અસહ્ય ગરમીને કારણે પ્રત્યેક અમદાવાદી રોજના સરેરાશ 166 લિટરને બદલે હાલ 277 લિટર એટલે કે 111 લિટર પાણીનો વધુ વપરાશ કરે છે. ગરમી સિવાયના દિવસોમાં અમદાવાદને રોજ 120 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ ગરમી વધતા હાલ વિવિધ વોટર સ્ટેશનમાંથી 145 કરોડ લિટર પાણી પૂરું પડાય છે. જ્યારે ખાનગી બોરમાંથી બીજા 50થી 55 કરોડ લિટરનો ઉમેરો કરીએ તો કુલ દૈનિક સપ્લાય 200 કરોડ લિટરની આસપાસ પહોંચે.
અમદાવાદની અંદાજે 72 લાખની વસતીને આધારે પાણીના વપરાશની આ ત્રિરાશી મૂકવામાં આવી છે. સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્ડ એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ ઓર્ગેનાઈઝેશન (સીપીએચઈઈઓ) મુજબ પ્રત્યેક વ્યક્તિને દૈનિક સરેરાશ 140 લિટર પાણીની જરૂર હોય છે. આમ વપરાશ ઘણો ઊંચો છે. પશ્ચિમ ઝોનની વસતી અંદાજે 14.25 લાખ છે. જ્યારે તેની સામે પાણીનો વપરાશ માથાદીઠ સૌથી વધુ 246 લિટર છે.
મધ્ય ઝોનમાં અંદાજે 8 લાખની વસતીનો માથાદીઠ વપરાશ 231 લિટર
ઝોન | વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશનની સંખ્યા | નર્મદાનો સપ્લાય | મ્યુનિ.ના બોરનો સપ્લાય | કુલ સપ્લાય | વસતી | પ્રતિ દિવસ વ્યક્તિ દીઠ મળતું પાણી |
મધ્ય | 18 | 176.29 | 7.41 | 183.7 | 793882 | 231.39 |
દક્ષિણ | 41 | 235.34 | 33.47 | 268.81 | 1194828 | 224.98 |
પશ્ચિમ | 41 | 299.8 | 4.54 | 304.34 | 1374768 | 221.38 |
પૂર્વ | 36 | 251.85 | 27.97 | 279.82 | 1271055 | 220.15 |
ઉત્તર | 31 | 222.79 | 18.08 | 240.87 | 1121440 | 214.79 |
દક્ષિણ અને ઉત્તર પશ્ચિમ | 51 | 302.31 | 48.35 | 350.66 | 1425800 | 245.94 |
કુલ | 218 | 1488.38 | 139.82 | 1628.2 | 7181773 | 226.71 |
કુલ વપરાશનું 80% પાણી ગટરમાં જાય છે
મ્યુનિ. અધિકારીના જણાવ્યા પ્રમાણે જેટલો પાણીનો સપ્લાય અપાય છે. તેમાંથી 80 ટકા પાણી ગટરમાં વહી જાય છે. જ્યારે 20 ટકા પાણી જમીનમાં ઉતરી જાય છે. શહેરના 14 સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રોજનું 1300થી 1400 એમએલડી પાણી ગટરમાં જાય છે.
નર્મદાનું પાણી ન મળે તો 2040માં મ્યુનિ. માથાદીઠ માંડ 50 લિટર પાણી આપી શકશે
2040માં અમદાવાદની વસતી વધીને 1.02 કરોડે પહોંચવાનો અંદાજ છે. હાલ શહેરની વસતી અંદાજે 72 લાખ છે અને રોજ સરેરાશ 155 કરોડ લિટર પાણી પૂરું પાડવામાં આવે છે. 2040 સુધીમાં જરૂરિયાત વધીને 240થી 260 કરોડ લિટર થવાનો અંદાજ છે. હાલ અમદાવાદને 98 ટકા સરફેસ વોટર અને માત્ર 2 ટકા ગ્રાઉન્ડ વોટર અપાય છે. સરફેસ વોટર એટલે નર્મદામાં કેનાલમાંથી મળતું પાણી અને ગ્રાઉન્ડ વોટર એટલે બોરમાંથી સીધું ખેંચાતું પાણી. અમદાવાદ સૌરાષ્ટ્ર જતી નર્મદા કેનાલના મુખ્ય ભાગ પર બેઠું હોવાથી હાલ પાણીની લકઝરી છે. પણ આ પાણી મળવાનું બંધ થાય તો મ્યુનિ.ની બોરની ક્ષમતા માત્ર 50થી 60 કરોડ લિટર પાણી પૂરું પાડવાની છે. આમ નર્મદાનું પાણી ન મળે તો 2040માં પ્રત્યેક અમદાવાદીને રોજ માત્ર 50 લિટર પાણી મળી શકે છે. જે પ્રતિ વ્યક્તિ 140 લિટરની જરૂરિયાત કરતાં 90 લિટર ઓછું કહેવાય.
એક્સપર્ટ વ્યૂઃ ડો. જી.પી. વડોદરિયા, ગ્રાઉન્ડ વોટર નિષ્ણાત
સૌરાષ્ટ્ર જેવી સ્થિતિ થશે: અમદાવાદીએ પાણી કરકસરપૂર્વક વાપરવું પડશે, રિહાર્વેસ્ટિંગ સહિતની બાબતોનું ધ્યાન રાખવું પડશે નહીં તો આવનારા ભવિષ્યમાં અમદાવાદની સ્થિતિ પણ સૌરાષ્ટ્રના વિસ્તારો જેવી થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.