દેશમાં ઉદ્યોગસાહસિકતાના શિક્ષણ ક્ષેત્રે અગ્રેસર આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (ઇડીઆઇઆઇ)એ શુક્રવારે તેના વિશાળ કેમ્પસમાં 21માં પદવીદાન સમારોહનું ભવ્ય આયોજન કર્યું હતું. તેમાં કુલ 147 વિદ્યાર્થીઓને ડિપ્લોમા અને ફેલો એનાયત કરાયા હતાં, જેમાં 139 પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા અને મેનેજમેન્ટમાં 8 વિદ્યાર્થીઓને ફેલો સામેલ હતાં. આ પ્રસંગે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને ગુજરાતના ભુતપૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા તેમણે પદવીદાન સમારોહને સંબોધન કર્યું હતું. રાજ્યપાલે ગ્રેજ્યુએટ થયેલાં વિદ્યાર્થીઓને સ્કોલોસ્ટિક મેડલ્સ પણ એનાયત કર્યાં હતાં. ઇડીઆઇઆઇના પ્રેસિડેન્ટ તથા આઇડીબીઆઇ બેંક લિમિટેડના એમડી અને સીઇઓ રાકેશ શર્માએ કાર્યક્રમની અધ્યક્ષતા કરી હતી.
આ પ્રસંગે ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ રાજ્યપાલનું સ્વાગત કર્યું હતું. તેમજ ગુજરાત અને ઉત્તર પ્રદેશમાં યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સહિત વિવિધ ટાર્ગેટ ગ્રૂપ વચ્ચે ઉદ્યોગસાહસિકતાને મજબૂત કરવા ઇડીઆઇઆઇએ હાથ ધરેલી કેટલીક પ્રવૃત્તિઓ હાઇલાઇટ કરી હતી. આનંદીબેન પટેલે પદવીદાન સમારોહમાં તેમના પ્રેરણાદાયી વક્તવ્યમાં કહ્યું હતું કે, “મને આનંદ છે કે એક સમાજ તરીકે આપણે ઉદ્યોગસાહસિકતાને કારકિર્દીના બીજા વિકલ્પોના સમકક્ષ મૂકવા કેન્દ્રિત પ્રયાસો હાથ ધર્યાં છે. ઉદ્યોગસાહસિકતાને કારકિર્દીના એક સ્વાભાવિક વિકલ્પ તરીકે પ્રોત્સાહિત કરવાની જરૂર છે અને તેને શિક્ષણનો એક હિસ્સો બનવો જોઇએ કે જ્યાં વિદ્યાર્થીઓ નાની ઉંમરેથી જ સફળતાના ગુણો અને મૂલ્યો ગ્રહણ કરે, જેના થકીતેઓ ઉદ્યોગસાહસિકતાને કારકિર્દીના સ્વભાવિક વિકલ્પ તરીકે પસંદ કરવા પ્રેરાય.”
ઉદ્યોગસાહસિકતા માટેના આજના સાનુકૂળ માહોલ વિશે વાત કરતાં રાજ્યપાલે ઉમેર્યું હતું કે, “ભારત તેની વૃદ્ધિમાં ઉદ્યોગસાહસિકોના મહત્વને સમજે છે અને તેને પ્રોત્સાહન આપે છે. આ માટે દેશમાં સક્રિય પગલાં, અનુકૂળ નીતિઓ અને સહયોગી વાતાવરણ તૈયાર કરાયું છે. લખનઉમાં યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે હું યુવાનોને ઇનોવેશન, ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સના મહત્વથી પરિચિત કરાવવાનો પ્રયાસ કરી રહી છું, કારણકે આ ક્ષેત્રો દેશનું ભવિષ્ય છે.”
ઇન્સ્ટિટ્યૂટના આધુનિક પ્રોગ્રામને હાઇલાઇટ કરતાં રાજ્યપાલે વધુમાં જણાવ્યું હતું કે, “ઇડીઆઇઆઇનો અભ્યાસક્રમ અને શૈક્ષણિક પદ્ધતિઓ સમકાલીન છે તથા તેના 78 ટકા ભુતપૂર્વ વિદ્યાર્થીઓએ બિઝનેસમાં હાંસલ કરેલી સફળતામા તે પ્રદર્શિત થાય છે. ઇડીઆઇઆઇમાં પ્રશિક્ષિત કેટલાંક ઉદ્યોગસાહસિકોએ પ્રતિષ્ઠિત પ્લેટફોર્મ્સ ઉપર એવોર્ડ મેળવ્યાં છે.”
ઇડીઆઇઆઇના પ્રેસિડેન્ટ તથા આઇડીબીઆઇ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઇઓ રાકેશ શર્માએ તેમના સ્વાગત પ્રવચનમાં ઉદ્યોગસાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઇન્સ્ટિટ્યૂટના પ્રયાસો ઉપર ભાર મૂકતાં કહ્યું હતું કે, “ઇડીઆઇઆઇ ઇનોવેટિવ મોડલ્સ દ્વારા વિવિધ સેગમેન્ટ્સ અને સેક્ટર્સમાં ઉદ્યોગસાહસિકતા અને સ્ટાર્ટ-અપ્સને પ્રોત્સાહન આપી રહ્યું છે. તેની માટે ઇન્સ્ટિટ્યૂટ ઉભરતાં ઉદ્યોગસાહસિકો, વર્તમાન ઉદ્યોગસાહસિકો, ઇન્ક્યુબેશન સેન્ટર્સ, વેન્ચર કેપિટાલિસ્ટ્સ અને નીતિ ઘડવૈયાઓ જેવાં હીતધારકો વચ્ચે રચનાત્મક સંકલન પણ કરી રહ્યું છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “આજે, ઇડીઆઇઆઇના પ્રયાસોના સકારાત્મક પરિણામો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે જોવા મળી રહ્યાં છે. ઇન્સ્ટિટ્યૂટ કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિવિધ મંત્રાલયો અને વિભાગો સાથે કામ કરી રહી છે તેમજ દેશમાં વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મજબૂત ઉપસ્થિતિ ધરાવે છે. તાજેતરમાં ઉઝબેકિસ્તાન અને રવાન્ડામાં આંત્રપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ સેન્ટર્સની સ્થાપના સાથે વિકસિત દેશોમાં આવા સેન્ટર્સની સંખ્યા વધીને 6 થઇ છે. ભુટાન અને બીજા ચાર આફ્રિકન દેશોમાં સેન્ટર્સ સ્થાપવાનું કામ પ્રગતિમાં છે.”
શર્માએ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓની સિદ્ધિઓની પ્રશંસા કરતાં ઉમેર્યું હતું કે, “ઇડીઆઇઆઇના વિદ્યાર્થીઓએ ટેક્સટાઇલ્સ, સિરામિક, આઇટીઇએસ, ફૂડ પ્રોસેસિંગ, લોજીસ્ટિક્સ, કેમિકલ્સ, હોસ્પિટાલિટી અને બીજા ઉભરતાં સેક્ટર્સમાં તેમની વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી છે.”
ઇડીઆઇઆઇના ડાયરેક્ટર જનરલ ડો. સુનિલ શુક્લાએ રાજ્યપાલ અને બીજા મહાનુભાવોનો આભાર વ્યક્ત કર્યો હતાં તથા નવા ઉદ્યોગસાહસિકોને ક્રાઇસિસ મેનેજમેન્ટની સમજણ કેળવવા અને નવી ટેક્નોલોજી અપનાવવાની તૈયાર રાખતા સર્વગ્રાહકી આકસ્મિક યોજના તૈયાર રાખવાની સલાહ આપી હતી.
ડો. સુનિલ શુક્લાએ કહ્યું હતું કે, “દેશને પ્રશિક્ષિત ઉદ્યોગસાહસિકોની જરૂર છે કે જેઓ ઉભરતાં ક્ષેત્રોમાં ન્યુ એન્ટરપ્રાઇઝ ક્રિએશનને આગળ વધારવા ઇચ્છુક હોય. આજે નીતિઓ અને માહોલ ખૂબ જ અનુકૂળ છે. વિદ્યાર્થીઓ માટે ઘણી લાભદાયી તકો છે કે જ્યાં તેઓ તેમના જ્ઞાન, કૌશલ્યો અને દ્રષ્ટિકોણની મદદથી એક ઉદ્યોગસાહસિક તરીકે મોટું કામ કરી શકે છે.”
ઉલ્લેખનીય છે કે કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગસાહસિકતા મંત્રાલયની માન્યતા પ્રાપ્ત ઇડીઆઇઆઇના સેન્ટર ઓફ એક્સલન્સે દેશભરમાં વાર્ષિક 80,000થી 1,00,000 ઉદ્યોગસાહસિકોને તાલીમ આપી છે. તેમજ ઉદ્યોગસાહસિકતામાં વિશ્વના સૌથી મોટા અભ્યાસ – ‘ગ્લોબલ આંત્રપ્રિન્યોરશીપ મોનિટર’ના ઇન્ડિયા ચેપ્ટરનું નેતૃત્વ કર્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.