ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સીરિઝની અંતિમ મેચ 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. આ દિવસો દરમિયાન દર્શકોને સમસ્યા ના થાય તે માટે મેટ્રો અને BRTSની ફ્રિકવન્સીમાં સવારે 7 થી 10 અને સાંજે 4થી 7 દરમિયાન બમણો વધારો કરવાનો પ્રસ્તાવ સ્ટેડિયમના અધિકારીઓ દ્વારા અપાયો હતો અને તે પ્રમાણે સંખ્યા વધારાશે.
આ મેચના પ્રથમ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ હાજર રહેવાના છે. આ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પરથી રખાયા બાદ આ પ્રથમ ઘટના હશે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં મેચ નિહાળશે. આ કારણો સુરક્ષા વ્યવસ્થા સામાન્ય કરતા વધારે રહેશે. ઓસ્ટ્રેલિયન વડાપ્રધાનનું ડેલિગેશન હાલમાં જ નરેન્દ્ર મોદી સ્ટેડિયમની મુલાકાતે આવ્યું હતું. અહીં તેમણે બેઠક વ્યવસ્થા તથા સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રથમ દિવસે ટિકિટ નહીં મળવાની વાત અફવા
ટેસ્ટના પ્રથમ દિવસે ભારત અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન હાજર રહેવાના હોવાને કારણે પ્રથમ દિવસની ટિકિટો વેચાશે નહીં. જોકે, આ મુદ્દે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના ઉપપ્રમુખ અનીલ પટેલે જણાવ્યું કે,"આ વાત ખોટી છે. પ્રથમ દિવસની ટિકિટો મળી રહી છે અને દર્શકો તે દિવસે પણ હાજર રહેશે. સુરક્ષા કારણોસર પ્રોટોકોલ પ્રમાણેની માત્ર અમુક અને એ પણ જે-તે સ્ટેન્ડમાં મહાનુભાવો બેઠા હશે ત્યાં પાસેથી બેઠકો જ ખાલી રખાશે. બાકી સંપૂર્ણ સ્ટેડિયમ દર્શકો માટે ખુલ્લું રહેશે."
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.