ગેસ્ટ એડિટરની કલમે:જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરવા માટે અગત્યનું પરિબળ શિક્ષણ છેઃ કિંજલ દવે

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગેસ્ટ એડિટર - કિંજલ દવે, ગાયિકા - Divya Bhaskar
ગેસ્ટ એડિટર - કિંજલ દવે, ગાયિકા

આપણા સહુના જીવનમાં શિક્ષણ મહત્ત્વનો ભાગ ભજવે છે. સુશિક્ષિત હોવું એ આજના યુગની જરૂરિયાત બની ગઇ છે. ખરેખર તો શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ માણસને માનવમાંથી મહામાનવ બનાવવાનો છે. શિક્ષણનું બીજું નામ કેળવણી પણ છે. કેળવણી થકી વ્યક્તિના ચારિયનું નિર્માણ થઇ શકે છે. અણઘડ પથ્થરને ઘડીને શ્રેષ્ઠ શિલ્પમાં પરિવર્તન કરવાની પ્રક્રિયા એટલે જ શિક્ષણ. શિક્ષણ જીવનમાં દીવાદાંડીનું કામ કરે છે. તે દિશાહીન માણસને દિશાસૂચન કરીને સફળતાની ટોચ સુધી પહોંચાડે છે, પણ આજના હાઇટેક યુગમાં શિક્ષણ ફક્ત પરીક્ષાલક્ષી બનતું જાય છે. આધુનિક શિક્ષણ બાળકને જીવનઘડતર માટેની યોગ્ય તાલીમ આપી શકતું નથી અને એટલે બાળકનાં જીવનઘડતરનો અને ચારિયનિર્માણનો પ્રશ્ન માબાપ માટે ચિંતાનો વિષય બની ગયો છે.

આવું કેમ? આનાં ઘણાંબધાં કારણો હોઇ શકે પણ તેમાંનું એક કારણ માતાપિતાની પોતાની પરિપક્વતાનો અભાવ હોઈ શકે એવું હું માનું છું. જ્યાં સુધી આપણે પોતે જ આપણા ચરિત્રને ઉન્નત ન બનાવી શકીએ ત્યાં સુધી આપણે આપણાં સંતાનોનું ચારિયનિર્માણ નહીં કરી શકીએ. નવી પેઢીના ટેક્નોસેવી બાળકોને શિખામણો આપીને કે સૂચનાઓ આપીને આપણે કશું શીખવી શકતા નથી. એ તો પોતાનાં માતાપિતાનાં ચારિયમાંથી જ શીખતા હોય છે. દરેક માતાપિતા એવું ઇચ્છે છે કે પોતાનું સંતાન માણસમાંથી મહામાનવ કે મહાપુરુષ બને. આવું બની શકે પણ કેવી રીતે? ઉત્તમ ચારિયના ઘડતર માટે શ્રેષ્ઠ શિક્ષણ અનિવાર્ય છે. ઉમદા શિક્ષણથી બાળકનું, સમાજનું અને રાષ્ટ્રનું નિર્માણ થઇ શકે છે.

એક જાણીતો પ્રસંગ છે, ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન વૈજ્ઞાનિક સ્વ. ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામને એક વાર કોઇએ પૂછ્યું, ‘તમારા જીવનઘડતર માટે તમે કોને જવાબદાર માનો છો?’ ત્યારે ડૉ. કલામે સરસ વાત કરી, ‘મારી માતાને’. તેમનો આવો જવાબ સાંભળીને પૂછનારને નવાઇ લાગી. તેણે ડો. કલામને ફરી પૂછ્યું, ‘તમારી માતા અભણ હતાં તો પછી તમારા જીવનઘડતરમાં તે કેવી રીતે ભાગ ભજવી શક્યા ?’ એ વખતે ડૉ. એ. પી. જે. અબ્દુલ કલામે સુંદર જવાબ આપ્યો, ‘મારી માતા અભણ હતાં એ સાચું, પણ જીવનમૂલ્યોનું અને નીતિનું શિક્ષણ મને તેમની પાસેથી મળ્યું છે. મારી માતા અભણ હતાં, એટલે તેમણે મને ગણિત, વિજ્ઞાનના અભ્યાસના વિષયો કે પાઠ નહોતાં શીખવ્યાં, પણ જીવન-વિજ્ઞાનના સિદ્ધાંતો શીખવવામાં તેઓ સફળ રહ્યાં હતાં. તેમણે મને હંમેશાં શીખવ્યું છે કે, બેટા! મુશ્કેલીઓથી ડરીશ નહીં. નિઃસ્વાર્થભાવે કર્મ કરજે. પુરુષાર્થ કરવા કદી પાછી પાની ન કરીશ. નિષ્ફળતાથી ડરતો નહીં અને હંમેશાં પ્રામાણિક રહેજે. માતાએ આપેલાં જીવનઘડતરના આ સિદ્ધાંતો અને તાલીમ દ્વારા હું જીવનમાં સફળતા મેળવી શક્યો.’

ડો. કલામસાહેબ જેવું શ્રેષ્ઠ જીવનઘડતર કરતી આવી ઉપયોગી કેળવણી શિક્ષણ માત્ર શાળાકીય શિક્ષણ દ્વારા થઈ ન શકે. તેથી દરેક માતાપિતાએ પોતાનાં સંતાનને ઉમદા શિક્ષણ આપવાની સાથોસાથ જીવનઘડતર માટે જરૂરી એવી કેળવણી માટેનું સૌ પ્રથમ માધ્યમ બનવું જોઇએ. તેમનામાં રહેલી ઉત્તમ સર્જનાત્મકતાને ખીલવવા માટે શિક્ષણ ઉપયોગી નીવડે છે.

અન્ય સમાચારો પણ છે...