મુખ્યમંત્રી રૂપાણીએ વધતા જતા કોરોના સંક્રમણ સંદર્ભમાં ઉચ્ચસ્તરીય બેઠકમાં શિક્ષણ જગતને સ્પર્શતા કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા છે. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ નિર્ણયો અંગે વિસ્તૃત જાણકારી આપતા કહ્યું કે, 8 મનપા એટલે કે અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર,જૂનાગઢ અને ગાંધીનગરમાં તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં 19 માર્ચ-2021થી 10 એપ્રિલ સુધી પ્રત્યક્ષ શિક્ષણકાર્ય બંધ કરાશે. આ 8 મનપા વિસ્તારની સ્કૂલોમાં ઓનલાઇન શિક્ષણ-હોમલર્નિંગ અપાશે તેમજ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્કૂલોમાં પ્રથમ પરીક્ષા ઓનલાઇન લેવામાં અવાશે.
પ્રથમ પરીક્ષા 19 માર્ચથી ઓફલાઇન લેવાશે
ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વધુમાં જણાવ્યું કે, પ્રાથમિક શાળાઓમાં હાલના સમયપત્રક મુજબ ઓનલાઇન પરીક્ષા લેવામાં આવશે. આ આઠ મનપા સિવાયના અન્ય તમામ વિસ્તારોમાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં સ્વૈચ્છિક રીતે જે વિદ્યાર્થીઓ આવશે તેમના માટે પ્રત્યક્ષ શિક્ષણકાર્ય ચાલુ રહેશે. એટલું જ નહિ, ધો.9થી 12ની પ્રથમ પરીક્ષા તેના નિયત કાર્યક્રમ મુજબ 19 માર્ચથી 27 માર્ચ દરમ્યાન ઓફલાઇન પદ્ધતિએ લેવામાં આવશે. હાલમાં ચાલતું ઓનલાઇન-હોમલર્નિંગ શિક્ષણ ચાલુ રખાશે.
તમામ પ્રેક્ટીકલ ચાલુ રહેશે
શિક્ષણ મંત્રીએ આગળ જણાવ્યું કે, 8 મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોની પ્રાથમિક સ્કૂલોમાં હાલની પદ્ધતિ મુજબ અને સમયપત્રક મુજબ ઓનલાઇન/ઓફલાઇન પરીક્ષા લેવામાં આવશે. તેમજ સ્વૈચ્છિક રીતે ઉપસ્થિત થનાર વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ શિક્ષણની હાલની વ્યવસ્થા યથાવત રહેશે તેવો નિર્ણય પણ આ બેઠકમાં લેવાયો છે. રાજ્યની કોલેજ અને યુનિવર્સિટીઝ માટે જે નિર્ણયો લેવામાં આવ્યા છે તે અંગે તેમણે કહ્યું કે, 19 માર્ચ-2021થી તા.10 એપ્રિલ સુધી નિર્ધારીત સ્નાતક-ગ્રેજ્યુએટ કક્ષાની ઓફલાઇન પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે.આ પરીક્ષાઓ અંગે નવેસરથી સમયપત્રક યુનિવર્સિટીઓ જાહેર કરશે.
જ્યારે યુનિવર્સિટીની હોસ્ટેલ ચાલુ રહેશે અને વિદ્યાર્થીઓ તેમના હોસ્ટેલ રૂમમાં રહીને શિક્ષણ મેળવી શકશે. રાજ્યની યુનિવર્સિટીઓમાં અનુસ્નાતક-પોસ્ટ ગ્રેજ્યુએટ પરીક્ષાઓ, ઓફલાઇન કલાસિસ તથા પી.જી.ના તમામ પ્રેક્ટીકલ ચાલુ રહેશે. આ નિર્ણય રાજ્યની તમામ જાહેર અને ખાનગી યુનિવર્સિટીઓ માટે લાગુ પડશે.
બરાબર એક વર્ષ બાદ ફરી સ્કૂલ-કોલેજો બંધ કરી
ગત વર્ષે સ્કૂલ-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ જાન્યુઆરીથી ફેબ્રુઆરી દરમિયાન તબક્કાવાર ધોરણ 6થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલવામાં આવી હતી, પરંતુ એક વર્ષમાં જ કોરોનીની સ્થિતિ ત્યાંની ત્યાં જ આવી જતાં 18 માર્ચે ચાર મહાનગરોમાં ફરી સ્કૂલ-કોલેજો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જાન્યુઆરી અને ફેબ્રુ.માં ઓફલાઈન શિક્ષણ શરૂ થયું હતું
આ પહેલાં 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો ખોલવામાં હતી, જેને પગલે ધોરણ 10 અને 12, પીજી અને છેલ્લા વર્ષના કોલેજના વર્ગો શરૂ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ રાજ્યમાં ધો. 9 અને 11ની સ્કૂલો 1 ફેબ્રુઆરી શરૂ કરવામાં આવી હતી તેમજ ધોરણ 9થી 12 અને સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસને મંજૂરી આપી હતી. 9થી 12ની સ્કૂલો અને કોલેજો ખોલ્યા બાદ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે 8મી ફેબ્રુઆરીથી કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી હતી.
સંચાલકોની પણ સ્કૂલો બંધ કરવાની ઈચ્છતા હતા
પ્રાથમિક સ્કૂલમાં બાળકો એકસાથે ભણતાં તેમજ મસ્તી કરતાં હોય છે, ત્યારે જો કોઈ એકમાં પણ કોરોનાનાં લક્ષણો જણાય તો અન્ય પણ સંક્રમણનો ભોગ બની શકે છે એવો ડર હવે વાલીઓમાં વધી રહ્યો હતો અને એ જ કારણે સ્કૂલ ચાલુ થતાં શરૂઆતમાં 60 ટકા જેટલા વિદ્યાર્થીઓ ઓફલાઈન શિક્ષણ માટે સ્કૂલે આવતા હતા, પરંતુ હાલમાં 30 ટકાથી પણ ઓછા વિદ્યાર્થીઓ સ્કૂલે આવે છે, જ્યારે અન્ય ઘરેબેઠા ઓનલાઈન શિક્ષણ લઈ રહ્યા છે.બીજી તરફ, સ્કૂલોના સંચાલકો પણ બાળકોના હિતને ધ્યાનમાં રાખીને જ્યાં સુધી ગુજરાતમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં ન આવે ત્યાં સુધી સ્કૂલો બંધ રહે તેવી ઇચ્છા ધરાવતા હતા.
બાળકો સ્કૂલ કરતાં ઘરેબેઠા આપી રહ્યાં છે પરીક્ષા
હાલમાં ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા ચાલી રહી છે, પરંતુ મોટા ભાગનાં બાળકો સ્કૂલે આવવાની જગ્યાએ ઘરેબેઠા જ પરીક્ષા આપી રહ્યાં છે. વાલીઓ પણ સ્થિતિને જોતાં પોતાનાં બાળકોને સ્કૂલે મોકલતાં ડરી રહ્યા છે; ત્યારે આગામી 4 મેથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જેથી વિદ્યાર્થીઓને કોરોનાના સંક્રમણથી દૂર રાખવા માટે શિક્ષણ વિભાગ દ્વારા કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે.
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા સમયે જો કોઈ વિદ્યાર્થીને તાવ, શરદી, ખાંસી તેમજ ટેમ્પરેચર વધારે જણાશે તો તે વિદ્યાર્થીને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, જેથી અન્ય કોઈ વિદ્યાર્થીમાં સંક્રમણનો ભય ન રહે. જોકે હાલની સ્થિતિને જોતાં હવે બોર્ડની પરીક્ષા સમયે શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા સમયે કેટલાક નવા નિયમો પણ અમલમાં લાવવામાં આવી શકે છે.
4 મહાનગરમાં 31 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂ અમલમાં રહેશે
15 માર્ચે રાજ્યનાં ચાર મહાનગર- અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં લાદવામાં આવેલા રાત્રિ કર્ફ્યૂની મુદત પૂરી થઈ ગઈ હતી, જેને પગલે સરકારની કોર કમિટીની બેઠકમાં કોરોનાની સ્થિતિના આધારે રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂનો નિર્ણય લેવાયો હતો. રાત્રિ કર્ફ્યૂની આ વ્યવસ્થા 31 માર્ચ 2021 સુધી અમલમાં રહેશે. રાજ્ય સરકારે આ ચારેય મહાનગરોમાં મંગળવાર 16 માર્ચ સુધી રાત્રિ કર્ફ્યૂના સમયની અગાઉની વ્યવસ્થા એટલે કે રાત્રે 12થી સવારે 6 વાગ્યા સુધીની વ્યવસ્થા યથાવત્ રાખવાનો નિર્ણય કર્યો હતો.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.