શિક્ષણમંત્રી સામે હાઇકોર્ટ લાલઘુમ:વાઘાણી બોલ્યા-'અમે પણ સ્કૂલમાં શિયાળામાં ખુલ્લામાં જ ભણતા'; હાઈકોર્ટે કહ્યું-'મંત્રીનું નિવેદન શરમજનક અને આઘાતજનક'

અમદાવાદએક મહિનો પહેલા
શિક્ષણમંત્રી જિતુ વાઘાણી.
  • જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતાં સુઓમોટો દાખલ કરી
  • કેબિનેટ કક્ષાના મંત્રી જિતુ વાઘાણીનું આ નિવેદન શરમજનક અને આઘાતજનકઃ હાઈકોર્ટ
  • છોટાઉદેપુરના વાગલવાડમાં સ્કૂલ તૂટેલું બિલ્ડિંગ ફરી ન બનાવતા કોર્ટે ગંભીર નોંધ લીધી

રાજ્યની સરકારી પ્રાથમિક સ્કૂલોમાં બિલ્ડિંગના અભાવે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સ્થિતિની ગુજરાત હાઈકોર્ટે સૌથી મહત્ત્વપૂર્ણ અને ગંભીર નોંધ લીધી છે. છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલનું બિલ્ડિંગ ધરાશાયી થયા બાદ ખુલ્લામાં ભણી રહેલા વિદ્યાર્થીઓની સ્થિતિ અંગે શિક્ષણમંત્રી વાઘાણીએ આપેલા 'અમે પણ શિયાળામાં ખુલ્લામાં જ ભણતા' નિવેદનને હાઇકોર્ટે શરમજનક ગણાવ્યું છે તેમજ રાજ્ય સરકારને નોટિસ પાઠવી શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરની કક્ષાના અધિકારીને કોર્ટ સમક્ષ પ્રત્યક્ષ હાજર રહી રિપોર્ટ આપવા માટે આદેશ કર્યો છે.

ખુલ્લામાં ભણતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ નથીઃ કોર્ટ
એક અંગ્રેજી અખબારમાં છોટાઉદેપુર જિલ્લાની એક સ્કૂલ વિદ્યાર્થીઓ ખુલ્લામાં અભ્યાસ કરી રહ્યા હોવાનો અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે, જેને લઈ જસ્ટિસ પારડીવાલા અને નિરલ મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લેતાં સુઓમોટો દાખલ કરી છે. આ બાબતે હાઇકોર્ટે બાળકોના ભણતરની સમસ્યાનો મુદ્દો ગંભીર હોવાનું અવલોકન કર્યું છે કે શિયાળાની ઠંડીમાં સ્કૂલની તૂટેલી ઇમારતને કારણે બાળકો ખુલ્લામાં ભણવા માટે મજબૂર બને એ ચલાવી લેવાય નહિ, કારણ કે ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પાસે ઠંડીથી બચવા માટે પૂરતાં કપડાં પણ નથી. કો

હાઇકોર્ટે નોંધ્યું છે કે 2020માં વરસાદને કારણે સ્કૂલનું બાંધકામ તૂટી ગયું હતું. આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગને રજૂઆત પણ કરવામાં આવી હતી, પરંતુ કોઈ પગલાં લેવામાં આવ્યાં ન હતાં, જેની સામે કોર્ટે ગંભીર નોંધ લેતાં રાજ્ય સરકાર અને કેબિનેટ કક્ષાના શિક્ષણમંત્રી સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે.

શિક્ષણમંત્રી વાઘાણીના આ નિવેદન અને વર્તનને જસ્ટિસ પરડીવાલાએ શરમજનક અને આઘાતજનક તેમજ વિચલિત કરનારું ગણાવીને શિક્ષણ મંત્રી સામે આકરી ટકોર કરી છે.

અધિકારીને કોર્ટમાં રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ
આ બાબતે હાલની સ્કૂલનું નવું બિલ્ડિંગ 6 મહિનામાં બનાવવા સરકારને વચગાળાનો હુકમ કર્યો છે, સાથે જ શિક્ષણ વિભાગના એડિશનલ સેક્રેટરીથી ઉપરના અધિકારીને કોર્ટમાં રૂબરૂ હાજર રહી આગામી મુદતે આ અંગેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે. સાથે જ રોડ એન્ડ બિલ્ડિંગ વિભાગના એડિશનલ સેક્રેટરીને પણ આગામી સુનાવણીમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચ સમક્ષ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે.

ખુલ્લામાં ભણવાને લઈ શિક્ષણમંત્રીએ શું કહ્યું હતું
16 ડિસેમ્બરના રોજ વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યૂઅલ સંબોધનમાં હાજરી આપવા આવેલા શિક્ષણમંત્રી જિતુ વાઘાણીને પત્રકારોએ પૂછ્યું કે છોટાઉદેપુર વાગલવાડા ગામની સ્કૂલનું બિલ્ડિંગ ચોમાસામાં ધરાશાયી થઈ ગયા બાદ હજુ બની નથી, જેથી વિદ્યાર્થીઓ કડકડતી ઠંડીમાં ભણવા માટે મજબૂર છે. જેના જવાબમાં શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, જ્યાં જ્યાં શાળાના ઓરડાઓની માંગણી થઈ છે, ત્યાં કાર્યવાહીઓ થઈ રહી છે, કેટલીકવાર શિયાળામાં ખુલ્લામાં બેસાડવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકારે બેસવાની વ્યવસ્થા અને જ્યાં ઓરડા નથી ત્યાં એ ગામોમાં પણ વ્યવસ્થા કરી છે. શિયાળામાં હું પણ ભણતો હતો, ત્યારે ખુલ્લામાં વિદ્યાર્થી તરીકે બેસાડતા હોય છે, એને અલગ રીતે લેવાની આવશ્યકતા નથી.

2020માં છોટાઉદેપુરના વાગલવાડાની સ્કૂલ આજસુધી બની નથી
છોટાઉદેપુર જિલ્લાથી 20 કિલોમીટરના અંતરે આવેલા અંતરિયાળ આદિવાસી વિસ્તારનાં વાગલવાડા ગામની 2020ના ચોમાસામાં તૂટ્યા પછી આજદિન સુધી સ્કૂલ બની જ નથી. કોરોનાને કારણે દોઢ વર્ષ સુધી રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરાઇ હતી અને હવે સરકાર દ્વારા ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવામાં આવ્યું છે, ત્યારે વાગલવાડા ગામમાં સ્કૂલની સુવિધા ન હોવાથી શિક્ષક મિઠ્ઠલભાઈ રાઠવા મધ્યાહન ભોજનમાં નોકરી કરતા બહેનના ઘરે બાળકોને બોલાવી શિક્ષણ પૂરું પાડે છે અને કોઈપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેની પુરતી તકેદારી રાખી પોતાના શિક્ષક તરીકેની ફરજ અદા કરી રહ્યાં છે.

લોકોનું કહેવું છે કે ગામના વાલીઓ અભણ છે જેથી તેમણે તેમના બાળકોની ચિંતા છે કે, દુનિયા આજે પ્રગતિ તરફ હરણફાળ ભરી રહી છે ત્યારે તેમનું બાળક પાછળ ન રહી જાય તેની વાલીઓને ચિંતા તો છે પણ તંત્રને જાણે કોઈ જ ફિકર નથી.

બિલ્ડિંગ કે ક્લાસરૂમ નહીં ધરાવતી સ્કૂલો પર સરકાર ધ્યાન આપે છે : શિક્ષણમંત્રી
16 ડિસેમ્બરે વડોદરામાં નેચરલ ફાર્મિંગ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચ્યૂઅલ સંબોધનમાં હાજરી આપવા આવેલા શિક્ષણમંત્રી જીતુ વાઘાણીને છોટાઉદેપુર પાસેની સ્કૂલ બિલ્ડિંગ અંગે પૂછાતાં તેમણે કહ્યું હતું કે, જે જે સ્થળે સ્કૂલમાં ક્લાસ બનાવવાની માગણી કરવામાં આવી છે ત્યાં કાર્યવાહી ચાલી રહી છે. સરકારે વ્યવસ્થાનો અભાવ ધરાવતી સ્કૂલો પર ધ્યાન આપ્યું છે.

ગરીબ બાળકો પાસે ગરમ કપડાં નથી છતાં કડકડતી ઠંડીમાં ખુલ્લામાં ભણવું પડે છે
ખંડપીઠે એવી ટકોર કરી હતી કે,પ્રાઇમરી સ્કૂલનું મકાન વર્ષ 2020માં વરસાદમાં તૂટી પડ્યા બાદ તેને ફરીથી બનાવવા કોઇએ ધ્યાન આપ્યું નથી. કડકડતી ઠંડીમાં બાળકોને ખુલ્લાં મેદાનમાં બેસાડાય છે. મોટાભાગના આદિવાસી બાળકો પાસે ગરમ કપડાં પણ નથી. આ અંગે સ્કૂલ બિલ્ડિંગ ફરીથી બનાવવા ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન એડમિનિસ્ટ્રેશન, શિક્ષણ વિભાગને અનેક રજૂઆત કરવા છતાં કંઈ થયું નથી.

કેબિનેટ કક્ષાના મિનિસ્ટર હોવા છતાં બેજવાબદાર નિવેદન થાય છે: હાઇકોર્ટ
હાઇકોર્ટે એવી ટકોર કરી છે કે, કેબિનેટ કક્ષાના મિનિસ્ટર થઇને જાહેરમાં બાળકોની સ્કૂલ મામલે શરમજનક નિવેદનો કરે છે. તેની કોર્ટે ગંભીર નોંધ લીધી છે. સ્કૂલના ટીચર્સે પણ અનેક વખત શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે, પરતું કોઇ પગલાં લેવાને બદલે શિક્ષણમંત્રી બેજવાબદાર નિવેદનો કરે તે શરમજનક છે. કોર્ટે સમગ્ર પ્રકરણની અત્યંત ગંભીરતાથી નોંધ લીધી હતી.