વરસાદ:ભારે વરસાદને કારણે 8 જિલ્લાનાં 123 ગામોમાં અંધારપટ છવાયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદર, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 4 માર્ગો બંધ

સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે 8 જિલ્લાના 123 ગામોમાં વીજ પુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો છે. વીજ કંપની દ્વારા વીજ પુરવઠો પૂર્વવત્ કરવાની કામગીરી હાથ ધરાઇ છે.

રાજકોટના 27, મોરબીના 4, દેવભૂમિ દ્વારકાના 21, પોરબંદરના 2, જૂનાગઢના 6, ગીર સોમનાથના 7, જામનગરના 43 અને કચ્છના 13 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. બીજીતરફ ભારે વરસાદ અને નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાતા પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ 4 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે જેમાં 3 સ્ટેટ હાઇવે અને એક પંચાયતના રસ્તાનો સમાવેશ થાય છે. કેશોદ તાલુકામાં એક પુલ તૂટી ગયો છે.

સૌરાષ્ટ્રમાં કુલ 537 વીજપોલ પડી ગયા હતા જેમાં સૌથી વધુ જામનગરમાં 299, પોરબંદરમાં 98, જૂનાગઢમાં 64 પોલનો સમાવેશ થાય છે. રાજકોટ શહેરમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદને કારણે વીજળી ગુલ થઇ જતા પીજીવીસીએલના સ્ટાફમાં દોડધામ મચી હતી. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી સ્થિતિના પગલે રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફની 7 ટીમો તહેનાત કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...