તહેવારોની સીઝન શરૂ થતાંની સાથે જ ખાણીપીણીના વેપારીઓ ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી ચીજવસ્તુઓનું વેચાણ કરે છે. આવતીકાલે દશેરા નિમિત્તે ફાફડા-જલેબી ખાવાનું મહત્ત્વ વધુ હોય છે, ત્યારે ખાસ કરીને જલેબીમાં મિશ્રણ અને ફાફડાને અખાદ્ય તેલમાં તળવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનની ફૂડ વિભાગની ટીમ દ્વારા શહેરમાં ફાફડા-જલેબીની દુકાનો પર ચેકિંગ કરી આવા અખાદ્ય વેપારીઓની દુકાનમાંથી સેમ્પલ લઈ એને કોર્પોરેશનની ફૂડ લેબોરેટરીમાં મોકલી આપે છે. ફાફડા-જલેબી અથવા એમાં વપરાયેલું મટીરિયલ ખાવાલાયક હતું કે નહીં એનું પરિણામ વધુમાં વધુ 15 દિવસે મળે છે. ખાદ્ય ચીજવસ્તુઓના લીધેલા નમૂનાનું તાત્કાલિક પરિણામ મળે એવી કોઈ સુવિધાઓ કે મશીન નથી અને FSSIના નિયમ મુજબ માન્ય નથી. એક તેલમાં માત્ર ચાર જ વાર ફાફડા તળી શકાય તો જ હાઇજેનિક કહી શકાય છે. ચારથી વધુ વાર એક તેલમાં તળવામાં આવે તેવા ફાફડા ખાવાથી કોલેસ્ટેરોલનું જોખમ રહેલું હોય છે.
25 TPCથી વધુના તેલને અખાદ્ય ગણાવી કડક કાર્યવાહી થાય છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગના વડા ડો.ભાવિન જોશીએ દિવ્ય ભાસ્કર સાથે શહેરમાં ફાફડા- જલેબીના ચેકિંગને લઈ ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે ફૂડ ઈન્સ્પેકટર તેમને વહેંચેલા વિસ્તારમાં આવેલી ફાફડા-જલેબીની દુકાનમાં જાય ત્યારે સૌપ્રથમ દુકાનનું રજિસ્ટ્રેશન કરેલું છે કે કેમ અને લાઇસન્સની તપાસ કરે છે. ફાફડા તળવા માટે જે તેલ વાપરવામાં આવે છે એ હાઇજેનિક છે કે નહીં એને ટેસ્ટો નામના મશીનથી તેલની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણીમાં જો TPC ( Total Polar Compounds) 25થી ઓછું તેલ મળી આવે તો ખાદ્ય ગણી શકાય છે અને 25 TPCથી વધુ આવે તો તેલ અખાદ્ય કહી શકાય, જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવે છે.
લેબોરેટરીમાં મિશ્રણ ચીજવસ્તુઓની ચકાસણી થાય છે
ચાસણી, બેસન, ઘી, તેલ, મરીમસાલા વગેરે કાચા રો-મટીરિયલનાં સેમ્પલ લેવામાં આવે છે. શંકાસ્પદ જણાય એ ખાદ્ય વસ્તુના 200થી 250 ગ્રામનાં કુલ ચાર સેમ્પલ લેવામાં આવે છે, જેના પૈસા પણ વેપારીને ચૂકવવામાં આવે છે. ચારમાંથી એક સેમ્પલને કોર્પોરેશનની નવરંગપુરા ખાતેની લેબોરેટરીમાં ચકાસણી માટે મોકલવામાં આવે છે. લેબોરેટરીમાં કલર, મિશ્રણ કરેલી ચીજવસ્તુઓ કઈ કઈ છે વગેરેની ચકાસણી કરવામાં આવે છે. બાકીનાં ત્રણ સેમ્પલ ફૂડ વિભાગ દ્વારા સ્ટોર કરવામાં આવે છે. જે પણ સેમ્પલ જો ફિટ જણાય તો સેમ્પલનો નાશ કરી દેવાય છે.
ગુનેગારને 5 લાખનો દંડ અથવા 6 મહિનાની કેદની જોગવાઈ
લીધેલી ખાદ્ય ચીજવસ્તુઓ વગેરેના નમૂનાનું વધુમાં વધુ 15 દિવસમાં પરિણામ આવે છે. મિસબ્રાન્ડેડ, સબ-સ્ટાન્ડર્ડ અને ફેલ એમ ત્રણ રીતે પરિણામ આવતાં હોય છે. મિસ બ્રાન્ડેડ અને સબ-સ્ટાન્ડર્ડ નમૂનો આવે તો વેપારીનો કેસ અમદાવાદ કલેક્ટર ઓફિસમાં રેસિડન્ટ એડિશનલ કલેકટરના ત્યાં રજિસ્ટર થાય છે અને ત્યાં જ્યારે કેસ ચાલે ત્યારે દંડ ચૂકવવાનો થાય છે. જે ખાદ્ય પદાર્થનો નમૂનો ફેલ આવે ત્યારે કોર્ટમાં કેસ જાય છે. વેપારીને અપીલ અને રિટેસ્ટ માટેની તક મળે છે. નેશનલ લેવલની લેબોરેટરીમાં ચેકિંગ માટે ચાર્જ ચૂકવે એટલે તેનું સેમ્પલ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે અને ત્યાંથી આવેલા રિપોર્ટ મુજબ તેમની સામે કાર્યવાહી થાય છે. ફૂડ સેફટી એકટ મુજબ ગુનો સાબિત થાય તો વધુમાં વધુ પાંચ લાખનો દંડ અથવા 6 મહિનાની કેદની સજાની જોગવાઈ છે.
ફૂડ લાઇસન્સ વગરના પર કડક કાર્યવાહી થાય છે
ફાફડા અને જલેબીમાં મિશ્રણ બાબતે તેમણે જણાવ્યું હતું કે ખાસ કરીને જલેબીમાં સેકરિન, વધુપડતો કલર, અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે, જ્યારે ફાફડામાં બેસનનો ઉપયોગ થતો હોય છે. ફાફડા તળવા માટેના તેલની ચકાસણી કરવામાં આવે છે. આજથી શહેરમાં અલગ અલગ જગ્યાએ ફાફડા-જલેબીની દુકાનો વગેરે જગ્યાએ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જે પણ લોકો રોડ પર મંડપ બાંધે અને ફાફડા-જલેબીનું ઉત્પાદન કરી વેચાણ કરે છે તેમની પાસે ફૂડ લાઇસન્સ ન હોય, જેથી તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
TPM મશીન વડે તેલની ગુણવત્તાની ઈન્સ્ટન્ટ ચકાસણી
ટોટલ પોલાર મટિરિયલ એટલે કે TPM વડે ફરસાણ તળવાના તેલની ગુણવત્તાની ઈન્સ્ટન્ટ ચકાસણી થઈ શકે છે. આ મશીનના રિડિંગના આધારે તેલની ગુણવત્તા અને તેને બદલવાની જરૂર છે કે કેમ તે નક્કી થાય છે. આ મશીન પર TPM રિડિંગ 20% સુધી આવે તો ગ્રીન લાઈટ થાય છે. આનો મતલબ એ થયો કે તેલ હજી પણ ફરસાણ તળવા માટેની યોગ્ય ગુણવત્તા ધરાવે છે. પરંતુ 20%-25%ની રેન્જમાં રિડિંગ આવે તો ઓરેન્જ લાઈટ થાય છે. આ મુજબ તેલ હજી તળવા યોગ્ય તો છે પણ તેને બદલી દેવાય તે ઈચ્છનીય છે. જ્યારે રિડિંગ 25%થી વધુ આવે તો લાલ લાઈટ થાય છે જેનો મતલબ એ થયો કે હવે આ તેલ ચાલે તેવું જ નથી અને તેને બદલવું પડે તેમ છે.
અમદાવાદમાં જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો
‘દિવ્ય ભાસ્કર’ના સરવે મુજબ, શહેરમાં અત્યારે ફાફડા 440થી 800 રૂપિયે કિલો અને ચોખ્ખા ઘીની જલેબીનો ભાવ રૂ.560થી 960એ પહોંચી ગયો છે. એક અંદાજ મુજબ દશેરાએ અમદાવાદમાં સરેરાશ 8 લાખ કિલો જેટલા ફાફડા-જલેબી ખવાય છે. આઠમથી જ ફાફડા-જલેબીના જુદી જુદી જગ્યાએ કાઉન્ટરો લગાવાય છે. ગત વર્ષ કરતાં આ વર્ષે ફાફડા-જલેબીના ભાવમાં 15 ટકા ભાવવધારો નોંધાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાફડા-જલેબીની સામગ્રીની કિંમતમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓ જણાવે છે. આ ઉપરાંત કારીગરોએ પણ મજૂરીના ભાવ વધારી દીધા છે. અમદાવાદ સ્વીટ એન્ડ ફરસાણ એસોસિયેશનના પ્રમુખ કમલેશ કંદોઇએ જણાવ્યું હતું કે તાજેતરમાં સિંગતેલ, ઘી, બેસન, ગેસના ભાવમાં અસહ્ય ભાવવધારો થવાને કારણે ગત વર્ષની સરખામણીએ જલેબી-ફાફડાના ભાવમાં 15થી 20 ટકાનો વધારો જોવા મળ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.