ઈન્ટરનેશનલ મેન્સ ડે સ્પેશિયલ:પુરુષોને પણ આવે છે મોનોપોઝ, પહેલાં 45 વર્ષથી વધુ ઉંમરે સેક્સની ઈચ્છા મરી જતી, હવે 32 વર્ષના પુરુષો પણ કામેચ્છા ગુમાવી રહ્યા છે!

14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેક્સોલોજિસ્ટ ડો. પારસ શાહ જણાવે છે ચોંકાવનારાં કારણો
  • વ્યસન છોડો અને રોજ ત્રણ કિલોમીટર ચાલો તો ફરી કામેચ્છા જાગ્રત કરી શકાશે

ઈન્ટરનેશનલ મેન્સ ડે નિમિત્તે પુરુષોના એક એવા પ્રશ્નની વાત કરવાની છે, જે લગભગ દરેક પુરુષના મનમાં ચાલી રહી છે, પણ જાહેરમાં ચર્ચા થતી નથી. આ પ્રશ્ન બેડરૂમ પૂરતો સીમિત રહી ગયો છે. અલબત્ત, પુરુષોને સેક્સ કરવાની ઈચ્છા થતી નથી. ઈન્દ્રિયમાં ઉત્થાન ઓછું થાય છે. અથવા કહી શકાય કે નપુંસકતા આવતી જાય છે. આવું થવા પાછળનું કારણ શું? માત્ર કામેચ્છા જ ઓછી થવી એવું નહીં, પણ પુરુષોને થાક વધારે લાગે છે. યાદશક્તિ ઓછી થઈ જાય. આવું થવા પાછળનું કારણ એન્ડ્રોપોઝ છે. જેમ સ્ત્રી ચોક્કસ ઉંમરમાં મોનોપોઝમાં આવે એમ પુરુષ એન્ડ્રોપોઝમાં આવે. આ પ્રક્રિયાને 'મેલ મેનોપોઝ' પણ કહે છે.

એન્ડ્રોપોઝ એટલે શું?
ડોક્ટર પારસ શાહ કહે છે, સ્ત્રી જ્યારે 50 કે 55 વર્ષની થાય ત્યારે તેને માસિક આવતું બંધ થઈ જાય. તેની બાળક ઉત્પન્ન કરવાની ક્ષમતા ઓછી થઈ જાય. આ અવસ્થાને મેનોપોઝ કહેવાય. એવી રીતે પુરુષમાં જ્યારે સેક્સ કરવાની ઈચ્છા ઓછી થઈ જાય અથવા નપુંસકતા આવતી જાય એને એન્ડ્રોપોઝ કહેવાય.

પુરુષની કામેચ્છા મરી જાય છે.
પુરુષની કામેચ્છા મરી જાય છે.

ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ શું છે?
સવાલ એ થાય કે એન્ડ્રોપોઝમાં પુરુષ આવે એ ખબર કેવી રીતે પડે? પુરુષમાં ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સ હોય છે. આ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વૃષણ (કિડનીની બે ગોળી)માં ઉત્પન્ન થાય છે. બાળક જ્યારે 14-15 વર્ષનો થાય ત્યારે ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ બનવાનું શરૂ થાય છે. આ હોર્મોન્સને કારણે શરીરમાં વાળ આવે છે અને કામોત્તેજના જાગે છે, પણ અમુક ઉંમરમાં પુરુષની કામોત્તેજના મરી જાય છે અથવા તો નપુસંકતા આવી જાય છે. આના માટે ટેસ્ટોસ્ટેરોન વધે એવી દવાઓ કે ઇન્જેક્શન લેવાં પડે. હા, ડો. શાહ ખાસ વાત એ કરે છે કે 45 વર્ષથી વધુ વય હોય તો ડાયરેક્ટ ટેસ્ટોસ્ટેરોન ના લઇ શકાય, એનાથી પ્રોસ્ટેટનું કેન્સર થવાનો ભય રહે છે.

નાની ઉંમરમાં મોટી સમસ્યા
ડો. પારસ શાહના જણાવ્યા મુજબ, એક સમય હતો કે 45 કે 50 વર્ષના પુરુષ પેશન્ટ મારી પાસે આવતા અને કામેચ્છા ઓછી થવાની સમસ્યા કહેતા. હવે તો 32 કે 35 વર્ષના યુવાનો પણ આવી જ સમસ્યા લઈને આવતા થયા છે. તેમને કાં તો કામેચ્છા ઓછી થઇ હોય અને ખાસ કરીને નપુસંકતા આવી ગઈ હોય. આવા પેશન્ટ્સ પણ મોટી સંખ્યામાં આવતા થયા છે, આ ચિંતાનો વિષય છે.
ડો. શાહ લાલબત્તી ધરતાં કહે છે કે આ બધા પાછળ નાનપણથી મોબાઈલ અને લેપટોપમાં જ રચ્યાપચ્યા રહેવું એ છે. બાળકનું, યુવાનોનું મગજ સતત મોબાઈલમાં જ રહે છે, એને કારણે શરીરના હોર્મોન્સ પર અસર પડે છે. આને કારણે નપુસંકતાનું પ્રમાણ વધતું જાય છે, આ કડવી વાસ્તવિકતા છે.

સેક્સોલોજિસ્ટ ડોક્ટર પારસ શાહ.
સેક્સોલોજિસ્ટ ડોક્ટર પારસ શાહ.

નપુસંકતા જણાય તો શું કરવું?
આવું થાય તો જાતજાતના એનર્જી ટોનિક કે ટેબ્લેટ લેતાં પહેલાં ચેતવું. સૌથી પહેલા સેક્સોલોજિસ્ટને બતાવવું. જો તે કહે તો બ્લડ ટેસ્ટ દ્વારા ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સનું પ્રમાણ કેટલું છે એ જાણવું પડે. એના આધારે દવા લઇ શકાય.

પુરુષ એન્ડ્રોપોઝમાંથી બહાર આવી શકે
સ્ત્રી અમુક ઉંમરમાં મેનોપોઝમાં આવે તો એ એવી કુદરતી પ્રક્રિયા છે કે સ્ત્રી એમાંથી બહાર ના આવી શકે, પણ પુરુષ એન્ડ્રોપોઝમાંથી બહાર આવી શકે છે. આ માટે પહેલાં કહ્યું એમ દવા, ઇન્જેક્શન અથવા જેલનો ઉપયોગ ડોક્ટરની સલાહ મુજબ કરવો. બજારમાં જેલનું પાઉચ મળે છે. આ જેલ ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધારવાનું કામ કરે છે. નાહીને ખભા અને છાતીએ આ જેલ લગાવાની. બે મિનિટ પછી એ સુકાઈ જાય અને શરીરમાં ઊતરી જાય છે. ટૂંકમાં પુરુષ એન્ડ્રોપોઝમાંથી બહાર આવી શકે એના રસ્તાઓ છે.

ડાયાબિટીસ હોય તો જાતીય જીવન પર અસર ના પડે
ડો. પારસ શાહ વાત આગળ વધારતાં કહે છે, ઘણાના મનમાં એવો વિચાર આવ્યા કરતો હોય છે કે ડાયાબિટીસ હોય તો જાતીય જીવન પર અસર થઇ શકે, પણ એવું બિલકુલ નથી. ડાયાબિટીસને કારણે સેક્સલાઈફને કોઈ પ્રકારનું નુકસાન થતું નથી. હા, બીપી હોય અને તેની દવાઓ ચાલતી હોય તો એ જાતીય જીવન પર અસર કરી શકે. ખાસ કરીને બિટાબ્લોકર જેવી દવાઓ લેવાથી ઇન્દ્રિયમાં ઉત્થાન ના થાય. માટે બ્લડપ્રેશરના દર્દીઓએ દવા લેવામાં ખાસ ધ્યાન રાખવું જોઈએ.

પુરુષમાં નપુંસકતા આવતી જાય છે.
પુરુષમાં નપુંસકતા આવતી જાય છે.

એન્ડ્રોપોઝનો ઉપાય શું?
એન્ડ્રોપોઝમાંથી બહાર આવવું એટલે ટેસ્ટોસ્ટેરોન નામના હોર્મોન્સમાં વધારો કરવો. જો ટેસ્ટોસ્ટેરોન હોર્મોન્સ વધે તો કામેચ્છા ફરી જાગે. આ માટે દવા સિવાય બે રસ્તા છે. પહેલો રસ્તો છે વ્યસન છોડવું. બીડી, સિગારેટ, દારૂના વ્યસનથી નપુંસકતા આવી શકે. બીજું, બેઠાડું જીવન ત્યજી દેવું, એટલે કે શરીરને શ્રમ આપવો. કંઈ ના કરો તોપણ રોજ ત્રણ કિલોમીટર અથવા પોણો કલાક ચાલવાનું રાખવું. આમ કરવાથી ટેસ્ટોસ્ટેરોન વધે છે. ડો. શાહ કહે છે કે હું મારા પેશન્ટ્સને કહેતો જ હોઉં છું કે 'જેના પગ ચાલે, તેની ઇન્દ્રિય ચાલે.'

અન્ય સમાચારો પણ છે...