્જાયું હતું. જિલ્લાના ખાંભા, સાવરકુંડલા અને રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા.ખાંભા પંથકમાં તો વરસાદની સાથે કરા પણ વરસ્યા હતા. કમોસમી વરસાદના કારણે લોકોને ગરમીમાં રાહત મળી હતી. તો બીજી તરફ ધરતીપુત્રોની ચિંતા વધી છે.
3) ભાજપના 1 કરોડથી વધુ કાર્યકરોને 3 દિવસનું વેકેશન, પ્રદેશ, જિલ્લા કે તાલુકા સ્તરે કોઈ કાર્યક્રમો નહીં યોજાય
ગુજરાતમાં આ વર્ષે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે આજથી ભાજપના કાર્યકરોને 3 દિવસનું વેકેશન આપવામાં આવ્યું છે. દેશમાં પહેલીવાર કોઈ રાજકીય પક્ષ દ્વારા આ રીતે પોતાના કાર્યકરો માટે વેકેશન આપવામાં જાહેર કરવામાં આવ્યું છે. વેકેશનના આ 3 દિવસ દરમિયાન પ્રદેશ, જિલ્લા કે તાલુકા સ્તરના કોઈ કાર્યક્રમો યોજવાની કે તેમાં ભેગા થવાની કાર્યકરોની સૂચના આપવામાં નહીં આવે. થોડા દિવસો પહેલા સી.આર પાટીલે કરેલી આ જાહેરાતથી 1 કરોડથી વધુ કાર્યકરો 3 દિવસ સુધી વેકેશન મોડ પર રહેશે.
4) ભરૂચ સિવિલ હોસ્પિટલમાં મોતનો મલાજો ન જળવાયો, આકરી ગરમી વચ્ચે કોલ્ડ સ્ટોરેજ બંધ રહેતા 5 મૃતદેહો કોહવાયા
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે. જેના કારણે 5 મૃતદેહો ડીકમ્પોઝ થઈ ગયા છે. જને લઈ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. બિનવારસી મૃતદેહને સન્માનજનક સાચવવામાં પણ ભરૂચ સિવિલ હોસ્પિટલનું તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યાં છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક દિવસથી કોલ્ડ સ્ટોરેજ બંધ છે. જેના કારણે 5 મૃતદેહો કોહવાઈ ગયા હતા. ઉંદરે વાયર કાપી નાખતા કોલ્ડ સ્ટોરેજ બંધ થયું હોવાનું જણાવી હોસ્પિટલ તંત્રએ લુલો બચાવ કર્યો હતો.
5) બર્લિનમાં જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝને મળ્યા મોદી, ડેલિગેશન લેવલની વાતચીતમાં થયા સામેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જર્મનીના પાટનગરમાં છે. તેમણે જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ સાથે મુલાકાત કરી હતી. બંનેએ ભારત અને જર્મનીના સંબંધો સુધારવા વિશે વાતચીત કરી હતી. ફેડરલ ચાન્સેલરમાં પીએમ મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામા આવ્યું હતું. બંને વચ્ચે ડેલિગેશન લેવલની મુલાકાત થઈ હતી. બીજી બાજુ ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ જર્મનીના વિદેશ મંત્રી એનાલેના બેરબોક સાથે વિવિધ મુદ્દા પર મીટિંગ કરી હતી. જયશંકરે કહ્યું કે, જર્મન વિદેશ મંત્રી એનાલેના બેરબોક સાથેની મુલાકાત સારી રહી. અમે રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રે ચર્ચા કરી હતી. બંને દેશોમા મંત્રાલય વચ્ચે સીધો સંપર્ક થઈ શકે તે માટે કરાર કરવામાં આવ્યા છે.
6) શાહના ઘરે કોલસા, વિજળી અને રેલ મંત્રીની હાઈલેવલની મીટિંગ; પાવર પ્લાન્ટ્સ સુધી કોલસો પહોંચાડવા પર ભાર: કોલ ક્રાઈસિસ પર એક્શનમાં સરકાર
કોલ ક્રાઈસિસ પર સોમવારે બપોરે ગૃહમંત્રી અમિત શાહના ઘરે મહત્વની બેઠક મળી રહી છે. આ મીટિંગમાં રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ, ઉર્જા મંત્રી આરકે સિંહ અને કોલસા મંત્રી પ્રહલાદ જોશી સામેલ છે. બેઠક માટે કોલસા અને ઉર્જા સચિવ સહિત અનેક મોટા અધિકારીઓને પણ બોલાવવામાં આવ્યા છે. હાલના દિવસોમાં વિજળી સંકટ પછી અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓએ કોલ ક્રાઈસિસનો મુદ્દો ઉઠાવ્યો હતો.
7) સરકાર લોકોને વેક્સિન લેવા માટે મજબુર કરી શકે નહીં; SCએ કહ્યું- આ કલમ 21ની વિરુદ્ધ છે: સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય
સુપ્રીમ કોર્ટે સોમવારે કહ્યું હતું કે કોઈપણ વ્યક્તિને વેક્સિન લેવા માટે દબાણ કરી શકાય નહીં. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે કેટલીક રાજ્ય સરકારો અને સંસ્થાઓ દ્વારા જાહેર સ્થળોએ વેક્સિન ન લીધી હોય તેવા લોકોના પ્રવેશ પર લાદવામાં આવેલી શરતો યોગ્ય નથી. વર્તમાન સંજોગોમાં એને પરત લેવો જાઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે વ્યક્તિને વેક્સિનેશન માટે દબાણ કરી શકાય નહીં. જસ્ટિસ એલ નાગેશ્વર રાવ અને જસ્ટિસ બીઆર ગવઈની ખંડપીઠે સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે આર્ટિકલ 21 હેઠળ વ્યક્તિની શારીરિક અખંડિતતાને મંજૂરી વીના ભંગ કરી શકાય નહીં. આવી સ્થિતિમાં દેશમાં વેક્સિનેશનને ફરજિયાત કરી શકાય નહીં.
8) પ્રશાંત કિશોર પોતાની પાર્ટી બનાવશે, કહ્યું- લોકોની વચ્ચે જવાનો સમય આવી ગયો, શરૂઆત બિહારથી
પહેલા ભાજપ પછી કોંગ્રેસ અને પછી JDU સહિત અલગ-અલગ રાજકીય પાર્ટીઓના ચૂંટણીલક્ષી સ્ટ્રેટેજિસ્ટ રહી ચૂકેલા પ્રશાંત કિશોર હવે બીજા માટે રણનીતિ બનાવશે નહિ. PK હવે પોતાની પાર્ટી માટે સ્ટ્રેટેજી તૈયાર કરશે. PKએ હવે આ તરફ ઈશારો કર્યો છે. તેમણે સોમવારે ટ્વીટ કરીને કહ્યું છે કે લોકોની વચ્ચે જવાનો સમય આવી ગયો છે. એની શરૂઆત બિહારથી થશે.
9) ચારધામ યાત્રા પર કોરોનાનું સંકટ, શ્રદ્ધાળુઓ નિયત સંખ્યામાં જ દર્શન માટે જઈ શકશે, આવતીકાલથી દ્વાર ખૂલશે, જાણો યાત્રાનું A ટુ Z
ચારધામ યાત્રા મંગળવારથી શરૂ થઈ રહી છે. અક્ષય તૃતીયા એટલે કે 3 મેના દિવસે ગંગોત્રી-યમુનોત્રી, 6 મેના રોજ કેદારનાથ અને 8 મેના રોજ બદ્રીનાથ ધામનાં દ્વાર ખૂલશે. આ વખતે 60 લાખથી વધુ મુસાફરો આવવાની શક્યતા છે.અત્યારસુધીમાં 2 લાખ 50 હજાર 213 મુસાફર રજિસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. સૌથી વધુ એક લાખથી વધુ મુસાફરોએ બાબા કેદારનાથનાં દર્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.કોરોનાના વધી રહેલા કેસને પગલે સરકારે દર્શન માટે કરવા થઈ રહેલા ભક્તોની સંખ્યા મર્યાદિત કરી દીધી છે. સરકારી નિર્દેશ મુજબ, બદ્રીનાથમાં પ્રત્યેક દિવસે 15000, કેદારનાથ ધામમાં 12,000, ગંગોત્રીમાં 7000, જ્યારે યમુનોત્રીમાં પ્રત્યેક દિવસે માત્ર 4000 શ્રદ્ધાળુ જ જઈ શકશે. આ વ્યવસ્થા આગામી 45 દિવસ સુધી લાગુ રહેશે.
મહત્ત્વપૂર્ણ સમાચારો માત્ર હેડલાઈનમાં
1) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આગામી 10 મેના રોજ ગુજરાતની મુલાકાતે, દાહોદમાં આદિવાસી સંમેલનને સંબોધશે 2) અમદાવાદમાં ભાજપ ખાનપુર કાર્યાલય ખાતે AAPના કાર્યકરો દેખાવ કરે તે પહેલા જ પોલીસે અટકાયત કરી લીધી 3) અમદાવાદમાં ઇદના તહેવારમાં કોઈ કાંકરીચાળો ન કરે એ માટે શહેર પોલીસનો એક્શન પ્લાન તૈયાર, ડ્રોનથી રખાશે નજર 4) રાજકોટમાં ઝાડા-ઉલ્ટીના 139 કેસ નોંધાયા, એક અઠવાડિયામાં શરદી, ઉધરસના કેસ પણ વધીને 210 થયા 5) ગાંધીનગર મનપાની ઓફિસમાં 3 સફાઈ-કામદારોએ ઝેરી દવા ગટગટાવી, અન્ય કામદારોએ દેકારો મચાવ્યો 6) રવિવારે દેશમાં કોરોનાના 3157 કેસ નોંધાયા, તેમાંથી અડધા માત્ર દિલ્હીના, અહીં પોઝિટિવિટી રેટ 5% નજીક 7) CBIએ ભાગેડુ વેપારી મેહુલ ચોકસી વિરૂદ્ધ 25 કરોડની છેતરપિંડીનો નવો કેસ દાખલ કર્યો 8) રશિયાને મોટો ઝટકો; પુતિનના બે વિશ્વાસુ લેફ્ટનન્ટમાંથી એકનું મોત, એક ઘાયલ 9) રાજ ઠાકરેએ ઈદના દિવસે મહાઆરતી કરવાનો નિર્ણય ટાળ્યો, હવે મુંબઈમાં મનસેએ લગાવ્યા અયોધ્યા ચલોના પોસ્ટર
આજનો ઈતિહાસ
ભારતના સિનેમા જગતના ઈતિહાસમાં 3 મેનો દિવસ યાદગાર રહ્યો, કેમકે આ દિવસે ભારતની પહેલી ફિલ્મ 'રાજા હરિશ્ચન્દ્ર' બોમ્બેમાં રજૂ થઈ.
અને આજનો સુવિચાર
જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે
તમારો દિવસ શુભ રહે, કાલે ફરી મળીશું...
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.