અમદાવાદ આરટીઓ કચેરીમાં મ્યુનિ. રોડ ટેક્સની બોગસ કે ડુપ્લિકેટ રસીદો જમા કરાવી દઇ રોડ ટેક્સની બચત કરતાં એજન્ટોને કારણે મ્યુનિ.ને વર્ષે લાખોનું નુકસાન થઇ રહ્યું છે. મ્યુનિ.એ તપાસ કરતાં માત્ર 2019/20માં આવા 35 હજાર વાહનો મળ્યા હતા જેનો રોડ ટેક્સ ચૂકવાયો ન હતો. જેમાં 35 ટકા ફોર વ્હીલર, 65 ટકા ટુવ્હીલર છે.
રેવન્યુ કમિટીના ચેરમેન જૈનિક વકીલે મ્યુનિ. કમિશનરને પત્ર પાઠવી એવી માગ કરી છેકે, આરટીઓમાં વાહન પાસિંગ પ્રક્રિયામાં આરટીઓના સ્ટાફ દ્વારા વ્હીકલ ટેક્સ ભરવા બાબતે યોગ્ય ચકાસણી નહીં કરવાને કારણે મ્યુનિ.ને વ્હીકલ ટેક્સની મોટી ખોટ પડે છે. તાજેતરમાં જ આરટીઓ દ્વારા આવા વ્હીકલ ટેક્સમાં ખોટી પહોંચ મામલે પોલીસ ફરિયાદ પણ નોંધાવી છે. કૌભાંડ રોકવા માટે આરટીઓમાં મ્યુનિ.ના કર્મચારીઓને બેસાડવાની માગણી કરવામાં આવી છે.
12 હજાર ફોર વ્હીલરને નોટિસ અપાઈ
2019-20માં 35 હજાર વાહનોએ મ્યુનિ.નો વાહનવેરો નહીં ચૂકવ્યો હોવાનું સામે આવ્યું હતું. જે તમામને મ્યુનિ.એ નોટિસ આપી છે. 12 હજારથી વધુ વાહનો ફોર વ્હીલર, 22 હજાર કરતાં વધારે વાહનો ટુવ્હીલર છે. ચાલુ વર્ષે મ્યુનિ.ને વ્હીકલ ટેક્સ પેટે131.56 કરોડની આવક થઈ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.