BRTSને બચાવવા પ્રયાસ:ખોટનો ધંધો કરતી અમદાવાદ BRTSને બચાવવા હવે ઇ-રિક્ષા પ્રોજેક્ટ શરૂ કરાશે, આ 5 જંક્શન દોડાવાશે 300 ઇ-રિક્ષા

અમદાવાદ2 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ મકવાણા

અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ચલાવાતી BRTS બસ સેવાને મરતી બચાવવા ઈ-રિક્ષા પ્રોજેક્ટ દ્વારા નવા પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવશે. બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર અથવા બસ સ્ટેન્ડથી અન્ય સ્થળે જવા લોકોને પરિવહન માટે સુવિધા મળી રહે એના માટે અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઇ-રિક્ષાનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેને સફળતા મળતાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં BRTS રૂટ પર 300 જેટલી ઇ-રિક્ષાઓ મૂકવામાં આવશે.

નારણપુરા, શિવરંજની, રાણીપ, ઓઢવ અને ચંડોળા એમ કુલ પાંચ જેટલાં જંકશનના રૂટ પર પહોંચવા માટે હાલમાં પ્રાથમિક ધોરણે ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવશે. ત્યાર બાદ ધીમે ધીમે સફળતા મળતાં અન્ય રૂટ પર ઇ-રિક્ષાઓ મૂકવામાં આવશે. ઇ-રિક્ષામાં માત્ર 4 જ વ્યક્તિને બેસી શકશે અને પ્રતિ પેસેન્જરદીઠ માત્ર 10 રૂપિયા ભાડું જ નક્કી કરવામાં આવ્યું છે, જેથી હવેથી BRTS રૂટ સુધી લોકો સરળતાથી પહોંચી શકશે.

6 ઈ-રિક્ષા મૂકીને પ્રોજેક્ટની શરૂઆત કરાઈ
અમદાવાદ જનમાર્ગ લિમિટેડના જનરલ મેનેજર વિશાલ ખનામાએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વર્ષ 2018માં ઈ-રિક્ષાનો પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો, જેના માટે બે કંપનીને પ્રાથમિક ધોરણે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવા આપ્યો હતો, પરંતુ તેઓ નિષ્ફળ રહેતાં વર્ષ 2021માં ગુજરાતની કંપની દ્વારા અમદાવાદના BRTS બસ સ્ટેન્ડ શિવરંજની ચાર રસ્તાથી પ્રહલાદનગર ગાર્ડન સુધી 6 ઈ-રિક્ષા મૂકવામાં આવી હતી. એને સફળતા મળતાં અલગ-અલગ 10 રૂટ પર કુલ 60 જેટલી રિક્ષાઓ ચલાવવામાં આવી હતી. એને સફળતા મળતાં હવે શહેરના અલગ અલગ પાંચ રૂટની આસપાસના વિસ્તારોમાં આ ઈ-રિક્ષાઓ શરૂ કરવામાં આવશે. એક રૂટ પર 60 રિક્ષા મૂકવામાં આવશે. આ માટેની ટેન્ડરપ્રક્રિયા કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં ટેન્ડર ખૂલ્યા બાદ કોન્ટ્રેક્ટ આપવામાં આવશે.

હાલ રોજ 1.90 લાખ મુસાફરો BRTSમાં મુસાફરી કરે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે રોજના 1.90 લાખ પેસેન્જરો BRTSમાં મુસાફરી કરે છે. ઈ-રિક્ષા પ્રોજેકટ હાલમાં નારણપુરા, રાણીપ, શિવરંજની, ચંડોળા અને ઓઢવ રૂટ પરના વિસ્તારમાં શરૂ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. જોકે જ્યારે કોન્ટ્રેક્ટ નક્કી થશે ત્યારે સૌથી વધારે લોકોની અવરજવર કયા વિસ્તારમાં રહે છે એને ધ્યાનમાં રાખીને એ રૂટ પર ઈ-રિક્ષા શરૂ કરવામાં આવશે. આ પ્રોજેક્ટમાં અમદાવાદ જનમાર્ગ લિમિટેડ કે મ્યુનિસિપલ કોર્પોરેશનનો એકપણ રૂપિયાનો ખર્ચ થશે નહિ અને રોકાણ કરવામાં આવશે નહીં. તમામ જવાબદારી કોન્ટ્રેક્ટરની રહેશે. માત્ર તેમને બીઆરટીએસના ડેપો પર રિક્ષાઓ પાર્ક કરવા માટેની જગ્યા આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તેમની પાસેથી પ્રીમિયમ તરીકે ઉચ્ચક કેટલીક રકમ જે નક્કી કરવામાં આવે એ જ લેવામાં આવશે.

60 ઈ-રિક્ષામાં રોજ 5000 જેટલા પેસેન્જરો બેસે છે
અમદાવાદમાં પાયલોટ પ્રોજેક્ટ કરનારી રિડીલ સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના ફાઉન્ડર અને ડાયરેક્ટર વ્રજ શાહે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યારે દસ જેટલા રોડ ઉપર અમારી 60 જેટલી રિક્ષાઓ ચાલે છે અને દરેક જગ્યાએ અમને સારા પેસેન્જર મળી રહ્યા છે. રોજના કુલ 4000થી 5000 પેસેન્જરો અમને મળી રહે છે. પાયલોટ પ્રોજેક્ટ તરીકે ઈ-રિક્ષાના પ્રોજેક્ટને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે.

ચોમાસામાં ઈ-રિક્ષા બંધ થઈ જાય છે
અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ઈ-રિક્ષા શરૂ કરાય અને લોકોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સરળતા રહે એ માટે ખૂબ જ સારું આયોજન કરાયું છે, પરંતુ ચોમાસામાં ઈ-રિક્ષા નહીં ચાલી શકે એમ રિક્ષા ચલાવનારા ચાલકોએ જણાવ્યું હતું. ચોમાસામાં રોડ પર પાણી ભરાઈ જાય અથવા વરસાદના કારણે ઇલેક્ટ્રિકલ વાહન હોવાને કારણે રિક્ષા બંધ થઈ જાય છે. ઈ-રિક્ષાની એક વખત બેટરી ચાર્જ કરવાથી 100 કિલોમીટર જેટલી રિક્ષા ચાલે છે. ચારથી પાંચ કિલોમીટરનો રૂટ હોય તો એક રૂટ પર 10થી 12 જેટલા ફેરા થાય છે.

ઈ-રિક્ષાની તસવીર.
ઈ-રિક્ષાની તસવીર.

ચાલુ વર્ષે BRTS સેવા ખોટમાં
​​​​​
નોંધનીય છે કે ​​​​​અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સંચાલિત અમદાવાદ જનમાર્ગ લિમિટેડ દ્વારા ચલાવવામાં આવતી બસ રેપિડ ટ્રાન્ઝિસ્ટ સિસ્ટમ (BRTS) બસસેવા પણ હવે ખોટમાં ચાલી રહી છે. દર વર્ષે BRTS બસ રૂ. 55થી 60 કરોડની આવક કરતી હોય છે. જોકે ચાલુ વર્ષે રૂ. 42 કરોડની જ આવક થઈ છે, જ્યારે વર્ષ 2020-21માં રૂ. 21 કરોડની જ આવક થઈ હતી.

અન્ય સમાચારો પણ છે...