કોરોનાને કારણે વર્ષ 2020-21માં ધો.10માં માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેની અસર આ વખતે ધો.12 સાયન્સ અને સામાન્ય પ્રવાહના બોર્ડની પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓ પર જોવા મળી હતી. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ધો. 12માં 2 લાખ વિદ્યાર્થીઓ વધુ નોંધાયા છે. જેમાં 12 સાયન્યસમાં 32 ટકા અને સામાન્ય પ્રવાહમાં 44 ટકા વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ (જીએસઈબી) દ્વારા માર્ચ-2023ની પરીક્ષા માટે નોંધાયેલા ધોરણ 12 સામાન્ય પ્રવાહ, સાયન્સની પરીક્ષા માટેના વિદ્યાર્થીઓની સંખ્યામાં ગત વર્ષની તુલનાએ ધરખમ વધારો નોંધાયો છે. નિષ્ણાતોના મતે કોરોનાના કારણે 2021ની સાલમાં ધોરણ 10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાતા આવી પરિસ્થિતિનુ નિર્માણ થયું છે.
વિદ્યાર્થીઓની સંખ્યામાં ધરખમ વધારો નોંધાયો
કોવિડ-19ના કારણે માર્ચ 2021ની સાલમાં શિક્ષણ બોર્ડની પરીક્ષા લેવામાં આવી ન હતી. જેના કારણે તે વર્ષે ધોરણ 10 અને ધોરણ 12ના વિદ્યાર્થીઓને સાથે જ માસ પ્રમોશન આપવામાં આવતા તે વર્ષે પાસ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 10 બાદ ધોરણ 11 પાસ કરીને ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને સાયન્સમાં સરળતાથી પ્રવેશ મેળવી શક્યા છે.
ગત વર્ષ કરતા 44 ટકા વધુ એટલે કે 1.72 લાખ વધુ વિદ્યાર્થીઓ
શૈક્ષણિક વર્ષ માર્ચ, 2022ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની પરીક્ષા માટે 3.91 લાખ વિદ્યાર્થીઓ સામે આ વર્ષે 5.64 લાખ નોંધાયા છે એટલે કે ગત વર્ષ કરતા 44 ટકા વધુ એટલે કે 1.72 લાખ વધુ વિદ્યાર્થીઓ આ વર્ષે ધો. સામાન્ય પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે નોંધાયા છે.
બીજી તરફ ધોરણ 12 સાયન્સમાં શૈક્ષણિક વર્ષ માર્ચ, 2022ની બોર્ડની પરીક્ષામાં ધોરણ 12 સાયન્સની પરીક્ષા માટે 95,715 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. તેની સામે આ વર્ષે માર્ચ, 2023ની ધોરણ 12 સાયન્સ પ્રવાહની બોર્ડની પરીક્ષા માટે 1.26 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે. આમ ગત વર્ષની તુલનાએ શિક્ષણ બોર્ડની પરીક્ષા માટે 30,885 વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે નોંધાયા છે.
ગયા વર્ષે ધો.12ની બોર્ડ એક્ઝામમાં 4.87 લાખ હતા, આ વર્ષે 6.91 લાખ
છેલ્લાં 5 વર્ષ દરમિયાન નોંધાયેલા વિદ્યાર્થીઓ
12 સાયન્સ
વર્ષ | નોંધાયેલા વિદ્યાર્થી |
2019 | 1,24,694 |
2020 | 1,16,643 |
2021 | 1,07,264 |
2022 | 95715 |
2023 | 1,26,600 |
12 સામાન્ય પ્રવાહ
2019 | 4,91,992 |
2020 | 4,89,091 |
2021 | 4,00,127 |
2022 | 3,91,844 |
2023 | 5,64,500 |
પરિણામમાં વધારો થવા પાછળનાં કારણો
કોરોનાના સમયગાળામાં તમામ ધોરણોમાં માસ પ્રમોશન જાહેર કરાયું હતંુ. પરિણામે 100 ટકા વિદ્યાર્થીઓ પાસ થતા તેની સીધી જ અસર 10, 11, 12ની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. કોરોના બાદ લેવાયેલી કોઈ પણ પરીક્ષાઓમાં બાળકોની મન સ્થિતિને સાચવવા માટે પ્રશ્નપત્રો સરળ કાઢવાનુ વલણ વધ્યું. તેથી પરિણામ સારું આવતા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થયો છે
વધુ 6 હજાર પરીક્ષા ખંડની વ્યવસ્થા કરાશે
સૂત્રોના જણાવ્યાં પ્રમાણે પરીક્ષા માટે નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થવાથી પરીક્ષા ખંડો, પરીક્ષાની બિલ્ડીંગોમાં વધારો કરવાની ફરજ પડશે. શૈક્ષણિક વર્ષ માર્ચ 2023ની પરીક્ષા માટે ધોરણ 12માં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યામાં 1.74 લાખ વધારે નોંધાતા આશરે 6 હજાર જેટલા વધુ પરીક્ષા ખંડોની વ્યવસ્થા બોર્ડને કરવી પડશે. તે જ પ્રમાણે વિદ્યાર્થીઓની ઉત્તરવહી ચકાસણી માટે નિષ્ણાત શિક્ષકોની સંખ્યામાં પણ વધારો કરવાની ફરજ પડશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.