ભાસ્કર એક્સક્લૂઝિવ:ધોરણ 10માં માસ પ્રમોશનને કારણે રાજ્યમાં ધો. 11ના 5 હજારથી વધુ નવા વર્ગો ઊભા કરવા પડશે

અમદાવાદ8 મહિનો પહેલાલેખક: અનિરુદ્ધસિંહ પરમાર
  • કૉપી લિંક
2019માં પાસ થનારા 5.51 લાખ વિદ્યાર્થીની સરખામણીએ આ વર્ષે 3 લાખ વધુ વિદ્યાર્થીનો સમાવેશ ધો.11માં કરવો પડશે - Divya Bhaskar
2019માં પાસ થનારા 5.51 લાખ વિદ્યાર્થીની સરખામણીએ આ વર્ષે 3 લાખ વધુ વિદ્યાર્થીનો સમાવેશ ધો.11માં કરવો પડશે
  • બે વર્ષમાં સ્કૂલોની આવક ઘટી હોવાથી નવા વર્ગો શરૂ કરવા શક્ય નથી, સરકાર જ વ્યવસ્થા કરે: સંચાલકો
  • માસ પ્રમોશન મેળવનારા ધોરણ 10ના 8.50 લાખ વિદ્યાર્થીની સામે હાલ ધો.11માં 4.89 લાખ વિદ્યાર્થીની કેપિસિટી છે
  • 2019માં પાસ થનારા 5.51 લાખ વિદ્યાર્થીની સરખામણીએ આ વર્ષે 3 લાખ વધુ વિદ્યાર્થીનો સમાવેશ ધો.11માં કરવો પડશે

ધોરણ 10માં માસ પ્રમોશનની અસર વિદ્યાર્થીઓના શિક્ષણની સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર પણ થશે. નવા શૈક્ષણિક વર્ષ માટે રાજ્યની ઉચ્ચત્તર માધ્મમિક સ્કૂલોના ધોરણ 11માં 5 હજારથી વધુ ક્લાસ રૂમની જરૂરિયાત ઊભી થશે. બોર્ડે નવા વર્ગોની દરખાસ્ત માટેની ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરી છે, પરંતુ ખાનગી સ્કૂલોના સંચાલક મંડળના મતે, છેલ્લાં બે વર્ષથી સ્કૂલોની આવકમાં ઘટાડો થતાં સ્કૂલો નવા વર્ગોનું બાંધકામ કે વ્યવસ્થા કરી શકે તે સ્થિતિમાં નથી. આથી સરકાર જ વિદ્યાર્થીઓના અભ્યાસની ચિંતા કરી તેઓના અભ્યાસની વ્યવસ્થા કરે.

ઓછા પગારે શિક્ષકોની ભરતી કરશે
ધો. 10માં માસ પ્રમોશન બાદ ત્રણ લાખ વિદ્યાર્થીઓના ધો.11માં પ્રવેશ અંગેની અસમંજસતાની સ્થિતિ ઊભી થઈ છે, જેને કારણે સરકાર પણ હવે સફાળી જાગી છે. જોકે શિક્ષણશાસ્ત્રીઓમાં બાળકના શિક્ષણ અંગે ચિંતા જોવા મળી રહી છે. શિક્ષણશાસ્ત્રીઓના મતે, ખાનગી સ્કૂલો ઓછા પગારે હંગામી ધોરણે શિક્ષકોની ભરતી કરશે, સરકારી સ્કૂલોમાં પ્રવાસી શિક્ષકોની ભરતી થશે, પણ પ્રવાસી શિક્ષક એક વર્ગદીઠ 90 રૂપિયામાં બાળકોને કેવું શિક્ષણ આપશે તે પણ એક પ્રશ્ન છે.

શિક્ષણ વિભાગે યોગ્ય શિક્ષકોની ભરતી કરવી જરૂરી
શિક્ષણશાસ્ત્રીઓમાં ડર છે કે હાલની ધો.11 અને 12ની શિક્ષણ વ્યવસ્થામાં કચાશ રહેશે તો આ વિદ્યાર્થીઓ જ્યારે ધો.12માં આવશે ત્યારે તેમના પરિણામ પર પણ અસર પડશે. એટલે શિક્ષણ વિભાગે માત્ર ક્લાસરૂમની વ્યવસ્થા નહીં, પરંતુ યોગ્ય શિક્ષકોની પણ વ્યવસ્થા કરવી જોઈશે. આ વર્ષ ધો.10માં માસ પ્રમોશન મેળવનારા વિદ્યાર્થીઓ માટે જેટલું મહત્ત્વનું છે તેટલું જ શિક્ષણ વિભાગ માટે પણ મહત્ત્વનું બની રહેશે.

વર્ગોની સંખ્યાનું ગણિત આ રીતે સમજીએ
2021માં 8.50 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન અપાયું છે. વર્ષ 2019માં ધો.10માં 5.51 લાખ અને 2020માં 4.80 લાખ વિદ્યાર્થી પાસ થયા હતા. 2019માં પાસ થનારા વિદ્યાર્થીઓની સરખામણીએ આ વર્ષે 3 લાખ વધારે વિદ્યાર્થીઓનો સમાવેશ ધો.11માં કરવો પડે. શિક્ષણ વિભાગના નિયમ પ્રમાણે એક ક્લાસમાં જો 60 વિદ્યાર્થી બેસાડાય તો પણ 5 હજાર વધારાના વર્ગોની જરૂરિયાત ઊભી થશે.

50 હજાર રિપીટર પણ એડમિશનની લાઇનમાં
ધોરણ 10ના 3.50 લાખ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાની જાહેરાત સરકારે કરી છે. છેલ્લાં ચાર વર્ષ દરમિયાન રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ 9થી 20 ટકા સુધીનું રહ્યું છે. જો આ વર્ષે ધોરણ 10ના 20 ટકા રિપીટર વિદ્યાર્થીઓ પાસ થશે તો પણ તેનો આંકડો 50 હજારથી વધુનો રહેશે. આથી માત્ર રિપીટર વિદ્યાર્થીઓ માટે રાજ્યની સ્કૂલોમાં 800 કરતાં વધુ વધારાના વર્ગોની જરૂર ઊભી થશે.

સ્કૂલો પાસેથી તાત્કાલિક વર્ગખંડોના આંકડા મગાવાયા
કમિશનર શાળાઓની કચેરી દ્વારા તાત્કાલિક ધોરણે તમામ ડીઈઓ પાસેથી તેમના તાબાની સ્કૂલોના ક્લાસ રૂમની સંખ્યા મગાવાઈ છે. પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે કે, ધો.10 અને 11માં આપેલા માસ પ્રમોશનની અસરથી ઊભી થયેલી પરિસ્થિતિ અંગે માહિતી મગાવાઈ હોવાથી સ્કૂલોએ ચોકસાઈથી માહિતી આપવી. સ્કૂલો પાસેથી ધોરણ 9, 10 અને ધોરણ 11,12ના હાલના વર્ગોની સંખ્યાની માહિતી મગાવાઈ છે.

એડમિશન ન મળે તો સરકાર વ્યવસ્થા કરે
છેલ્લાં બે ‌વર્ષથી સ્કૂલોની ફીમાં ઘટાડો થતા સંચાલકો નવા ક્લાસરૂમ ઊભા કરી શકે તે સ્થિતિમાં નથી. આથી સરકારે વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સરકારી, ગ્રાન્ટેડ સ્કૂલો શરૂ કરવી જોઈએ અને જે વિદ્યાર્થીને ધો.11માં એડમિશન મળતું નથી તેઓના શિક્ષણની વ્યવસ્થા પણ સરકારે જ કરવી જોઈએ. - દીપક રાજ્યગુરુ, પ્રવક્તા, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ

રેગ્યુલર શિક્ષકોની નિમણૂક કરવી પડશે
માસ પ્રમોશનને કારણે ક્લાસ રૂમોની જરૂરિયાત ઊભી થશે, સાથે જ યોગ્ય સંખ્યામાં અને નિયમિત શિક્ષકોની નિમણૂક પણ કરવી પડશે. જો શિક્ષણ વિભાગ અને સરકાર આ મુદ્દે યોગ્ય વ્યવસ્થા નહીં કરી શકે તો શિક્ષણને અન્યાય થશે. - કિરીટ જોષી, શિક્ષણશાસ્ત્રી

કમિટીનાં સૂચનો બાદ નિર્ણય કરીશું
સરકારે ધો.10ના માસ પ્રમોશન સાથે કમિટીની જાહેરાત કરી હતી. આ કમિટી ધો.10ની માર્કશીટ અને ધો.11માં પ્રવેશ કયા આધારે અપાશે તેના વિશે સૂચનો કરશે. બોર્ડ પણ કમિટીનાં સૂચનો બાદ જ અંતિમ નિર્ણય કરશે. - દિનેશ પટેલ, સેક્રેટરી, ગુજરાત શિક્ષણ બોર્ડ

અન્ય સમાચારો પણ છે...