વધુ એક હિટ એન્ડ રન:અમદાવાદમાં એક્ટિવા પર જઈ રહેલા યુવક અને તેના મામીને દારુ પીધેલ હાલતમાં કાર ચાલક ટક્કર મારી નાસી ગયો

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
અકસ્માત સર્જનાર કાર - Divya Bhaskar
અકસ્માત સર્જનાર કાર
  • મામી સાથે એક્ટિવા પર યુવક નારિયેળની ચટણી લેવા માટે નીકળ્યો હતો
  • એચ.બી કાપડિયા સ્કૂલ પાસે પૂરપાટ આવતી કારે સામેથી ટક્કર મારી

તાજેતરમાં જ પશ્ચિમ વિસ્તારમાં હિટ એન્ડ રનનો બનાવ બન્યો હતો. જેના ગણતરીના દિવસોમાં જ અન્ય એક બનાવ બન્યો છે. જેમાં યુવક અને તેના મામી એક્ટિવા પર જઈ રહ્યા હતા, તે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી હતી. જેમાં યુવક અને તેના મામી ઘાયલ થયા છે. આ મામલે ટ્રાફિક પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

કાર ચાલકે એક્ટિવાને ટક્કર મારી
સાહિલ દેસાઈ નામનો 21 વર્ષીય યુવક એક્ટિવા પર તેના મામીને બેસાડીને ચટણી લેવા જઈ રહ્યો હતો. તે દરમિયાન એચ.બી. કાપડિયા રોડ ગુરુકુળ પાસે ગુરુકુળ રોડ તરફથી એક કાર ચાલક પૂરપાટ ઝડપે આવી રહ્યો હતો. જેને એક્ટિવાના આગળના ભાગે ટક્કર મારી હતી. જેથી સાહિલ અને તેના મામી પડી ગયા હતા. જેમાં સહિલના પગે અને થાપા પર ઈજાઓ થઈ હતી. જ્યારે તેના મામીને ચહેરાના ભાગે તથા પીઠના ભાગે ઈજાઓ ઈજાઓ થઈ હતી.

કાર ચાલકે દારૂના નશામાં એક્ટિવા ચાલકને ફંગોળ્યો
કાર ચાલકે દારૂના નશામાં એક્ટિવા ચાલકને ફંગોળ્યો

દારૂના નશામાં ડ્રાઈવ કરી રહ્યો હતો કાર ચાલક
અકસ્માત થતાં આસપાસના લોકો ભેગા થતા કાર ચાલક કાર લઈને જતી રહ્યો હતો અને બાદમાં કાર લઈને પરત આવ્યો હતો. પરત ફરતા કારનો નંબર GJ.01.WA.4783 અને કાર ચાલકનું નામ હર્ષદ કુમાર જોશી હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે નોંધેલી FIR મુજબ કાર ચાલક દારૂ લીધેલી હાલતમાં હોવાનું પણ જાણવા મળ્યું હતું.

A ડિવિઝન ટ્રાફિક પોલીસમાં ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ
બનાવ બાદ સહિલના મામીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે સહિલે A ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે. પોલીસે હાલ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં સદનસીબે સાહિલ અને તેના મામીનો જીવ બચી ગયો, પરંતુ કાર ચાલકની બેદરકારીને કારણે અકસ્માત વધુ ગંભીર બની શકે તેમ હતો, કોઈનો જીવ પણ જઈ શકતો હતો.