સાબરમતીમાં નહીં આવે નવા નીર:ચાલુ વર્ષે વરસાદ ઓછો પડતાં નર્મદા ડેમમાં ઓછું પાણી હોવાથી સાબરમતી નદીમાં પાણી છોડવામાં નહીં આવે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સાબરમતી નદીની ફાઈલ તસવીર - Divya Bhaskar
સાબરમતી નદીની ફાઈલ તસવીર
  • ગણેશોત્સવમાં મૂર્તિ વિસર્જન કરવાનું હોવાથી નદીમાં પાણી છોડવા રજૂઆતો મળી
  • સાબરમતી નદીમાં ગંદુ પાણી છોડવામાં આવતી હોવાની કોર્પોરેટરની ફરિયાદ
  • અધિકારીઓએ ગંદા પાણી મુદ્દે કાર્યવાહી ન કરતા ફરી મુદ્દો ઉભો થયો

અમદાવાદની સાબરમતી નદીને સફાઈ કરવાની અને નદીમાં ગંદું પાણી ન ઠલવાય તેનું ધ્યાન રાખવાની જવાબદારી મ્યુનિસિપલ કોર્પોરેશનની છે. પરંતુ કોર્પોરેશનના અધિકારીઓ આ મામલે ધ્યાન આપતા નથી. સાબરમતી નદીમાં ઈન્દિરાબ્રિજથી હાંસોલ પાસે પાણી જ નથી. આગામી દિવસોમાં ગણેશોત્સવ અને સિંધી સમાજના તહેવાર આવે છે જેમાં મૂર્તિઓનું નદીમાં વિસર્જન કરવાનું હોય છે. જેથી નદીમાં નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવે જેની મુખ્યમંત્રી સુધી તેઓએ રજૂઆત કરી હતી. જેથી નદીમાં પાણી છોડવામાં આવે તેવી ચર્ચા કમિટીમાં થતા આ મામલે કમિશનરે જણાવ્યું હતું કે, આ વર્ષે વરસાદ ઓછો પડ્યો છે અને નર્મદામાં પાણી ઓછું હોવાથી સાબરમતી નદીમાં પાણી નહિ છોડવામાં આવે.

સોસાયટીઓના ગંદા પાણી નદીમાં ઠલવાતા હોવાનો આક્ષેપ
સરદારનગર વોર્ડમાં આવતી હાંસોલની 15 સોસાયટીઓના ગંદા પાણી સાબરમતી નદીમાં ઠલવાતાં હોવાનો આક્ષેપ 20 દિવસ પહેલા સ્ટેન્ડિંગ કમિટીના સભ્યએ કર્યો હતો. જે ફરિયાદ મામલે અધિકારીઓએ કોઈ જ કાર્યવાહી ન કરતા આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીમાં ફરી મુદ્દો ઉભો થયો હતો. સાબરમતી નદીમાં ઈન્દિરાબ્રિજ, હાંસોલ અને ભદ્રેશ્વરની આસપાસ સફાઈ ન થતી હોવાની ફરિયાદ પણ સભ્યએ કરી હતી.

હાંસોલની 15 સોસાયટીઓમાં ગટરના જોડાણો નથી
હાંસોલમાં તાજ હોટેલ પાછળ આવેલી 15 સોસાયટીઓના ગટરના જોડાણો નથી. તેથી તેમને તત્કાલ યોગ્ય જોડાણો આપવામાં આવે. તેમજ એસટીપી પ્લાન્ટ બનાવી ગટરથી આવતાં પાણીને ટ્રીટ કરવા જોઇએ. વર્ષોથી બનેલી આ સોસાયટીઓના જોડાણો સીધા નદીમાં ખુલે છે. માહિતી અનુસાર આ સોસાયટીઓમાં કેટલાક મકાનો-ફ્લેટની કિંમત દોઢથી બે કરોડની છે. ત્યારે મ્યુનિ.ની હિંમત નથી કે તેઆ સોસાયટીઓના ગટરના જોડાણ કાપી શકે. શાહીબાગ નજીક રિવરફ્રન્ટ પાસે મ્યુનિ. જ્યારે એસટીપી પ્લાન્ટ બનાવશે ત્યારે તેનું જોડાણ તેમાં ડાયવર્ટ કરી શકે છે.

આ સોસાયટીઓના જોડાણો નદીમાં ખુલતા હોવાનો આક્ષેપ
આશુતોષ, કર્ણાવતી, આર.એલીગન્સ, સતનામ રેસિડેન્સી, રામેશ્વર, મારુતિ બંગલો, મહાલક્ષ્મી, મંગલદીપ, શુકન રેસિડન્સી, હરિઓમ નગર, રાધેરાધે સોસાયટી સહિત 15 થી વધુ સોસાયટીના ગટરના જોડાણો સાબરમતી નદીમાં ખુલતા હોવાનો આક્ષેપ છે.