રાજ્યમાં પવનની દિશા બદલાઇને રણપ્રદેશ તરફથી આવતાં પશ્ચિમી સૂકા ગરમ પવનો શરૂ થયા છે. જેને પગલે બુધવારે અમદાવાદના મહત્તમ તાપમાનમાં મંગળવારની સરખામણીએ અઢી ડિગ્રીનો વધારો થયો હતો. આમ 11 દિવસ પછી શહેરમાં ગરમીનો પારો ફરી 43 ડિગ્રીને પાર કરી ગયો હતો. હજુ બે દિવસ તાપમાન 42થી 43 ડિગ્રી આસપાસ રહેવાની હવામાન ખાતાની આગાહીને પગલે મ્યુનિ.એ શનિ-રવિ યલો એલર્ટ આપ્યું છે. એ પછી રવિવારથી ગરમી ઘટીને 40 ડિગ્રી પહોંચવાની વકી હવામાન વિશેષજ્ઞે કરી છે.
છેલ્લાં છ-સાત દિવસથી અમદાવાદમાં દક્ષિણ-પશ્ચિમી પવન ફૂંકાતા હતા, પણ બુધવારથી પવનની દિશા બદલાઇને પશ્ચિમીની થતાં અમદાવાદનું મહત્તમ તાપમાન અઢી ડિગ્રી ઉંચકાઇને 43.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 27.5 ડિગ્રી નોંધાયું હતું. સૂકા ગરમ પવનોની અસરથી અમદાવાદ સહિત 7 શહેરોમાં ગરમીનો પારો 41.0 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. સમગ્ર રાજ્યમાં 43.3 ડિગ્રી સાથે અમદાવાદ સૌથી ગરમ શહેર બન્યું હતું.
રવિવારથી ગરમી ઘટી 40એ પહોંચી શકે
રાજ્યમાં છેલ્લાં છથી સાત દિવસથી અરબી સમુદ્ર તરફથી ભેજ લઇને આવતાં દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાતા હતા, ગુજરાત સહિત અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીથી નીચે નોંધાયો હતો. પરંતુ, બુધવારથી પવનની દિશા બદલાઇને પશ્ચિમ પવનો શરૂ થયાં છે, આ પવનો રણપ્રદેશ તરફથી આવતાં હોવાથી સૂકા અને ગરમ હોવાથી વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટતાં ગરમી વધી છે. ત્રણ દિવસ તાપમાન 42 ડિગ્રી રહ્યાં બાદ રવિવારથી ગરમીનો પારો ઘટીને 40 ડિગ્રીની આસપાસ આવી જશે. 11 દિવસ પછી શહેરમાં તાપમાન ફરી 43 ડિગ્રીને પાર કરી ગયું છે. અગાઉ 21 મેના રોજ 43.6 ડિગ્રી ગરમી નોંધાઈ હતી. - અંકિત પટેલ, હવામાન
કયા કેટલી ગરમી નોંધાઈ
અમદાવાદ | 43.3 |
સુરેન્દ્રનગર | 42.9 |
રાજકોટ | 43 |
કંડલા | 42.6 |
વિદ્યાનગર | 42.1 |
અમરેલી | 41.4 |
ડીસા | 41.2 |
વડોદરા | 40 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.