તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની આંખ ઉઘાડતો, પ્રજ્ઞાચક્ષુનો કિસ્સો:બોન્ડના કારણે 100 ટકા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતી એકબીજાથી 800 કિ.મી. દૂર, પતિની સુરતમાં તો પત્નીની કચ્છના અંતરિયાળ ગામમાં નોકરી

અમદાવાદ18 દિવસ પહેલાલેખક: આનંદ મોદી
  • મારી પત્નીએ પરાવલંબી રહેવું પડે છે, અપમાન સહન કરવું પડે છે: હિંમતભાઈ
  • પત્નીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે પરંતુ કોઈ કાર્યવાહી થઈ નથી

દર વર્ષની 5 સપ્ટેમ્બરે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. શિક્ષકદિન નિમિત્તે આજે એક એવા પ્રજ્ઞાચક્ષુ શિક્ષક દંપતીની વાત કરવી છે, આ પ્રક્ષાચક્ષુ દંપતીનો કિસ્સો સરકારની આંખ ઉઘાડે એવો છે. જેમાં 100 ટકા પ્રજ્ઞાચક્ષુ એવા પત્ની પોતાના ઘર એવા સુરતથી 800 કિલો મીટર દૂર આવેલા કચ્છના અબડાસાના અંતરિયાળ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં નોકરી કરે છે. જ્યારે તેમના પતિ હિંમતભાઈ સુરતની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 220માં શિક્ષક તરીકે નોકરી કરે છે. DivyaBhaskarએ પ્રક્ષાચક્ષુના પતિ સાથે વાત કરી તેમની વ્યથા જાણી હતી.

10 વર્ષના બોન્ડે પ્રજ્ઞાચક્ષુનું જીવન પીડામય
પ્રજ્ઞાચક્ષુ પદ્માબેનની વર્ષ 2017માં 10 વર્ષના બોન્ડ પર શિક્ષકોની ભરતી કરવામાં આવી હતી, જેના કારણે દંપતીએ એકબીજાથી દૂર રહેવું પડ્યું. એક શહેરમાં નહીં પરંતુ પોતાના નિવાસ સ્થાનથી 800 કિલો મીટર દૂર પ્રજ્ઞાચક્ષુ પત્નીની નોકરી છે, હાલ બોન્ડને 4 વર્ષનો સમય થઈ ગયો છે, અને હજુ 6 વર્ષ બાકી છે. 10 વર્ષના બોન્ડની સામે પીસાતું પ્રજ્ઞાચક્ષુ દંપતી વિવશ થઈ ગયું છે. આમ સૌથી મોટો સવાલ એ છે કે, નિયમ મોટો કે માનવતા?

આર્થિક જરૂરિયાત માટે નોકરી કરવા મજબૂર
સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં હિંમતભાઇ કાપૂરે તેમની પત્ની, માતા અને તેમના બાળક સાથે રહેતા હતા. હિંમતભાઈ વ્યવસાયે 2005થી સંગીતના શિક્ષક છે, જ્યારે તેમના પત્ની પદ્માબેન પણ 2017થી બોન્ડ પર શિક્ષક તરીકે નોકરી કરે છે. તેમને કચ્છના અબડાસાના અંતરિયાળ ગામમાં નોકરી માટેનું સ્થળ ફાળવવામાં આવ્યું હતું. આ સ્થળ પદ્માબેનના ઘર સુરતથી 800 કિલો મીટર દૂર છે. પરંતુ પરિવારની જરૂરિયાત માટે પદ્માબેને નોકરી કરવાનું નક્કી કર્યું હતું અને 4 વર્ષથી તેઓ આ ગામમાં નોકરી કરી રહ્યા છે.

પ્રજ્ઞાચક્ષુ શિક્ષિકા મજબૂર બનીને બીજાની મદદ લે છે
2017થી પદ્માબેન કચ્છના અબડાસાના અંતરિયાળ ગામમાં આવેલી નવાવાસ પ્રાથમિક શાળામાં નિમ્ન પ્રાથમિક માધ્યમમાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે. ગામમાં તેમના રહેઠાણથી પણ સ્કૂલ 8 કિલો મીટર દૂર આવેલી છે. આ ઉપરાંત ગામમાં સાપ, વીંછી જેવા ઝેરી પ્રાણીઓનું પણ જોખમ રહેલું છે, આમ છતાં પદ્માબેન પરિવારની જરૂરિયાત માટે મુશ્કેલીઓનો સામનો કરીને નોકરી કરી રહ્યા છે. પ્રજ્ઞાચક્ષુ હોવાને કારણે એકલું રહીને જીવન ગુજારવું ખૂબ જ મુશ્કેલ હોવા છતાં પદ્માબેન નોકરી કરી રહ્યા છે. કેટલીક વખત બીજાનો પણ સહારો લેવો પડે છે, દરરોજ કોઈની મદદ મેળવવામાં પણ શરમ આવે છતાં પરાવલંબી બનીને નોકરી કરવી પડે છે.

પદ્માબેને જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી અરજી
પદ્માબેને જિલ્લા શિક્ષણાધિકારીને કરેલી અરજી

બદલી માટે પદ્માબેનની હ્રદય દ્રાવક અરજી
બીજી તરફ પતિ હિંમતભાઈ પણ પ્રજ્ઞાચક્ષુ છે સાથે જ માતા અને 12 વર્ષના પુત્રની પણ જવાબદારી તેમના પર છે. પરિવારથી દૂર રહીને નોકરી કરતા પદ્માબેને તેમની વ્યથા સાથે ત્યાંના જિલ્લા શિક્ષણાધિકારીને પણ પોતાની બદલી સુરત કરવા રજૂઆત કરી છે. પદ્માબેને લખેલી અરજી પણ હ્રદયદ્રાવક છે, જેમાં તેમણે લખ્યું છે કે મારે મારા પરિવારની મુલાકાત માટે સુરત આવવા જવા માટે અનેક મુશ્કેલીઓ પડી રહી છે. મારા પતિ પણ 100 ટકા પ્રજ્ઞાચક્ષુ છે. મારે દીકરો પણ છે, જે અભ્યાસ કરે છે. હું તેને માતાનો પ્રેમ અને કાળજી બંનેથી વંચિત રાખું છું.

મારી શાળા પણ આંતરિયાળ વિસ્તારમાં આવેલ હોવાથી હું ઘણી હિંમતવાન બનીને પરિવારની જરૂરિયાત માટે કામ ચલાઉ રહેઠાણથી 8 કિલો મીટર દૂર આવેલા નોકરીના સ્થળે અવરજવર કરું છું. મારા રહેઠાણની જગ્યાએ સાપ,વીંછી જેવા પ્રાણીઓ રહે છે જેનો મને હમેશા ડર સતાવે છે.

શિક્ષિકાની વ્યથા, મારી અપાર મુશ્કેલીઓ દૂર કરો
મારા સાસુ 70 વર્ષથી વધુની વયના છે જે બીમાર રહે છે. મારા પરિવાર સાથે જો સુરતમાં ફરજ બજાવવાની તક મળે તો હું પરિવારને યોગ્ય ન્યાય આપી શકીશ. મારી અપાર મુશ્કેલીઓ દૂર કરવા કાર્યવાહી કરવા વિનંતિ છે.

બોન્ડના કારણે પતિ-પત્ની અલગ રહેવા મજબૂર
આ અંગે પદ્માબેનના પતિ હિંમતભાઈએ DivyaBhaskarને જણાવ્યું હતું કે અમે પતિ-પત્ની બંને પ્રજ્ઞાચક્ષુ છીએ. અમારે બંનેને એકબીજાની જરૂર પડે છે, પરંતુ બોન્ડના કારણે મારા પત્ની મારા અને મારા પરિવારથી 800 કિ.મી. દૂર ગામમાં ફરજ બજાવે છે. હું મારા દીકરાનો એકલાહાથે ઉછેર કરું છું અને મારી માતાની દેખરેખ રાખુ છું. મારી પત્ની ત્યાં એકલી હોવાથી પરાવલંબી રહેવું પડે છે, અપમાન સહન કરવું પડે છે. મારી પત્નીએ જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી છે પરંતુ હજુ કોઈ કાર્યવાહી થઈ નથી. મારી પત્નીના બોન્ડમાં સુધારો કરીને સરકારે માનવતાના ધોરણે વિચાર કરવો જોઈએ.