રાજ્ય સરકારે પ્રાથમિક સ્કૂલોના ભૂલકાઓના શિક્ષણ માટે મહત્વનો નિર્ણય લેતાં આવતીકાલ એટલે કે 22 નવેમ્બરથી રાજ્યભરમાં સરકારી અને ખાનગી પ્રાથમિક સ્કૂલોના ધો. 1 થી 5ના પ્રત્યક્ષ શિક્ષણકાર્ય-ઓફલાઈન વર્ગો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જો કે હાજરી મરજીયાત રાખવામાં આવી છે. સ્કૂલોમાં કોરોનાની ગાઇડલાઈનનું પાલન કરવું પડશે. તેમજ ઓફલાઇન વર્ગો માટે વાલીઓએ સંમતિ પત્રક આપવું પડશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા વર્ષ 2020માં કોરોના સંક્રમણની શરૂઆત થતા રાજ્યમાં 15 માર્ચ, 2020થી સ્કૂલો બંધ કરવામાં આવી હતી. આમ હવે 20 મહિના બાદ ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે.
કોરોના કાબૂમાં આવતા સ્કૂલો ખોલવાનો નિર્ણય કર્યો
આ અંગે સુરતના સર્કિટ હાઉસ ખાતે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં શિક્ષણમંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્ય સરકારની અસરકારક કામગીરીને પરિણામે વૈશ્વિક મહામારી કોરોનાના સંક્રમણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, ત્યારે રાજ્યના વિદ્યાર્થીઓનુ શિક્ષણ બગડે નહીં એ માટે રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં આવતીકાલ 22મી નવેમ્બરથી સ્કૂલોમાં ધો.1 થી 5ના વર્ગો શરૂ કરવાનો મહત્વનો નિર્ણય કર્યો છે. બાલમંદિર અને આંગણવાડીના ભૂલકાઓને શિક્ષણ માટે આગામી સમયમા યોગ્ય નિર્ણય કરાશે.
શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ
શિક્ષણમંત્રીએ સુરત ખાતે મીડિયાને માહિતી આપતા કહ્યુ કે, શિક્ષણવિદ્દો, વિદ્યાર્થીઓની માંગણી અને લાગણી તેમજ હાલના કોરોના સંક્રમણમાં થઈ રહેલા ઘટાડાને જોતાં શિક્ષણકાર્ય માટે વર્તમાન માહોલ અનુકુળ હોવાનું જણાય છે. બાળકોનું શિક્ષણ બગડે નહીં, અને ફરી એક વાર શિક્ષણયાત્રાનો નવેસરથી પ્રારંભ થાય એ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળ રાજ્ય સરકારના પરામર્શમાં રહી ભૂલકાઓના શિક્ષણકાર્યને પુન: વેગ આપવાનો નિર્ણય કરવાંમાં આવ્યો હોવાનું તેમણે કહ્યું હતું.
ઓનલાઇન શિક્ષણની બાળક માનસ પર વિપરીત અસર
શિક્ષણવિદ અલ્કેશ પટેલના જણાવ્યા અનુસાર ધોરણ 3 થી 9 વર્ષના બાળકોની હાલની મનોસ્થિતિ ઉપર ખૂબ જ વિપરીત અસર પડી છે. ઓનલાઈન શિક્ષણ આ ઉંમરના બાળકો માટે ખાસ અસરકારક રહ્યું જ નથી. આવા બાળકો સતત મોબાઈલમાં કે ઇલેકટ્રોનિકસ ઈન્સ્ટ્રુમેન્ટ સાથે એકાગ્રતાથી કામ કરી શકતા નથી. વાલીઓને બાળકો પાસે બેસવાનો સમય નથી, જેથી બાળકો સ્કૂલ દ્વારા ઓનલાઈન આપવામાં આવતા શિક્ષણથી દૂર રહે છે. તેમની માનસિક પરિસ્થિતિ શાળામાંથી મોકલવામાં આવતા વિડીયો કે ઓનલાઈન શિક્ષણને બરોબર સમજી શકવાની નથી.
બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે
રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઇ રહ્યો છે ત્યારે શિક્ષણ વિભાગ દ્રારા તબક્કાવાર શાળાઓ શરૂ કરવા અંગેની કામગીરી શરૂ કરી હતી,.તેમ છતાં ધોરણ 1 થી 5 ના શિક્ષણ શરૂ થઈ શક્યું નથી, અને રાજ્યના વાલીઓ થી લઈને સંચાલકો દ્વારા પ્રાથમિક શાળા શરૂ કરવા સરકાર પર દબાણ વધી રહ્યું હતું, કેમકે પ્રાથમિક શાળા ના બાળકો છેલ્લા બે વર્ષથી ઓનલાઇન શિક્ષણ મેળવી રહ્યા છે હવે વર્ગખડં શિક્ષણનો પ્રારભં પહેલી ડિસેમ્બરે થાય તેવી શક્યતા છે.
ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ થયા
આ પહેલાં રાજ્ય સરકારની જાહેરાત બાદ રાજ્યની શાળાઓમાં ધોરણ 6થી 8ના વર્ગો 2 સપ્ટેમ્બરથી શરૂ કરવામાં આવ્યા હતા, જેમાં 50 ટકાની સંખ્યા સાથે વર્ગો શરૂ કરવા અંગે મંજૂરી આપવામાં આવી છે. આ સાથે 9થી 12ના વર્ગો ચાલે છે એ પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ, ફરજિયાત માસ્કના નિયમો પણ પાલન કરવામાં આવી રહ્યું છે. સ્કૂલો દ્વારા હેન્ડ વોશ અને સેનિટાઇઝરની વ્યવસ્થા પૂરી પાડવામાં આવી રહી છે. ઓફલાઇન સાથે ઓનલાઈન શિક્ષણ પણ ચાલુ જ છે. સરકાર તરફથી સૂચનાઓનું સરકારી અને ખાનગી શાળાઓએ પાલન કરવાનું રહેશે.
પ્રિ-પ્રાઇમરી અંગે યોગ્ય સમયે નિર્ણય લેવાશે
ધો. 1 પહેલાના સિનિયર અને જુનિયર કે.જી. એવા
પ્રિ-પ્રાઇમરી સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે પણ યોગ્ય સમયે નિર્ણય લેવાશે. હાલના તબક્કે ડીઇઓની મંજૂરી લઇને પ્રિ-પ્રાઈમરી શરૂ કરવામાં આવે છે, પણ ન્યુ એજ્યુકેશન પોલિસીમાં તેનું પણ રજિસ્ટ્રેશન કરાશે તેમ વાઘાણીએ કહ્યું હતું.
જે બાળક જ્યાંથી ભૂલ્યું હશે, તેને ત્યાંથી શીખવવામાં આવશે
કોરોના વાયરસ મહામારીને કારણે છેલ્લા બે વર્ષથી બાળકો સિનિયર કે જુનિયર કે.જી.માં અભ્યાસ કર્યો નથી. આ બાળકો સીધા જ ધોરણ-1માં પ્રવેશ લઇ લીધો છે. એવી જ રીતે કેટલાક બાળકોએ ધોરણ-1માં અભ્યાસ કર્યો નથી અને ધોરણ-2માં પ્રવેશ મેળવી લીધો છે. જેથી આવી સ્થિતિને ધ્યાને રાખી એક કમિટી બનાવાઈ છે. જેમાં મનોચિકિત્સકો,ડોકટરો અને શિક્ષણના તજજ્ઞો છે. આ કમિટીના રિપોર્ટના સૂચન આધાર પર જે બાળક જ્યાંથી ભૂલ્યો કે અટક્યો હશે તો તેને ત્યાંથી શીખવવામાં આવશે.
સ્કૂલો અને વાલીઓએ આ બાબતોનું ધ્યાન રાખવું પડશે
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.