સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનનો આદેશ:AMC અધિકારીઓ કેબિનો છોડી લોકો વચ્ચે જઈ કામ કરે, લોકોની ફરિયાદ અંગે પૂછવામાં આવે તો DyMC પાસે માહિતી હોતી નથી

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક

મ્યુનિ. ખાતે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં નાગરિકોને પડતી મુશ્કેલી અને ફરિયાદોને લઈ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને તમામ ઝોનના ડીવાયએમસીને પોતાની કેબિનમાંથી બહાર નીકળી ઝોનમાં શું ચાલી રહ્યું છે તેનું ધ્યાન રાખવા ટકોર કરી હતી. એક-બે ડીવાયએમસીને બાદ કરતા એક પણ પોતાના ઝોનમાં રાઉન્ડ લેતા ન હોવાની બાબતે ચેરમેન ગુસ્સે થયા હતા અને ડીવાયએમસીને ફરજીયાત રાઉન્ડ લેવા માટેનો શિડ્યુલ નક્કી કરવા આદેશ કર્યો હતો.

શહેરમાં રોડ, ગટર, પાણી, દબાણ જેવા અનેક પાયાના પ્રશ્નોની ફરિયાદો છે તેમ છતા સ્ટેન્ડિંગ કમિટીમાં તેમના ઝોનને લગતી વિગતો પૂછવામાં આવે ત્યારે ડીવાયએસસી પાસે તેની કોઈ માહિતી હોતી નથી ત્યાં સુધી કે અધિકારીને વિગતે ખ્યાલ પણ હોતો નથી. ચેરમેન અથવા કમિશનર તેમને પ્રશ્ન પુછે ત્યારે તેઓનો એક જ જવાબ ‘જાણીને કહું છું’ હોય છે.

મ્યુનિ. ના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, ડીવાયએમસી રાઉન્ડ તો લેતા જ નથી, પણ સાથે સાથે કેટલાક ડીવાયએમસી પાસે એક કરતા વધુ ઝોનનો ચાર્જ છે અથવા વધારાની કામગીરી સોંપાયેલી છે તેના કારણે ઝોનમાં પૂરતંુ ધ્યાન આપી શકતા નથી. આવી પરિસ્થિતિથી તેમની નીચેના એચઓડી અથવા જે તે વિભાગના અધિકારી તેમને અંધારામાં રાખી પોતાના ધાર્યા કામ કરાવી રહ્યાં છે. ખાસ કરીને આરોગ્ય અને સોલીડ વેસ્ટ વિભાગમાં ખૂબ છબરડા ચાલી રહ્યાં છે.

અધિકારીઓ સામે વધુ આવકની ફરિયાદો
આરોગ્ય વિભાગના કેટલાક ટોપના અધિકારીઓ સામે આય કરતા વધુ આવકની ફરિયાદ થઈ હતી જે અંગે મ્યુનિ. દ્વારા જે તે સમયે તપાસ પણ કરવામાં આવી હતી. જોકે તેની વિગતો હજુ સુધી બહાર આવી નથી. તપાસ આગળ વધે નહીં તે માટે આરોગ્ય અધિકારીએ ઉચ્ચ સ્તરેથી ભલામણો પણ કરાવી હતી.

અન્ય સમાચારો પણ છે...