તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

5 પ્લેનને નુકસાન:અમદાવાદમાં 40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને એરપોર્ટ પર પડેલું પ્લેન ખસીને બાજુના પ્લેન સાથે અથડાયું, સીડી પણ ફંગોળાઈ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને અમદાવાદ એરપોર્ટ પર પડેલાં 5 પ્લેનને નુકસાન પહોંચાડ્યું. - Divya Bhaskar
40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને અમદાવાદ એરપોર્ટ પર પડેલાં 5 પ્લેનને નુકસાન પહોંચાડ્યું.
  • લેન્ડિંગની મંજૂરી ન મળતાં 190 પેસેન્જર સાથેના ઈન્ડિગો ફ્લાઇટે હવામાં ચક્કર લગાવ્યા

16 જૂનની રાત્રે અમદાવાદમાં તોફાની પવન સાથે સાંબેલાધારે વરસાદ પડ્યો હતો. શહેરમાં 40 કિ.મી.ની ઝડપે ફૂંકાયેલા પવને અમદાવાદ એરપોર્ટ પર પડેલાં 5 પ્લેનને નુકસાન પહોંચાડ્યું હતું. સાથે સાથે પેસેન્જરને પ્લેનમાંથી નીચે ઊતરવા માટેની સીડી પણ ફંગોળાઈ હતી. રન વે પર ઊભેલાં 5 પ્લેનમાંથી 3 પ્લેન ઈન્ડિગો એરલાઇનનાં હતાં અને 2 પ્લેન ગો એરનાં હતાં. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારે પવન સાથેના વરસાદને કારણે રન વે પર ઊભેલા પ્લેન એવાં તો ફંગોળાયાં કે બાજુમાં ઊભેલાં બીજાં પ્લેન પાસે ખસેડાઈને જતાં રહ્યાં હતાં, જેને કારણે આ પ્લેનને પણ નુકસાન થયું હતું.

જોકે આ દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ ન હતી. તમામ મુસાફરોને સલામત રીતે ઉતારવામાં આવ્યા હતા તેમજ કેટલીક ફ્લાઇટને ડાઇવર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ મોડી રાત્રે એ ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર આવી હતી.

દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ અને અન્ય એક ચાર્ટર ફ્લાઇટ લેન્ડ ન થઈ શકતાં સુરત ડાઈવર્ટ કરાઈ હતી.
દિલ્હી-અમદાવાદ ફ્લાઇટ અને અન્ય એક ચાર્ટર ફ્લાઇટ લેન્ડ ન થઈ શકતાં સુરત ડાઈવર્ટ કરાઈ હતી.

ટર્મિનલ એરિયામાં પાણી ભરાયાં
એર ઇન્ડિયાની દિલ્હી-અમદાવાદ ફ્લાઈટ અને અન્ય એક ચાર્ટર ફ્લાઇટ થોડા સમય સુધી હવામાં ફર્યા બાદ લેન્ડ ન થઈ શકતાં સુરત ડાઇવર્ટ કરાઈ હતી. વરસાદને કારણે એરપોર્ટના ટર્મિનલ એરિયામાં પણ પાણી ભરાઈ ગયાં હતાં. બુધવારે મોડી સાંજે શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં ભારે પવનને કારણે અમદાવાદ એરપોર્ટ પર ઊભેલી એક ફ્લાઈટની દિશા ફરી જતાં અધિકારીઓ દોડતા થયા હતા અને ફ્લાઈટને યોગ્ય દિશામાં વાળવાનો પ્રયાસ કર્યો હતો.

ખસેડાઈને આવેલું પ્લેન અથડાતાં બાજુમાં પડેલા પ્લેનને નુકસાન થયું.
ખસેડાઈને આવેલું પ્લેન અથડાતાં બાજુમાં પડેલા પ્લેનને નુકસાન થયું.

પેસેન્જરોને અડધો કલાક ફ્લાઇટમાં બેસાડી રાખ્યા
190 પેસેન્જરો સાથે મુંબઈથી અમદાવાદ આવતી ઇન્ડિગોની ફ્લાઈટને એટીસીએ લેન્ડિંગની મંજૂરી ન આપતાં થોડો સમય હવામાં ચક્કર લગાવ્યા હતા. જોકે ફ્લાઈટમાં ઈંધણ પૂરું થવાને આરે આવતાં પાયલોટે ફ્યુઅલ અલર્ટ જાહેર કરતાં એને જયપુર ડાઈવર્ટ કરાઈ હતી, જ્યાંથી ફ્યુઅલ ભર્યા બાદ વરસાદ રોકાતાં મોડી રાતે ફ્લાઈટ અમદાવાદ આવી હતી. એ જ રીતે સુરત ખાતે ડાઇવર્ટ કરેલી બંને ફ્લાઈટ્સ વરસાદ રોકાયા બાદ અમદાવાદ આવી હતી. અમદાવાદ એરપોર્ટ પર લેન્ડ થયેલી ફ્લાઈટના પેસેન્જરોને અડધો-પોણો કલાક ફ્લાઈટમાં જ બેસાડી રાખ્યા બાદ તેમને બહાર કાઢવામાં આવ્યા હતા.

એક ઇંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી.
એક ઇંચ વરસાદમાં અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી.

એકથી 2 મિનિટ ભારે પવન હતો: અદાણી
ભારે પવનના કારણે અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઈટોને થયેલા નુકસાન અંગે એરપોર્ટ ઓપરેટર કંપની અદાણીએ એક યાદીમાં જણાવ્યું છે કે, સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર મુજબ તમામ એરલાઈન્સને હવામાનની માહિતી આપવાની સાથે જરૂરી ચેતવણી આપવામાં આવી હતી. તેની સાથે જ સાવચેતીના પગલાં પણ લેવામાં આવ્યા હતા. પરંતુ પવન એટલો તેજ હતો કે એરક્રાફ્ટ તેના વાસ્તવિક પાર્કિંગ સ્થળથી ખસવા માંડ્યા હતા. ભારે પવનના કારણે પાર્ક થયેલા એરક્રાફ્ટ નજીક રખાયેલા ગ્રાઉન્ડ ઈક્વિપમેન્ટ (સીડી) સાથે ટકરાયા હતા જેમાં એરક્રાફ્ટની પાંખોને નજીવું નુકસાન થયું છે. આ ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા થઈ નથી.

એક ઈંચ વરસાદમાં જ શહેર પાણી પાણી
અમદાવાદ શહેરમાં એક કલાકમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ પડ્યો હતો, જેને પગલે વિવિધ વિસ્તારમાં નીચાણવાળી જગ્યાએ પાણી ભરાયાં હતાં. માત્ર એક ઇંચ વરસાદમાં અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા કુબેરનગર બંગલો વિસ્તારમાં સોસાયટીમાં પાણી ભરાઇ ગયાં હતાં. શહેરના સેટેલાઇટ, બોપલ, જોધપુર, વસ્ત્રાપુર, પાલડી, વાસણા, સરખેજ, શીલજ, મેમ્કો, દૂધેશ્વર, નરોડા રોડ, જમાલપુર વિસ્તારમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો.

17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં વરસાદ પડી શકે
હવામાન વિભાગે આગાહી કરી છે કે 17 અને 18 જૂન સુધીમાં રાજ્યમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે. 17 જૂનથી 20 જૂન સુધીમાં અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં 17 અને 19 જૂને હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે 20-21 જૂનથી વરસાદ વધશે.