ગુજરાતમાં ગામડે-ગામડે અને અંતરિયાળ વિસ્તારમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ (GSRTC)ની બસ પહોંચે છે. ત્યારે રાજ્યમાં 7 હજારથી વધુ બસ ઓપરેટર કરતી નિગમ હવે કેશલેશ થવા એક ડગલું આગળ વધી રહી છે. રાજ્યની 100 જેટલી વોલ્વો અને એસી બસોમાં આ સેવા શરૂ કરી રહી છે. જેમાં POS મશીનમાં ક્રેડિટ-ડેબિટ કાર્ડ સ્વાઈપ કરીને મુસાફરો ટિકિટ લઈ શકશે.
ડિજિટલી જ નહીં કેશમાં પણ ટિકિટ લેવાનો ઓપ્શન મળશે
હવેથી એસ.ટી.બસમાં મુસાફરી કરનાર પ્રવાસીઓ શોપિંગ મોલ કે મોટી દુકાનોની જેમ ટિકિટ માટે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ સ્વાઈપ કરી ટિકિટ મેળવી શકશે. જેથી હવે GSRTCની બસમાં છુટ્ટા પૈસાની ઝંઝટમાંથી પણ મુક્તિ મળશે. માત્ર ડિજિટલ પેમેન્ટ નહીં, પરંતુ પ્રવાસીઓ માટે ઓન ધ સ્પોટ કેશ થકી પણ ટિકિટ લેવાનો વિકલ્પ મળી રહેશે.
આગામી દિવસોમાં વધુ 45 બસોમાં પણ સ્વાઈપ મશીન વપરાશે
GSRTCની બસોના કંડક્ટર પણ હવે ટિકિટ આપવાની બાબતમાં સ્માર્ટ બનશે. એસ.ટી.નિગમે પ્રાયોગિક ધોરણે 65 જેટલી પ્રિમિયમ બસમાં સ્વાઇપ મશીન થકી પ્રવાસીઓને ટિકિટ ઈશ્યુ કરવામાં આવી રહી છે. જેમાં પ્રવાસી પોતાના ડેબિટ અથવા તો ક્રેડિટ કાર્ડ થકી POS મશીનમાં કાર્ડ સ્વાઇપ કરીને ટિકિટ લઈ શકે છે. હાલ પ્રાયોગિક ધોરણે નિગમની વોલ્વો અને એસ.સી કેટેગરીની પ્રીમિયમ બસમાં આ સુવિધા શરૂ કરી છે. આગામી દિવસોમાં વધુ 45 બસોમાં સ્વાઇપ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
બસના મુસાફરોને ટિકિટ લેવા માટે નવો વિકલ્પ અપાયો
એસટી બસોમાં પ્રવાસીઓ ઈલેક્ટ્રિક ટિકિટિંગ મશીન ટિકિટ ઇશ્યુ કરવામાં આવતી હોય છે. જોકે, હવે ST નિગમ ડિજિટલ પેમેન્ટની દિશામાં આગળ વધતા પ્રવાસીઓ માટે ટિકિટનું ભાડું ચૂકવવામાં સરળતા રહે તે માટે પ્રવાસીઓને નવો વિકલ્પ આપી રહી છે. આ માટે પ્રવાસીઓએ અન્ય કોઈ કાર્ડ લેવાની જરૂર નહીં પડે. પોતાના ડેબિટ કે ક્રેડિટ કાર્ડ થકી જેમ મોલ કે મોટી દુકાનોમાં કાર્ડ થકી ખરીદી કરે છે. બરાબર એ જ પ્રકારે કાર્ડ સ્વાઈપ કરી મુસાફર ટિકિટ ભાડું આપી શકશે.માત્ર એટલું જ નહીં, પરંતુ POS મશીનમાં QR કોડની સુવિધા પણ ઉપલબ્ધ છે. જેને સ્કેન કરી ડિજિટલ પેમેન્ટ એપ્લિકેશન દ્વારા પ્રવાસી બસનું ભાડું ચૂકવી શકશે.
125 બસ સ્ટેન્ડ પર સ્વાઈપ મશીન ઉપલબ્ધ
POS મશીનની ખાસિયત એ છે કે, તેમાં ડિજિટલ પેમેન્ટની સાથે-સાથે કેશ આપીને પણ ટિકિટ લઈ શકશે. જેથી જ્યાં ઇન્ટરનેટની કનેક્ટિવિટીનો પ્રશ્ન ઉભો થશે ત્યારે મુસાફર કાર્ડની જગ્યાએ રોકડ રકમ આપીને ટિકિટ લઈ શકશે. આ ઉપરાંત નિગમે તેના તમામ 125 જેટલા ડેપો પર એડવાન્સ ટિકિટ બુકિંગ માટે POS મશીન ઉપલબ્ધ કરાવ્યા છે. જેના થકી પ્રવાસીઓ ઝડપથી ટિકિટ બુક કરાવી શકે છે. દિવ્યભાસ્કર સાથે વાત કરાતા એસ.ટી.નિગમના ઓપરેશન વિભાગના જનરલ મેનેજર જે.પી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત આ પ્રકારે ડિજિટલ પેમેન્ટની સુવિધાથી એસટી નિગમ યાત્રિકોને વધુ સારી સેવાઓ આપવા માટે કામ કરી રહ્યું છે. આવનાર દિવસોમાં તમામ બસોમાં આ પ્રકારે ટિકિટ માટે કંડક્ટરોને POS મશીન આપવામાં આવશે.
રોજ 20થી વધારે લોકો બસની મુસાફરી કરે છે
હાલ પ્રવાસીઓએ ટિકિટનું ભાડું ચૂકવતાં છુટ્ટા પૈસાની સમસ્યા રહેતી હોય છે. જોકે હવે ડિજિટલ પેમેન્ટ અને POS મશીન પર કાર્ડ સ્વાઈપ કરવાથી કેશ આપવામાંથી મુસાફરોને મુક્તિ મળશે. એટલું જ નહીં, પરંતુ કંડક્ટર માટે પણ થયેલા કલેક્શનનો હિસાબ રાખવામાં સરળતા રહેશે. હાલ રાજ્યમાં એસટી નિગમની 7 હજારથી વધુ બસો રસ્તા પર દોડી રહી છે. દૈનિક 20 લાખથી વધારે પ્રવાસીઓ મુસાફરી કરે છે, જેના થકી સરેરાશ 5.5 થી 6 કરોડ જેટલી આવક થતી હોય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.