વર્ચ્યુઅલ સેમિનાર:જીટીયુમાં સાયબર સેફ્ટી અને સિક્યોરિટી અવેરનેસ વિષય પર ઈ-સેમિનાર, દેશભરના વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ અને નાગરિકો જોડાયા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
જીટીયુમાં યોજાયેલા સેમિનારની તસવીર - Divya Bhaskar
જીટીયુમાં યોજાયેલા સેમિનારની તસવીર
  • 2019ની સરખામણીએ 2020માં દેશમાં સાયબર ક્રાઈમના કેસમાં 300%નો વધારો

વર્તમાન સમયમાં ટેક્નોલોજી દરેક જનસામાન્યની જરૂરિયાત છે. ડિજીટલાઈઝેશનના આ સમયમાં સાયબર સિક્યોરીટીનું મહત્વનું વિશેષ છે. જેના અનુસંધાને તાજેતરમાં ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી(જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ એન્જિનિયરીંગ એન્ડ ટેક્નોલોજી (જીસેટ) દ્વારા નેશનલ સાયબર સિક્યોરિટી માસની ઉજવણીના ભાગરૂપે, સી-ડેક હૈદરાબાદના સંયુક્ત ઉપક્રમે સાયબર સેફટી અને સિક્યોરીટી અવેરનેસ વિષય પર ઈ- સેમિનારનું આયોજન કર્યું હતું.

જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠ અધ્યક્ષ સ્થાને હાજર રહીને જણાવ્યું હતું કે, નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના રીપોર્ટના આધારે વર્ષ 2019ની સરખામણીએ 2020માં સાયબર ક્રાઈમના કેસમાં 300%નો વધારો ભારતભરમાં જોવા મળ્યો છે. જીટીયુ આયોજીત આ પ્રકારના સેમિનારથી સાઈબર ક્રાઈમના રેટમાં ચોક્કસ પ્રમાણમાં ઘટાડો થશે. જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર, જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા.

સી-ડેક હૈદરાબાદના પ્રોજેક્ટ મેનેજર એમ. જગદીશ બાબુ, સાયબર સિક્યોરીટી ક્ષેત્રના નિષ્ણાંત વકીલ મનન ઠક્કર અને અમદાવાદ સાયબર સેલના પોલીસ ઇન્સ્પેકટર દિગ્વિજય જાડેજા વિષય તજજ્ઞો તરીકે હાજર રહીને સેમિનારમાં ભાગ લેનારને સાયબર સિક્યોરીટીના વિવિધ પ્રશ્નો સંબંધિત માર્ગદર્શન આપ્યું હતું. દેશના વિવિધ રાજ્યોના 500થી વધુ વિદ્યાર્થીઓ, પ્રોફેસર્સ તેમજ નાગરિકો આ સેમિનારમાં જોડાયાં હતા. આ પ્રસંગે એમ. જગદીશ બાબુએ ભારત સરકારના મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફર્મેશન ટેકનોલોજી દ્વારા ચાલતાં ઇન્ફર્મેશન સિક્યોરીટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી હતી.

જીટીયુ-જીસેટના ડાયરેક્ટર પ્રો. ડૉ. એસ. ડી. પંચાલે જણાવ્યું હતું કે, વર્ષ 2018થી જીટીયુ દ્વારા સાયબર સિક્યોરિટી સંદર્ભે જાગૃક્તા કેળવાય તે માટે અત્યાર સુધીમાં 150થી વધુ વર્કશોપ, 10થી વધુ શોર્ટ ટર્મ ટ્રેનિંગ પ્રોગ્રામ યોજવામાં આવ્યા છે. સાયબર સિક્યોરીટી ક્ષેત્રના નિષ્ણાંત વકીલ મનન ઠક્કરે ઓનલાઈન બેન્કિંગ ટ્રાન્ઝેક્શન, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, સાયબર બુલ્લીંગ જેવા સાયબર ગુનાઓથી બચવાના ઉપાયો રજૂ કર્યા હતા. સાયબર સેલ, અમદાવાદના પોલીસ ઇન્સ્પેકટર દિગ્વિજય જાડેજાએ જણાવ્યું હતું કે, સમયાંતરે સાઈબર સિક્યોરીટીના વિવિધ વિષયો પર જીટીયુ દ્વારા જાગૃકતા કેળવવા માટે અનેક પ્રકારના સેમિનાર અને ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે.