સંસ્મરણો:સૌરાષ્ટ્ર પ્રવાસ વખતે પાટીલે કહ્યું, ‘આત્મારામે કલ્પના કરી હોત તો હું CM બની ગયો હોત’

અમદાવાદએક વર્ષ પહેલા
ધોળકામાં પાટીલે 95માં કેશુભાઈની સરકાર હતી એ વખતનો એક કિસ્સો યાદ કર્યો હતો
  • આત્મારામ ક્યારેય ચેરમેન ન બન્યા, મદનલાલ ક્યારેય મિનિસ્ટર ન બન્યા
  • આત્મારામ ચેરમેન બનવા માગતા હતા અને હું બે વાર ચેરમેન બની ગયો

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ C.R. પાટીલ રાજ્યના નિષ્ક્રિય થઇ ગયેલા કાર્યકર્તાઓમાં નવો જુસ્સો પૂરવા અને રાજ્યમાં પાર્ટીના કાર્યકર્તાઓમાં સ્થાનિક નેતાઓને લઇને શું વિચારો છે, તે જાણવા માટે રાજ્યના દરેક ખૂણે પ્રવાસ કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમણે સૌરાષ્ટ્ર પ્રવાસ પૂર્ણ કર્યો અને હવે 3 સપ્ટેમ્બરથી ઉત્તર ગુજરાતના કાર્યકર્તાઓને સાંભળશે. પોતાના સૌરાષ્ટ્ર પ્રવાસથી પરત ફરતી વખતે ધોળકામાં કાર્યકર્તાઓને સંબોધતી વખતે તેમણે પોતાનો એક કિસ્સો યાદ કર્યો હતો અને તેને વાગોળતા-વાગોળતા તેઓ બોલી ઉઠ્યા હતા કે ..તો હું પણ આજે મુખ્યમંત્રી બની ગયો હોત.

કેશુભાઈની સરકાર હતી એ વખતનો કિસ્સો યાદ કર્યો
વાત એમ છેકે, ધોળકામાં કોઇપણ અપેક્ષા રાખ્યા વગર પક્ષ પ્રત્યે વફાદાર રહીને કામ કરવું જોઇએ. આપોઆપ તમે ન વિચાર્યું હોય એ પદ મેળવી શકો છો. આ વાત સમજાવતી વખતે તેમણે કેશુભાઈની સરકાર હતી એ વખતનો એક કિસ્સો યાદ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, મે અને આત્મારામભાઈ પરમાર બન્નેએ પોલિટિકલ કેરિયર ડિસેમ્બર 1989માં સાથે શરૂ કર્યું હતું. 95ની ચૂંટણી બાદ મદનલાલ કાપડિયા સુરતમાંથી ધારાસભ્ય ચૂંટાયા. મારી પાસે ગાડી હતી એટલે મને પણ સાથે લઇ ગયા. અમે ત્રણ સાથે ગયા હતા. કારમાં આત્મારામ સતત મદનલાલના કાનમાં કહ્યાં કરે કે જો તમારે મને ચેરમેન બનાવવો જ પડશે. મદનલાલ કહે કે હું મિનિસ્ટર થઇશ એટલે તમને ચેરમેન બનાવી દઇશ.

આત્મારામે મારું નુકસાન કરાવ્યું
તેમણે વધુમાં કહ્યું કે, કુદરતનો કરિશ્મા જુઓ, આત્મારામ ક્યારેય ચેરમેન ન બન્યા, મદનલાલ ક્યારેય મિનિસ્ટર ન બન્યા, મદનલાલ મિનિસ્ટર બનવાના હતા અને આત્મારામ કેબિનેટ મિનિસ્ટર બની ગયા. તેઓ ચેરમેન થવાના હતા તેના બદલે હું બે વાર ચેરમેન બની ગયો. હું જ્યારે પણ તેમને જોઉ ત્યારે મને ઇર્ષ્યા આવે છેકે જો તેઓ કલ્પના કરત કે મને મુખ્યમંત્રી બનાવી દો તો કદાચ એ પદ મને મળી જાત. કારણ કે એમની ચેરમેન બનવાની અપેક્ષા મારામાં ફળી. એટલે જો એ વધારે અપેક્ષા રાખત તો મને ફાયદો થાત. તેમણે મારું નુકસાન કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...