અમદાવાદ પોલીસ હજુ રથયાત્રાના બંદોબસ્તનો થાક ઉતારી ઘરે જ જવાની હતી, ત્યાં શહેરમાં ફાયરિંગનો બનાવ બન્યો હતો. નિકોલ વિસ્તારમાં ફાયરિંગનો બનાવ બનતા પોલીસને તાત્કાલિક ઘટના સ્થળે દોડવું પડ્યું. મોડી રાત્રે બનેલી આ ઘટનામાં સામે આવ્યું કે, એક વ્યક્તિ દારૂના નશામાં છાકટો બની ગયો અને આડેધડ ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી નાખ્યું હતું.
દારૂના નશામાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ
ઘટનાની વિગતો મુજબ, ચરણજીત સરના નિકોલના ગોવર્ધન ગેલેક્સી બંગલોમાં રહે છે. તેની હાલ નિકોલ પોલીસે ધરપકડ કરી છે. આરોપી ગઈ રાત્રે ઘરની બહાર નીકળ્યો હતો. ત્યાં ચિરાગભાઈ હદવાણી નામના વ્યક્તિ પોતાનું શ્વાન લઈ ચાલવા નીકળ્યા હતા. અચાનક જ ચરણજીતે બંદૂક કાઢીને ચિરાગભાઈ સામે તાકયું. ચિરાગભાઈ હજુ કંઈ સમજે એ પહેલા આરોપીની પુત્રી આવી ગઈ અને પિતાના હાથને ધક્કો મારતા આરોપીએ હવામાં ત્રણેક રાઉન્ડ ફાયરિંગ કર્યું. હવામાં ફાયરિંગ થતા જ ચિરાગભાઈનો જીવ બચી ગયો હતો.
આરોપીએ પરમિટ રિન્યૂ ન થતા ગેરકાયદે દારૂ મગાવી પીધો હતો
પોલીસને મામલાની જાણ થતા તે ઘટના સ્થળે પહોંચી હતી, અને જોયું તો આરોપી ચરણજીત અસ્વસ્થ હાલતમાં એટલે કે નશાની હાલતમાં હતો. જેથી પોલીસે તેની આકરી પુછપરછ કરી અટકાયત કરી. તેની સામે પ્રોહિબિશન અને હથિયાર ધારા મુજબ ગુનો નોંધી ધરપકડ પણ કરી. આરોપી ગ્રોસરીની દુકાન ધરાવી વેપાર કરે છે પણ તે દારૂનો વ્યસની છે અને નશામાં જ તેણે હથિયારથી ફાયરિંગ પણ કર્યું હતું. આરોપી પાસે હથિયારના લાયસન્સ પણ છે. અગાઉ તેની પાસે પહેલા લિકર પરમીટ હતી પણ તે રીન્યુ ન થતા તેણે ક્યાંકથી ગેરકાયદે દારૂ મંગાવીને પીધો હતો.
આરોપીનું લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ
આરોપી પાસે પહેલા ત્રણ હથિયાર હતા પણ કાયદા મુજબ બે જ હથિયાર રાખી શકાતા હોવાના લીધે એક રાઇફલ તેને ઓઢવમાં જમા કરાવી દીધી હતી અને બાદમાં એક પિસ્તોલ અને એક બાર બોરનું હથિયાર રાખ્યું હોવાનું તપાસમાં સામે આવ્યું છે. હાલ આરોપી સામે ગુનો નોંધાતા હવે પોલીસ લાયસન્સ કેન્સલ કરવાની કાર્યવાહી કરશે. હાલ પોલીસે જે હથિયારથી ફાયરિંગ કર્યું તે કબ્જે કરી કોઈ અદાવત હતી કે નશામાં જ ફાયરિંગ કર્યું તેના મૂળ સુધી પહોંચવા પ્રયત્નો હાથ ધર્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.