• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Education Minister Will Take Appropriate Decision After Meeting With Parents, If Nothing Comes Out Of The Meeting, Government Will Take Decision: Nitin Patel

સ્કૂલ ફીમાં રાહત આપવાનો મામલો:શિક્ષણમંત્રી વાલીમંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે, જો બેઠકમાંથી કંઈ નીકળે નહીં તો સરકાર નિર્ણય લેશેઃ નીતિન પટેલ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી - ફાઇલ તસવીર - Divya Bhaskar
નીતિન પટેલ, નાયબ મુખ્યમંત્રી - ફાઇલ તસવીર

કોરોના મહામારીને કારણે 6 મહિનાથી સ્કૂલો બંધ છે અને ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે, પરંતુ લોકડાઉનને કારણે વાલીઓની આર્થિક આવકને ફટકો પડ્યો હોવાથી હાલ તેઓ ખાનગી સ્કૂલોની ફી ભરવાની સ્થિતિમાં નથી. બેફામ બનેલા ખાનગી સ્કૂલસંચાલકો ફીમાં રાહત આપવા તૈયાર નથી. આ મામલે આજે નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે શિક્ષણમંત્રી વાલીમંડળ સાથે બેઠક કરી યોગ્ય નિર્ણય લેશે અને જો બેઠકમાં કંઈ નિષ્કર્ષ પર ન પહોંચી શકાય તો સરકાર નિર્ણય કરશે.

ગઈ કાલે હાઇકોર્ટે નિર્ણય કરવા આદેશ આપ્યો હતો
આ અંગે આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતાં સરકારને કહ્યું હતું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

હાઈકોર્ટે કહ્યું, અમને શા માટે મધ્યસ્થી બનવા કહો છો?
ફી ઘટાડવા બાબતે મધ્યસ્થી બનવા સરકારે કરેલી અરજી સંબંધમાં હાઈકોર્ટે એવું પણ તારણ કર્યું હતું કે સરકાર પોતે કેમ નિર્ણય લેતી નથી અને અમને મધ્યસ્થી બનાવવા માગે છે. હાઈકોર્ટે મધ્યસ્થી શા માટે બનવું જોઈએ અને સરકાર આ માટે પોતે જ નિર્ણય લે અને તેનો અમલ કરે. આ તારણો સાથે હાઈકોર્ટે મધ્યસ્થી બનવા અંગેની સરકારની અરજીનો નિકાલ કહ્યો હતો. હાઈકોર્ટે ફી ઘટાડવા અંગેનો અંતિમ નિર્ણય પણ સરકાર પર જ છોડ્યો હતો.

હાઈકોર્ટના ચુકાદાની નકલ મળ્યા બાદ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા કરીશું: શિક્ષણમંત્રી
હાઈકોર્ટના આ નિર્ણય અંગે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે ગુજરાત હાઇકોર્ટે રાજ્યમાં સ્કૂલોની ફી અંગે આપેલા ચુકાદાની નકલ રાજ્ય સરકારને મળતાં મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે તેઓ આ ચુકાદા સંદર્ભે બેઠક કરશે. આ બેઠકમાં ચર્ચા-વિચારણા કરીને રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે.

ટ્યૂશન ફીમાં વધુમાં વધુ રાહત મળે એવો નિર્ણય લેવા વાલીઓની માગ
જ્યારે વાલીમંડળના પ્રમુખ નરેશ શાહે જણાવ્યું હતું કે 25 ટકા ટ્યૂશન ફી ઘટાડા બાબતે સરકાર દ્વારા હાઈકોર્ટમાં સ્કૂલસંચાલકો વિરુદ્ધ કરવામાં આવેલ અરજીની સુનાવણી થતાં ગુજરાત સરકાર, સ્કૂલ સંચાલકો તથા ઓલ ગુજરાત વાલીમંડળે કરેલી રજૂઆતોને ધ્યાનમાં રાખી કોર્ટે સરકારને ગુજરાતમાં ચાલતી તમામ સ્કૂલોની ટ્યૂશન ફી સ્કૂલે પૂર્ણ રૂપે ચાલુ ન થાય ત્યાં સુધી ફી ઘટાડવા બાબતે નિર્ણય લેવાની તમામ સત્તાઓ છે તેવું જણાવી સરકારને સત્વર નિર્ણય કરવા નિર્દેશ કર્યો છે. સ્કૂલસંચાલકો દ્વારા ઉઘરાવવામાં આવતી ટ્યૂશન ફી સિવાયની તમામ ફી સરકાર અને હાઈકોર્ટ દ્વારા અગાઉથી જ માફ કરવામાં આવી છે, જેથી સ્કૂલો પૂર્ણ રૂપે શરૂ ન થાય ત્યાં સુધી ટ્યૂશન ફી બાબતે વધુમાં વધુ રાહત મળી રહે તેવો નિર્ણય લેવા વાલીઓની માગ છે.